પ્રશ્ન: તમે કદાચ 2033માં મંગળ પર પગ મૂકનારાં પહેલા માનવી હશો. આટલી ખાસ વસ્તુનો ભાગ બનવાનો અનુભવ કેવો છે?

એલિસા: મને હંમેશાં અવકાશમાં રસ રહ્યો છે અને મને જે ગમે છે તેના પર કામ કરી શકવું એ અદ્ભુત છે. મંગળ પર વૈજ્ઞાનિક સંશોધન કરવા જેટલો મોટો પ્રભાવ પાડવાનું મને ગમશે. ફક્ત એ જાણીને કે તે વાસ્તવિકતા બનવાની શક્યતા છે, તે મને તેના પર કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત અને પ્રેરિત કરે છે. હું મંગળ પર પ્રથમ અથવા પ્રથમ વ્યક્તિઓમાંની એક બનવાની આશા રાખું છું.

એલિસા કાર્સનનો જન્મ 10 માર્ચ, 2001ના રોજ થયો હતો, એટલે હાલમાં જ તે 24 વરસ પૂરાં કરી પચ્ચીસમાં વરસમાં પ્રવેશી છે. એક અમેરિકન સોશિયલ મીડિયા પ્રભાવક અને અવકાશ ઉત્સાહી છે, જે નાનપણથી જ મંગળ પર જનાર પ્રથમ વ્યક્તિ બનવાની મહત્ત્વાકાંક્ષા માટે જાણીતી છે. તેણે અસંખ્ય અવકાશ શિબિરો (Space Camps)માં હાજરી આપી છે. તે NASABlueberry નામના સોશિયલ મીડિયા બ્રાન્ડિંગનો ઉપયોગ કરે છે. પોતાને માર્સ જનરેશન તરીકે ઓળખાવે છે.

સાત વર્ષની ઉંમરે હન્ટ્સ4લે, અલાબામામાં તેણે પહેલી અવકાશ શિબિરમાં હાજરી આપી હતી. તુર્કી અને કેનેડા સહિત નાસાના દરેક અવકાશ શિબિરમાં હાજરી આપનાર તે એકમાત્ર વ્યક્તિ છે. 2013માં કાર્સન `NASA પાસપોર્ટ પ્રોગ્રામ' પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ હતી. તેને વોશિંગ્ટન ડીસીમાં સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ ખાતે MER (માર્સ એક્સપ્લોરેશન રોવર) 10 પેનલમાં પેનલિસ્ટ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંગળ પર પ્રથમ વ્યક્તિ બનવાની તેમની ઇચ્છાને કારણે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેને BBC દ્વારા અને સ્ટીવ હાર્વે ટોક શોમાં તેને સૌથી નાની ઉંમરની મહિલા ગ્રાઉન્ડબ્રેકર તરીકે દર્શાવવામાં આવી હતી. 2017ની દસ્તાવેજી ફિલ્મ `ધ માર્સ જનરેશન'માં પણ દર્શાવવામાં આવી હતી. અવકાશયાત્રી બનવા અને મંગળની મુસાફરી કરવાના તેમના બાળપણના ધ્યેય વિશે ચર્ચા કરવા માટે તેનો વારંવાર ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે. તે અનેક અવકાશ સંબંધિત ઉત્પાદનો સાથે સંકળાયેલી છે, જેમાં હોરિઝન સ્ટુડિયો દ્વારા ડિઝાઇન કરાયેલ `સ્પેસ લગેજ'નો સમાવેશ થાય છે અને કેનેડિયન સ્પેસ એજન્સી હેડક્વાર્ટર માટે ફાઇનલ ફ્રન્ટિયર ડિઝાઇનના સ્પેસ સૂટના પરીક્ષણમાં ભાગ લીધો છે. તે ફૂટવેર અને હોમ એપ્લાયન્સીસનો પ્રચાર કરે છે તો કેટલાક સાથે બ્રાન્ડ ભાગીદાર છે. 2018માં સ્વ પ્રકાશિત `સો, યુ વોન્ટ ટુ બી એન એસ્ટ્રોનોટ' અને 2022માં `રેડી ફોર લિફ્ટઓફ: બીકમિંગ એન એસ્ટ્રોનોટ ઓફ ધ માર્સ જનરેશન' ધ ઇન્ડિપેન્ડન્ટ માટે લખ્યું છે.

`તે લગ્ન કરી શકશે નહિ, તેને બાળકો થશે નહિ, તે મંગળ પર જનાર પહેલી માનવી બનવાની તૈયારી કરી રહી છે અને તે ક્યારેય પૃથ્વી પર પાછી નહીં આવે' છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ભાવુક કરી દે તેવી પોસ્ટ એલિસા કાર્સનના ફોટા સાથે ફરી રહી છે. બધા આ પોસ્ટસને અહોભાવથી, આદરપૂર્વક જુએ છે અને માનવોના ભલા માટે એલિસાની પ્રાણ ન્યોછાવર કરનારી, પ્રાણોનું બલિદાન આપવાની ચેષ્ટાને વધાવે છે.

મીડિયા દ્વારા વારંવાર `તાલીમમાં અવકાશયાત્રી' તરીકે વર્ણવવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે તે કોઈ પણ રાષ્ટ્રીય અવકાશ કાર્યક્રમ સાથે જોડાયેલ નથી. નાસાએ જાહેરમાં જણાવવું પડ્યું છે કે સંસ્થા `એલિસા કાર્સન સાથે કોઈ સત્તાવાર સંબંધો ધરાવતી નથી' ઉપરાંત ખુલાસો કર્યો છે કે, `જોકે, મિસ કાર્સન તેના વેબસાઇટ નામ અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સમાં `NASA'નો ઉપયોગ કરે છે, અમે તેની સાથે બિલકુલ જોડાયેલા નથી.' તે અવકાશયાત્રી બનવા માટે અથવા મંગળ પરના પ્રથમ માનવ મિશનમાં ભાગ લેવા માટે NASA સાથે તાલીમમાં નથી અથવા NASA દ્વારા તૈયાર કરવામાં આવી રહી નથી.'

કાર્સનની અવકાશયાત્રી અને મંગળ મિશનમાં ભાગ લેવાની પ્રગતિને અતિશયોક્તિપૂર્ણ ગણાવવામાં આવી છે. તે મંગળ ગ્રહ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે, પરંતુ તેને એકમાર્ગી મિશન માટે પસંદ કરવામાં આવી નથી અને મંગળ મિશનનું કોઈ વચન આપવામાં આવ્યું નથી.