ગરવા ગિરનારની ગોદ માનવ મહેરામણથી મહેકતી હતી. વાંદરીના બચ્ચા જેવો ગુલાબી વાયુ ગેલ સાથે છેડછાડ કરી રહ્યો હતો. વનરાજી અને ડુંગરમાળની છાયા ઓથ આપી કુદરતી ચંદરવો રચી રહી હતી. આવા સોહામણા વખતે પ્રેમમગ્ન જોડી શોભા અને નીલરાજ તળેટીમાં ઊભાં ઊભાં પ્રાકૃતિક મેળો વિસ્મયભાવે નીરખી રહ્યાં હતાં. માણસોની ભીડ અકળાવતી હતી એમ નવાઇ પણ પમાડતી હતી. શિક્ષિત લોકો `આઈ હેવ નો ટાઇમ'ની ઘસાઇને ગળામાં ફસાઇ ગયેલી કેસેટ વારંવાર વગાડે છે ને અહીં સમયની કોઈ સંકડામણ વગર સંપૂર્ણ મોકળાશથી માણસો મેળો માણી રહ્યા હતા. નીલરાજે અગાઉ જણાવ્યું હતું : `લોકો કોઈના કહ્યા વગર મનમેળે આવે ને પોતાની મરજી મુજબ પાછા ફરે, એનું નામ મનખાનો મેળો!'

કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયું હતું: `ગુજરાતમાં બે વિશ્વપ્રસિદ્ધ લોકમેળાઓ ભરાય છે, જેમાં એક આધ્યામિક અને બીજો લોકસંસ્કૃતિને વરેલો પ્રણયરંગ મેળો!' તેનો જવાબ હતો: `એક ઝાલાવાડમાં થાન-ચોટીલા પાસે ભરાતો તરણેતરનો અને બીજો જૂનાગઢની ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો!' ત્યારની શોભાની મેળો જોવાની જિદ્દ આ વખતે પૂરી થઇ હતી, પણ નીલરાજે ટકોર કરી હતી: `મેળો જોવાનો નહીં મનભરીને માણવાનો હોય!' આ જોવાના, જાણવા ને માણવા વચ્ચેનો ભેદ શોભાને સમજાયો નહોતો, તેથી પોતાનું ઊંચું રાખવા મોં મચકોડી ડાચિયું કર્યું હતું: `હા, હા હવે, અમને એટલી તો ખબર પડે, મધરટંગ ડે હમણાં જ સેલિબ્રિટ કર્યો છે હોં!' અંગ્રેજીપણા સામે નીલરાજે મૌન રહેવામાં જ શાણપણ સમજ્યું હતું.

સવારના ઊઘડતા પહોરમાં ઉપરકોટનો કિલ્લો જોવા ગયાં હતાં. તેમાં ગાઈડના કહેવા મુજબની અચરજકારી કથા હોય તો તે રાણકદેવી, રા'ખેંગાર અને સિદ્ધરાજ સોલંકીની હતી. રાણકદેવીને હાંસલ કરવા માટે સિદ્ધરાજે બાર બાર વર્ષ સુધી ગિરનાર પર્વત ફરતો ઘેરો ઘાલ્યો હતો ને છેવટે દગા-ફટકાથી કિલ્લો સર કરી રાણકદેવી સુધી પહોંચ્યો હતો. શોભા તો કથા સાંભળ્યા પછી આશ્ચર્યચકિત થઇ ગઈ હતી: `આઈ કાન્ટ બિલીવ. કોઈ વ્યક્તિ મનગમતા પાત્રને મેળવવા બાર બાર વરસ સુધી આક્રમકતા દાખવે?' પણ સામે નીલરાજે કુનેહથી કહી દીધું હતું: `આ એક લોકકથા છે. તેમાં સાલવારી પ્રમાણે ઈતિહાસને લઇ કડીઓ જોડવામાં ક્યાંક સાંકળ તૂટે પણ ખરી!' શોભાએ ભાવુકતાથી પૂછ્યું હતું: `એની વે. મને માણવામાં નહીં જાણવામાં રસ છે, પછી શું થયું હતું?' આવો સણસણતો સવાલ સાંભળી નીલરાજ અવાક થઇ ગયો હતો.

એક સમયે રાણકદેવીનાં સૌંદર્યની સુગંધ છેક પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી હતી. રાજા રીતસરનો રઘવાયો થયો હતો. તેમણે રાણકદેવી સાથે લગ્ન કરવાનું ધાર્યું હતું, પણ તે દરમ્યાન રાણક દેવીનાં રા'ખેંગાર સાથે વાજતેગાજતે વિવાહ થઇ ગયા હતા. આ હકીકતથી પાટણપતિ ક્રોધે ભરાયો હતો અને જૂનાગઢને જીતવા માટે લાવલશ્કર સાથે ચઢાઇ કરી હતી, પણ બાર બારના વર્ષનાં વાણાં વાયાં પછી પણ સીધી રીતે તેની કારી ફાવી નહોતી.રાજનીતિના ભેદભરમ મુજબ તેને છળકપટનો સહારો લેવો પડ્યો હતો.

`એક સ્ત્રી પાછળ યુદ્ધ થાય ને જીવસંહારમાં લોહીની નદીઓ વહે. આવા બનાવોની ઈતિહાસ સાક્ષી પૂરે છે, પણ યુદ્ધ પાછળના સ્ત્રીનાં શીલ-સંસ્કાર ને મૂલ્ય-સ્વમાનની વાત શોભાના સમજ ક્ષેત્રની બહાર રહી હોવાનું સમજી નીલરાજે ટહુકો કર્યો હતો: `આ કથાનો ભેદ સમજાય છે શોભાદેવી!' સામે છાતીફાટ નિસાસો નાખી શોભાએ ઘસાતા સ્વરે સંભળાવ્યું હતું: `કોઈ સિદ્ધરાજ જેવો પ્રતીક્ષા કરનારો પુરુષ મળે તો દરેક સ્ત્રીને રાણકદેવી થવું હોય છે!' આવું સાંભળી નીલરાજ ઓઝપાઇને બોલી ગયો હતો: `ખેંગાર પણ જોઈએને!'

પછી મર્માળુ હસીને બેઉ ચાલવાં લાગ્યાં હતાં. તાપ આકરો થવા લાગ્યો હતો. ભારે ભીડનો ઘોંઘાટ ને ઊડતી ધૂળના લીધે અકળામણ થવા લાગી હતી. ખરેખર તો આ લોકકથાની સમાંતર શોભા અને નીલરાજની કથા પણ ચાલતી હોય એવું અનુભવાતું હતું.

`પછી?' આવો સવાલ શોભાએ ગાઇડની છાતીમાં તીર માફક ભોંકી દીધો હતો. તેણે કહ્યું હતું: `બાર વર્ષ સુધી ઘેરો ઘાલ્યા પછી પણ ઉપરકોટના કાંગરા ખેરવી ન શકનાર પાટણપતિ પાસે નીજી વેર વાળવા રા'ખેંગારના ભાણેજ દેશળ ને વિશળ છૂપી રીતે પહોંચી ગયા હતા.' શોભા મોં વકાસી ગાઈડ સામે જોઈ રહી હતી. તેણે મોં મરકાવીને કહ્યું હતું: `મેડમ! આ બધી લોકકથાઓ છે. તેમાં આવું

બધું આવે!'

પછીથી નીલરાજે કથા કહી સંભળાવી હતી: `તેમાં દેશળ ને વિશળ દ્વારા છૂપા રસ્તેથી રાજમહેલમાં પ્રવેશી રા'ખેંગાર સાથે યુદ્ધ કરી રાણકદેવીને જીવતાં ઝાલી લીધાં હતાં.

પાટણપતિની લાખ વિનવણી છતાં રાણકદેવી એક ટળીને બે નહોતાં થયાં. તેની નજર સામે જ બે-દીકરા અને ભરથારને માર્યા હતા.

સિદ્ધરાજ સાથે આગળ જતાં દેવી ભોગાવો નદી(વઢવાણ)માં સતી થયાં હતાં. આ હકીકતની સાક્ષી પૂરતી દેરી આજે પણ ઊભી છે. નીલરાજે પછી પૂછ્યું હતું: `બોલ શું કહેવું છે તારું?' અંગમરોડ સાથે શોભાએ જણાવ્યું હતું: `બાર વર્ષ તો યાર લાંબા પડે, પણ બાર માસ રાહ જોવાની મારી તૈયારી છે!'

નીલરાજે નાજુકાઇથી શોભાનો હાથ ગ્રહી લીધો હતો.