હમણાં થોડા દિવસ પહેલાં હું મારા ઘર પાસેના બગીચામાં રોજના ક્રમ મુજબ ટહેલવા ગયો હતો. ત્યાં મને દૂરથી એક મહાકાય માનવ મારી તરફ હસતો હસતો, ધસમસતો આવતો દેખાયો. મેં ધારીને જોયું તો એ મારો કોલેજ કાળનો મિત્ર જયેશ ઉર્ફે `જયલો જાડિયો' હતો. વર્ષો પછી અમે બંને એકબીજાને મળી રહ્યા હતા. બંને જણા ખુશ ખુશ થઈ ભેટ્યા. અમારો `ભરત મિલાપ'વાળો સીન પત્યો પછી હું અને જયલો જાડિયો બગીચાના બાંકડા પર બેઠા.

જયલાએ જાડું જાડું હસતાં મને કહ્યું, `અલ્યા વિનીયા, તું તો છાપે ચડ્યો છે યાર.' મને કંઈ સમજાયું નહીં. મેં નિર્દોષભાવે પૂછ્યું, `એટલે?' તો જયલાએ જાડું પણ ખંધુ હસી મને કહ્યું, `અબે ઓ ચશ્મીસ, મને ખબર છે તું છાપાંમાં લેખો લખે છે.' મને સમજાયું એટલે મેં હસતાં હસતાં કહ્યું, `ઓહ! એ તો હું લખું છું જ.' જયલાએ કહ્યું, `સાંભળ્યું છે તું ફિલ્મો અને સીરિયલો પણ લખે છે?' મેં હસીને કહ્યું `સાચું સાંભળ્યું છે.' જયલાએ ભેદી અવાજે મને કહ્યું, `અલ્યા વિનીયા, તારે લાયક એક કામ આવ્યું છે. એમાં તને અને મને બંનેને ફાયદો થાય એમ છે. એટલે કાલે જ તું મારા ઘરે સાંજે સાત વાગ્યે આવી જજે. આપણે ફાયદાની વાત કરી લઈશું.' આટલું બોલી જયલાએ મને એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને પછી જયલો જાડિયો ઊભો થઈ રોડરોલરની જેમ રગડતો રગડતો જતો રહ્યો.

બીજા દિવસે સાંજે સાત વાગ્યે હું જયલાના ઘરે ગયો. અમે સોફામાં બેઠા, ત્યાં જયલાની વાઇફ પાણી લઈને આવી. જયલાએ ઓળખાણ કરાવી. `વિનીયા, આ મારી વાઇફ મીના છે અને મીના, આ મારો કોલેજનો ફ્રેન્ડ વિનીયો છે.' મેં નમસ્તે કર્યું, પણ મીના કોઈ જ રિએક્શન આપ્યા વગર જતી રહી. જયલો માથું હલાવી વાત શરૂ કરીને બોલ્યો, `જો વિનીયા, વાત એમ છે કે મેં વાંચ્યું અને સાંભળ્યું છે કે આજકાલ ગુજરાતી પિક્ચરો બહુ જ ચાલે છે. એમાં સોલિડ કમાણી થાય છે. એટલે આપણે એક ગુજરાતી ફિલમ બનાવવી છે.' જયલાની વાત સાંભળી હું વિચારમાં પડ્યો. જયલાએ આગળ ચલાવ્યું, `જો ભઈલા, તું એ ફિલ્મના ફિલ્ડમાં જ છે એટલે મેં નક્કી કરી નાખ્યું છે કે મારી ફિલમની બધી જ જવાબદારી તારે નિભાવવાની છે. જો વિનીયા, આમાં તારો અને અમારો બધાયનો ફાયદો છે. ફિલમ બનશે એ તુંયે કમાઈશ અને ફિલમ ચાલશે એટલે હું પણ કમાઈશ.' મેં જયલાને રોકતાં કહ્યું, `પણ જયલા, ફિલમ બનશે એટલે એ ચાલશે જ એવું પહેલેથી નક્કી ના હોય યાર.' જયલાએ આશ્ચર્યથી કહ્યું, `કેમ? આજકાલ તો બધી જ ગુજરાતી ફિલમો ચાલે છે.' મેં કહ્યું, `એવું નથી, બનેલી ફિલમોમાંથી બે-ચાર ટકા જેટલી ફિલમો જ સફળ થાય છે.' જયલો વિચારમાં પડ્યો. `એટલે લગાડેલી મૂડી પણ જાય?' મેં કહ્યું, `ફિલમ સારી ના બની હોય તો મૂડી ડૂબે, પણ ફિલમ સારી બની હોય અને ચાલી જાય તો સારા એવા પૈસા પાછા પણ મળે.' આ સાંભળી જયલો મૂડમાં આવી ગયો ને ઉત્સાહમાં બોલ્યો, `બસ, તો આપણે સારી ફિલમ જ બનાવીએ. તું એક જોરદાર સ્ટોરી લખી નાખ એટલે આપણે ફટાફટ એનું શૂટિંગ શરૂ કરી દઈએ.' ત્યાં જ પાછળ આવીને ઊભી રહેલી જયલાની વાઇફ મીના મોટેથી બોલી, `શેનું શૂટિંગ કરવાની વાત કરો છો તમે?'

જયલાએ કહ્યું, `ફિલમનું શૂટિંગ.' આ સાંભળી મીના બરાડી, `ના, આપણે ફિલમ બનાવીને રૂપિયા ડુબાડવાના નથી.' જયલો કંઈક દલીલ કરવા ગયો તો મીના ખિજાઈ અને તાડૂકી `હમણાં થોડા દિવસ પહેલાં સમજ્યા વગર શેરબજારમાં કૂદ્યા'તા, તો ત્યાં રૂપિયા ડુબાડ્યા'તા. હવે ફિલ્મ લાઇનમાં ડુબાડવા છે? જે ધંધામાં સમજ ન પડતી હોય એમાં ભૂસ્કા ન મરાય. લોભમાં અને લાલચમાં ધંધો ક2વા જાઓ બાવા બનવાનો વારો આવે. એટલે તમે ચૂપ રહો.' અચાનક મીનાએ તોપનું નાળચું મારી તરફ ફેરવીને કહ્યું, `જુઓ ભઈ, અમારે કોઈ ફિલમ-બિલમ નથી બનાવવી હોં. તમે જાઓ અહીંથી.' હું ચૂપચાપ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો.

ચાની લારીએ જઈ ચા અને મસ્કાબન ખાતાં મેં વિચાર્યું, મીનાની વાત તો સાચી હતી. સમજ્યા કારવ્યા વગર માત્ર રૂપિયા કમાઈ લેવાના લોભે કોઈ પણ ધંધામાં કૂદી પડો તો કમાણી કરતાં નુકસાનીના `ચાન્સ' વધી જાય અને ફિલમ લાઇનમાં તો ખાસ! શું કહેવું છે?