અશોક કુમાર ઉર્ફે દાદામોનીએ હિન્દી સિનેમામાં અભિનયની શરૂઆત કરી ત્યારે, દેખાવડા હીરોની એવી ખાસ હરીફાઈ નહોતી. પરિણામે ઘણા વખત સુધી તેઓ સુપરસ્ટાર તરીકે ચાલી ગયા, પરંતુ જેમ જેમ નવા અને હેન્ડસમ હીરો આવ્યા, તેમ તેમ દાદામોનીની હીરો તરીકેની અપીલ ઘટવા લાગી. તેમની એક `મુશ્કેલી' એ હતી કે તેમનું મોઢું કંઇક અંશે ચોરસ અને થોડું ભારે હતું. એટલે હીરો હતા ત્યારે પણ ઉંમર કરતાં મોટા લાગતા હતા. એમાં નવા હીરોની ભરતી આવી, તેમાં તે બહુ વહેલા ચરિત્ર ભૂમિકાઓમાં ધકેલાઈ ગયા.
તેમને તેનો રંજ પણ હતો. ફિલ્મનિર્માતા-નિર્દેશક ઋષિકેશ મુખર્જીને એ મજાકમાં કહેતા પણ હતા કે તમેય મને હીરો ગણતા નથી. ઋષિ'દાએ 1968માં અશોક કુમારને મુખ્ય ભૂમિકામાં લઈને `આશીર્વાદ' નામની ફિલ્મ બનાવી હતી, તેની પાછળ આવી મજાક કારણભૂત હતી. ઋષિકેશ મુખર્જી અને અશોક કુમારે પ્યાર કા સપના, સત્યકામ, મિલી, અર્જુન પંડિત અને ખૂબસૂરત જેવી ફિલ્મોમાં મજબૂત ટીમ બનાવી હતી.
ઋષિ'દાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું,
`મેં આ ફિલ્મ મહેણાંમાંથી બચવા માટે જ બનાવી હતી. અશોક કુમાર હંમેશાં મજાક કરતા હતા કે મેં તેમની સાથે એક ચરિત્ર કલાકાર તરીકે ઘણી ફિલ્મો બનાવી છે, પરંતુ હીરો તરીકે કોઈ નહીં. એક દિવસ મેં તેમને ફોન કર્યો અને કહ્યું, `જો તમે મને ચીડવવાનું બંધ નહીં કરો, તો હું સાચે જ એક બુઢ્ઢાને હીરો તરીકે પેશ કરીશ. હું મજાક કરી રહ્યો છું એમ વિચારીને તે હસી પડ્યા. હું મજાક કરતો નહોતો. જે દિવસે મારી પાસે આશીર્વાદની વાર્તા આવી, મેં દાદામોનીને કહ્યું કે બુઢ્ઢા માટે હીરોની ભૂમિકા ભજવવાનો સમય આવી ગયો છે. આ રીતે આશીર્વાદનો જન્મ થયો હતો. આશીર્વાદને શ્રેષ્ઠ ફિલ્મનો અને દાદામોનીને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.'
હિન્દી સિનેમાના દિગ્ગજોમાંના એક અશોક કુમારની લાંબી કારકિર્દીમાં એક છેડા પર તે 1930ના દાયકાના હેન્ડસમ હીરો હતા અને 1980ના દાયકાના આનંદી દાદાજી હતા. એ બે છેડા વચ્ચે તેમણે મોટાભાગે ગંભીર પાત્રો નિભાવ્યાં હતાં, જ્યારે તેમનાથી નાના કલાકારો પડદા પર મોજમસ્તી લૂટી ગયા હતા. તેમના ખુદના જ પ્રતિભાશાળી ભાઈ કિશોર કુમારની સરખામણીમાં તો દાદામોની `બોરિંગ' લાગે. જેમ કે, ત્રીજા ભાઈ અનુપ કુમાર સાથેની ગાંગુલી બંધુઓની કોમેડી ફિલ્મ `ચલતી કા નામ ગાડી'નો આખો ભાર કિશોર જ ઉપાડી ગયો હતો.
જોકે, આ ભ્રમ હતો. એ તો દાદામોની તેમના દેખાવના કારણે અમુક ભૂમિકાઓમાં કેદ થઇ ગયા એટલે, બાકી તેમનામાંય ગીત અને કોમેડીની કળા હતી. ઇન ફેક્ટ, દાદામોની પહેલાં હીરો હતા, જેમણે `અછૂત કન્યા'માં પોતે જ `મૈં બન કી ચીડિયા' ગીત ગાયું હતું. 30 વર્ષ પછી તેમણે `આશીર્વાદ'માં ભારતનું પહેલું રેપ સોંગ `રેલ ગાડી' ગાયું હતું. આ બંને ગીતોને આજે પણ એટલા જ પ્રેમથી યાદ કરવામાં આવે છે.
તે વખતે 58 વર્ષના અશોક કુમારને હીરો તરીકે દર્શકો સામે મૂકવા તે કમ-સે-કમ આર્થિક રીતે તો સાહસ જ કહેવાય, પણ ઋષિકેશ મુખર્જીમાં એવાં જોખમ લેવાની વૃત્તિ હતી. ઋષિ'દાના નાયકો હંમેશાં આદર્શવાદી અને નૈતિક મૂલ્યોની જાળવણી કરનારા હતા. `આશીર્વાદ'માં એક એવા જમીનદાર શિવનાથ ચૌધરી ઉર્ફે `જોગી ઠાકુર'ની વાર્તા હતી, જે સિદ્ધાંતની રક્ષા માટે લગ્ન તોડી નાખે છે.
`આશીર્વાદ' એક અજાણી છોકરીને પિતાનો પ્રેમ આપતા કાબુલીવાલાની રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત હતી. અગાઉ બલરાજ સાહનીએ એ ભૂમિકા બખૂબી નિભાવી હતી. `આશીર્વાદ'માં અશોક કુમારે સાહની જેટલી જ સ્વાભાવિકતા સાથે ભૂમિકા ભજવી હતી. તેમાં સાદું જીવન, ઉચ્ચ વિચાર સાથે જીવતા જમીનદાર શિવનાથ એક એવા ઘરમાં ઘરજમાઈ બને છે, જ્યાં તેમની પત્ની લીલા (વીણા) મેનેજરની મદદથી દગો કરીને એક સંમતિપત્ર પર તેમની સહી લઇ લે છે, જેથી ગામના ગરીબોનાં ઘર-બાર સળગાવીને જમીન પચાવી પાડવામાં આવે.
નારાજ શિવનાથ પોતાની દીકરી નીનાને પાછળ છોડીને ઘર ત્યજી દે છે. તે મુંબઈ જાય છે જ્યાં તે એક પાર્કમાં બાળકોનું મનોરંજન કરીને ગુજરાન ચલાવે છે (અહીં જ પેલું જાણીતું `રેલ ગાડી' ગીત આવે છે). ત્યાં તેમને એક બાળકી ગમવા લાગે છે. યોગાનુયોગ તેનું નામ પણ નીના (બેબી સારિકા) છે. કમનસીબે છોકરી બીમાર પડે છે અને મૃત્યુ પામે છે.
શિવનાથ ગામમાં પાછા ફરે છે. ત્યાં તેમની જમીનદાર પત્નીનો મેનેજર ગામની એક છોકરીનું અપહરણ કરે છે. છોકરીને બળાત્કારથી બચાવવા માટે શિવનાથ મેનેજરનું ખૂન કરી નાખે છે. ગામલોકો તેમને બચાવવા માટે ખોટી વાર્તા બનાવે છે, પરંતુ સત્યપ્રેમી શિવનાથ સાચું કહી દે છે. તેમને ખૂન કેસમાં જેલ થાય છે. જેલમાં તે બાગકામ કરે છે અને ચિંતનાત્મક કવિતાઓ લખે છે.
જેલના ડોક્ટર બિરેન (સંજીવ કુમાર)ને આ કેદીમાં રસ પડી જાય છે. યુગાનુયોગે શિવનાથની પુત્રી નીના (સુમિત્રા સંન્યાલ)નાં આ જ ડોક્ટર સાથે લગ્ન થવાનાં હોય છે. હવે બિરેનને મળવા આવતી નીનાથી શિવનાથ મોઢું છુપાવે છે. એવામાં શિવનાથ બીમાર પડે છે અને તે જ વખતે સરકાર તેમના સારા વ્યવહાર બદલ તેમને પેરોલ આપે છે.
ડોક્ટર બિરેન તેમને કહે છે કે જે દિવસે તેઓ જેલમાંથી છૂટવાના હશે, તે જ સાંજે તેનાં લગ્ન લેવાયાં છે. શિવનાથ બધાથી છુપાઈને ભિખારીના વેશમાં લગ્નમાં સામેલ થાય છે અને દીકરીને શુભ જીવનના આશીર્વાદ આપે છે. પાછા વળતાં તે રસ્તામાં ફસડાઈ પડે છે. ત્યારે તેમની સાચી ઓળખાણ થાય છે. જ્યારે દીકરીને એ સમાચાર મળે છે ત્યારે તે મરતા પિતાનું મોઢું જોવા માટે દોડી પડે છે.
ફિલ્મ પત્રકાર રોશ્મિલ્લા ભટ્ટાચાર્ય સરસ નિરીક્ષણ કરે છે. તે કહે છે કે ઋષિ'દાની મોટાભાગની ફિલ્મોમાં મૃત્યુ પડછાયો બનીને ઝળૂંબતું રહે છે. તેમની પહેલી ફિલ્મ `મુસાફિર' (1957)માં દિલીપ કુમારનું અંતે મૃત્યુ થાય છે. `અનુપમા' 1964માં માતાનું મૃત્યુ પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોનું સંકટ પેદા કરે છે. `સત્યકામ' (1969)માં ધર્મેન્દ્ર અને `આનંદ' (1970)માં રાજેશ ખન્નાનો દુખાંત હતો. મિલી (1975)માં જયા બચ્ચનનો અંત નથી આવતો, પણ તે કેન્સર સામે મરવાના વાંકે જીવીને જીતે છે. `નમક હરામ' (1973)માં રાજેશ ખન્નાનું મૃત્યુ થાય છે.
કન્યા વિદાયનું આ દૃશ્ય હિન્દી સિનેમાનાં કેટલાંક યાદગાર દૃશ્યો પૈકીનું છે. 1974માં જે. ઓમપ્રકાશે `આપ કી કસમ' ફિલ્મમાં આ જ ક્લાઇમેક્સને દોહરાવ્યો હતો, જેમાં પત્ની સુનિતા (મુમતાઝ) પર શંકાના કારણે રસ્તે રઝળતો થઇ ગયેલો હીરો કમલ (રાજેશ ખન્ના) વર્ષો પછી જ્યારે તેની મોટી થઇ ગયેલી દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા પહોંચે છે, ત્યારે ત્યાં મંડપમાં અકસ્માતે લાગેલી આગમાં તે દીકરીને બચાવે છે અને ખુદ એમાં સળગી જાય છે.
દીકરીને અને પત્નીને ત્યારે કમલની ઓળખાણ થાય છે.
`આશીર્વાદ'નો સઘળો ભાર આખરે અશોક કુમારના ખભા પર હતો. ફિલ્મમાં બેજોડ લાગણીઓની અભિવ્યક્તિ સાથે તેઓ જે રીતે ફિલોસોફિકલ કવિતાઓ વાંચે છે તે જોવા જેવું અને માણવા જેવું છે. આખી ફિલ્મમાં બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ બખૂબી ઝિલાયો હતો. એમાં કોઈ આશ્ચર્ય નથી કે તેમના એ ગુણના કારણે જ અશોક કુમાર ફિલ્મ દુનિયાના દાદામોની બની ગયા હતા.
