માસ માટે બનેલું પિક્ચર `છાવા'નો એક મોટો પ્લસ પોઇન્ટ અક્ષય ખન્ના છે. ઔરંગઝેબનું પાત્ર તે ભજવે છે અને અડધી ફિલ્મમાં તે બુઢા ઔરંગઝેબને દ્રાક્ષ ખાતો બતાવ્યો છે. દ્રાક્ષના લૂમખા સાથે એ ઘરડો મુગલ બાદશાહ. વિરોધાભાસ જેવું દૃશ્ય લાગેને? કારણ કે દ્રાક્ષ એ યુવાનીનું પ્રતીક છે. દ્રાક્ષ એટલે રસઝરતી ભરપૂર જુવાની. ખાટું અને મીઠું મધુરું લૂમખાદાર ફળ - દ્રાક્ષ, જે માત્ર એક ફળ ઓળખાવતો શબ્દ નહીં. પણ ઉપમા બની ગયો છે. દ્રાક્ષ જેવું મીઠું એટલે મીઠાશનું પરફેક્ટ સર્ટિફિકેટ. દ્રાક્ષથી ચડિયાતી મીઠાશની માત્ર બે ઉપમા છે, સાકર અને મધ. સાકર માનવસર્જિત પદાર્થ છે અને મધ પ્રાણીજન્ય. કુદરતી રીતે ઊગતું અને જેના સર્જનમાં જીવોને તકલીફ ન પડતી હોય કે મધની જેમ એને મેળવવા જીવહત્યા કે ધરાર સ્થળાંતર ન કરવું પડતું હોય એવી આ દેન છે. મીઠાશને ગોળ કે લંબગોળ આકારના પાઉચમાં પેક કરીને કુદરત આપણને બક્ષિસ આપે છે. દંતકથાઓ હોય કે ઇતિહાસ, રૂપકો અને પ્રતીકો માનવજાત દ્રાક્ષનું ઋણી રહી છે. બાઈબલના કાળથી દ્રાક્ષ માણસોનો સાથ આપતી આવી છે. કેરી તો અમીરોનું ફળ છે અને બે મહિના માંડ આવે. દ્રાક્ષ તો દુનિયાના દરેક પ્રદેશમાં થાય અને બારે માસ એનો કોઈ ને કોઈ સ્વરૂપમાં લુત્ફ ઉઠાવી શકાય.
દ્રાક્ષને ક્યારેય ધ્યાનથી જોઈ છે? દ્રાક્ષની પાતળી છાલ ઉતારીને અંદરનો અત્યંત લિસ્સો ગર અનુભવ્યો છે? ટેરવાંઓને ભીનાં કરી નાખે અને પેટને તૃપ્ત. સંસ્કૃતમાં દ્રાક્ષનું એક વધુ નામ એટલે જ મધુરસ છે. અમૃત સમાન પાણીનાં ધમાકેદાર પેકેટ. બે દાંતની વચ્ચે ભીંસાય એટલે મોઢામાં ફુવારો છૂટે. દ્રાક્ષ સિવાય બીજું કોઈ ફળ યાદ આવે છે, જે ત્રણ-ચાર દાંત કે પાંચ-છ ચોરસ મિલિમીટર જેટલી જગ્યા નહીં, પણ આખી મુખગુહાને ભીંજવી નાખે. મોઢામાં દ્રાક્ષ તૂટતાં અને 360 ડિગ્રીના પરિઘમાં તેનો મધુરસ ફેલાતાં એ અફસોસ પણ થાય કે સ્વાદાંકુર ખાલી જીભમાં જ કેમ છે, ગલોફા કે તાળવામાં કેમ નહીં? દ્રાક્ષનો ઘટાદાર લૂમખો હાથમાં લઈએ તો કુદરતની સમૃદ્ધિની સાબિતી હાથમાં લીધી હોય એવું લાગે. જ્યાં સુધી દ્રાક્ષ છે ત્યાં સુધી જ એ લૂમની ડાળખીમાં જીવ છે. એક વખત બધી દ્રાક્ષ ચૂંટાઈ ગઈ તો કલાકોમાં એ ડાળખી સુકાઈને મરી જશે. દ્રાક્ષ જિંદગીનું પ્રતીક છે.
જો આ બધી વાતો એકતરફી પ્રેમમાં પડેલા કોઈ ઓબ્સેસિવ પ્રેમી જેવી લાગતી હોય તો દ્રાક્ષના પ્રેમમાં તો ભલભલી હસ્તીઓ પડી છે. ઉમર ખય્યામની રૂબાઈઓમાં પણ દ્રાક્ષનો ઉલ્લેખ છે ને ઈસપની હજારો વર્ષ જૂની ખાટી દ્રાક્ષ વાર્તા તો દુનિયાનું દરેક બાળક જાણે છે. બાઈબલમાં દ્રાક્ષની કહાની છે. ખ્રિસ્તી દંતકથા પ્રમાણે જિસસ ક્રાઈસ્ટ પછી સૌથી વધુ મહત્ત્વ નોહાનું છે. આખી દુનિયામાં પ્રલય આવ્યો અને વિનાશક પૂર આવ્યું ત્યારે બધા જીવોને જહાજ પર લઈને નોહાએ જીવસૃષ્ટિ બચાવી. પૂર સમાપ્ત થયું પછી નોહાએ શેની ખેતી કરી? દ્રાક્ષની. ઓકે. નોહાનો અંત કેમ આવ્યો? દ્રાક્ષમાંથી બનતા વાઈનની લત લાગી એટલે. લાસ્ટ સપર ચિત્રમાં જિસસ ક્રાઈસ્ટના હાથમાં પણ એક ગ્લાસ બતાવ્યો છે તેમાં શું છે? દ્રાક્ષાસવ - દ્રાક્ષમાંથી બનતો આસવ, દ્રાક્ષનું પાણી. ખ્રિસ્તી ધર્મમાં બે સૌથી મહત્ત્વની વ્યક્તિના જીવનના અંત સાથે દ્રાક્ષ વણાયેલી છે. અતિ માત્રા કેટલી નુકસાન કરી શકે એ બોધપાઠ દ્રાક્ષના માધ્યમ થકી માનવજાતને આપવામાં આવે છે.
ડાયોનોસિસ નામના એક દેવતા છે. જે વળી ગોડ ઝિયસના સાથળમાંથી પેદા થયેલા. ડાયોનોસિસને ગોડ ઓફ વાઇન કહેવામાં આવે છે. તેનાં ચિત્રોમાં હંમેશાં તેના હાથમાં એક કપ હોય, એક ગ્લાસ હોય. જેની અંદર હોય દ્રાક્ષનું પાણી. દ્રાક્ષ વિના માનવજાતને ચાલતું નથી. તાજી દ્રાક્ષ ન મળે તો દ્રાક્ષને પ્રિઝર્વ કરીને કે એમાં આથો લાવીને એનો સ્વાદ માણશે. દ્રાક્ષની મીઠાશમાં નશો લાવવાની ક્ષમતા રહેલી છે. બૌદ્ધ ધર્મમાં પણ જિંદગી અને મનુષ્યને દ્રાક્ષના લૂમખાથી સમજાવ્યું છે. દરેક દ્રાક્ષ જુદી છે, પણ બીજી દ્રાક્ષ સાથે તેનાં મૂળિયા થકી જોડાયેલી છે. જિંદગી પણ આવી જ છે. જિંદગીના રસને પીવામાં ન જલદી કરો, ન આળસ દાખવો.
જિસસ ક્રાઈસ્ટના પહેલાંના સમયમાં તો દ્રાક્ષની વધુ બોલબાલા હતી. ઇતિહાસની સૌથી સુંદર સ્ત્રી ગણાતી વ્યક્તિ એટલે સૌંદર્યસમ્રાગ્ની ક્લિઓપેટ્રા. તેને માર્ક એન્ટોની ગમી ગયો. પોતાના પ્રિયતમને રાજી કરવા માટે એ મલ્લિકા એ હુસ્નએ શું કર્યું? રણની વચ્ચોવચ પોતાના ભવ્ય ટેન્ટમાં એક મોટો હોલ તૈયાર કરાવડાવ્યો. તે આખા હોલની દીવાલો, છત અને ભોંયતળિયું દ્રાક્ષનાં લૂમખાંઓથી મઢી દીધું. દ્રાક્ષ ત્યારે પણ વિપુલ સમૃદ્ધિનું પ્રતીક હતી. રણની વચ્ચે ગુલાબ કરતાં તાજી દ્રાક્ષ વધુ દુર્લભ છે. રસથી ફાટફાટ થતી દ્રાક્ષોનો ગંજ જોઈને પ્રેમી ક્લિઓપેટ્રાના પ્રેમમાં ઊંધેકાંધ પડી ગયો. બંને એટલાં એકબીજામાં તરબોળ થઈ ગયાં કે રોમનોએ હુમલો કર્યો અને જીતી ગયા. ફરીથી, અતિ માત્રા વિનાશનું કારણ. દ્રાક્ષનો આ જ સંદેશ છે. સૂકવી શકો અને સૂકવતા આવડે તો કિસમિસ બનાવીને સંગ્રહી શકાય, બાકી એ અંગૂર થોડા દિવસમાં ચીમળાઈને નક્કામી બની જશે.
દોઢસો વર્ષ પહેલાં ઘણા દેશોમાં ગ્રેપ ઓન્લી ડાયેટ મશહૂર હતો. વજન ઉતારવાથી લઈને કેન્સર સુધીના રોગો મટાડી દે એવી તાકાત દ્રાક્ષમાં છે એવું ઘણા માને છે અને એ માન્યતા સાવ ખોટી નથી. નિત્શેએ દ્રાક્ષનો નહીં પણ દ્રાક્ષનાં ખેતરોનો ઉલ્લેખ કરેલો છે. 17મી સદીના મહાન લેખક ફિલસૂફ વોલ્તેરનું એક વાક્ય છે, વી મસ્ટ કલ્ટિવેટ અવર ગાર્ડન. અહીં દ્રાક્ષના ગાર્ડનની વાત થાય છે. દ્રાક્ષને માનવજીવન સાથે જોડવામાં આવે છે. પ્રાચીન પર્શિયન સાહિત્ય સમૃદ્ધ છે. એમાં એક શાહનમેહ નામની કવિતા છે. એ કવિતાની કથા એવી છે કે એક સ્ત્રી જિંદગીથી કંટાળીને જિંદગીનો અંત લાવવાનું નક્કી કરે છે. આપઘાત કરવા માટે ઝેર શોધે છે. ઝેર જેવું પ્રવાહી દેખાતા તે મોઢે માંડીને ગટગટાવી જાય છે. પણ આ શું? આ તો દ્રાક્ષનું પાણી. એ દ્રાક્ષના રસે તેને એટલો આનંદ આપ્યો કે તેણે આપઘાતનો વિચાર પડતો મૂક્યો અને આખી જિંદગી ખુશ ખુશ થઈને વિતાવી. દ્રાક્ષ ઇઝ એન્ટિ ડિપ્રેશન્ટ.
હિતકારક, મધુકર, તૃપ્તિદાયક, પાકકાળે સ્નિગ્ધ, અતિ રુચિકર, ચક્ષુષ્ય, ગુરુ, સારક, શીતલ, હિતકારક, રક્તવર્ધક, કડવાશ નિવારક દ્રાક્ષનાં ગુણગાન તો આયુર્વેદે પણ બહુ ગાયાં છે. દ્રાક્ષ વિશેની સૌથી એસિડિક વાત કોઈએ કરી હોય તો પુલિત્ઝર વિજેતા જ્હોન સ્ટેનબેકે. તેની નવલકથાનું નામ છે - ધ રેથ ઓફ ગ્રેપ્સ. દ્રાક્ષ અને ગુસ્સો! અમેરિકાની મહામંદી એ સમયે ચાલતી હતી. લેખક લખે છે કે એક બાજુ દ્રાક્ષને સડાવવામાં આવતી હોય, જેથી વાઇન બની શકે અને બીજી બાજુ એ જ દ્રાક્ષને જોતાં ભૂખ્યા ગરીબો મરી જતા હોય. દ્રાક્ષ કેટલી કાતિલ નીવડી શકે, નહીં?