શ્વેતા ફેશન ડિઝાઈનર છે. સારું એવું કમાય છે અને એ માટે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને ખૂબ મહેનત કરે છે. વ્યવસાય પ્રમાણે અપ-ટુ-ડેટ અને પ્રેઝન્ટેબલ રહેવા માટે કપડાં અને જ્વેલરી પર એ સારો એવો ખર્ચ કરે છે. આ બાબતે એનો પતિ અમર હંમેશાં ઝઘડો કરે છે. એવું નથી કે શ્વેતા ઘરમાં પૈસા નથી આપતી, પરંતુ પોતાની કમાણીના પૈસા પોતાની રીતે વાપરવા એને શ્વેતા પોતાનો અધિકાર સમજે છે.

૩0 વર્ષનો હર્ષ રિઅલ એસ્ટેટની સાથે શેરમાર્કેટમાં પણ એક્સપર્ટ છે, પરંતુ એ પોતાની મોટાભાગની કમાણી શેરમાર્કેટમાં જ રીઇન્વેસ્ટ કરી દે. ઘર ચલાવવાની જવાબદારી સી.એ. પત્નીના માથે નાખી છે. એક-બે વાર શેરમાર્કેટમાં નુકસાન થવાથી એની પત્નીએ ઘરમાં પૂરા પૈસા આપવાની ના પાડી અને પોતાની રીતે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થાય છે.

પતિ-પત્ની બંને કામ કરે એ કોઇ નવી વાત નથી. બંને આર્થિક રીતે આત્મનિર્ભર હોવાથી પોતાની રીતે ખર્ચો કરે છે. અગર બેમાંથી કોઇ એકબીજાના ખર્ચા અંગે સવાલ કરે તો એ ઝઘડાનું કારણ બની જાય. બંનેને એવું લાગે છે કે અમે મહેનતથી પૈસા કમાઈએ છીએ તો પાતાની મરજીથી ખર્ચ કરવાનો અધિકાર પણ છે. પૈસા ક્યાં ખર્ચ કરવા અને ક્યાં બચાવવા એ વિશે દરેકનો અલગ અભિપ્રાય હોય શકે. બંનેને લાગે કે સામી વ્યક્તિ ફાલતુ ખર્ચ કરે છે. મલ્ટિનેશનલ કંપનીમાં સી.ઇ.ઓ. જીતને કારનો શોખ. દર બે વર્ષે એ કાર બદલે અને પત્ની મેઘાને જ્વેલરી ન લેવા દે. આ બાબતે બંને વચ્ચે એટલા ઝઘડા થતા કે મહિનો-મહિનો સુધી બંને વાતો ન કરે અને એક સમયે બંનેએ ઘર ખર્ચના અડધા-અડધા પૈસા આપવાનું અને એકબીજાના ખર્ચા-આવક અંગે ન પૂછવાનું નક્કી થયું. આમ થવાથી ઝઘડા તો ટળ્યા, પરંતુ એક વણખેંચાયેલી દીવાલ બંનેના સંબંધમાં ચણાઈ ગઇ. પુરુષને લક્ઝરી કાર, સ્ટેટસ સિમ્બોલ લાગે છે, જ્યારે સ્ત્રી માટે જ્વેલરી ફેશન, સ્ટેટસ અને ઇન્વેસ્ટ ત્રણેય છે. એક જિંદગી જીવી લેવામાં માને છે જ્યારે બીજું સંભાળી- સંભાળીને કદમ મૂકે છે.

જ્યાં પતિ-પત્ની બંને કમાય છે ત્યાં પૈસા સંવેદનશીલ મુદ્દો છે. બંનેના અલગ મત હંમેશાં વિવાદ ઊભો કરશે. પત્ની પતિને પૂછ્યા વિના કોઇ મોટી ખરીદી કરે અથવા પતિ કોઇ મિત્રને વગર પૂછ્યે વ્યાજે પૈસા આપે તો બંને વચ્ચે સમસ્યા થવાની જ. જેનાથી બચવા માટે પતિ-પત્નીએ સાથે મળીને મહિનાનું બજેટ બનાવવું જોઇએ. એમાં શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની સાથે મોટા-મોટા ખર્ચા પર પણ વિચાર કરવો જોઇએ. બંને વચ્ચે એવી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઇએ કે કોઇ મુદ્દા પર અલગ-અલગ વિચાર હોય તો પણ એકબીજાને સમજીને નિર્ણય લેવા. બંને પોતાની જીદ પર રહેશે તો વાત સુધરવાની જગ્યાએ બગડવાની છે.

આજે સ્ત્રીઓ નોકરી ઉપરાંત ઘરની જવાબદારી પણ નિભાવે છે. પુરુષોનો ઘરની જવાબદારીમાં લગભગ અડધાથી ઓછો રોલ હોય છે ત્યારે સ્ત્રી વિચારે છે કે બંને જગ્યાએ તનતોડ મહેનત કરવા છતાં મારે પતિને પૂછીને કે જણાવીને જ પૈસા વાપરવાના હોય, તો મારી મહેનત-સમજણ અને આત્મનિર્ભરતાનો શો અર્થ? અને પતિ વિચારે છે કે મારું કહ્યું માનવાથી એ નાની થોડી થઇ જશે? એક બાજુ સ્ત્રીને પોતાની કમાણીને પોતાની રીતે વાપરવાની ખુશી જોઇએ છે, આઝાદી અને સ્વતંત્રતાનો અહેસાસ જોઇએ છે અને પતિ એની નિર્ણય કરવાની અને ખર્ચ કરવાની શક્તિ પર વિશ્વાસ મૂકે એવું ઇચ્છે છે. જ્યારે બીજી બાજુ મેલ-ઇગો છે. પૈસાની બાબતમાં પોતાની સમજણ વધારે પરિપક્વ છે એવો આત્મવિશ્વાસ છે. આ બંને ન ટકરાય એ માટે વિચાર-વિમર્શ તો કરવો જ પડે. એટલું જ નહીં, ક્યારેક જતું કરીને બીજાની મરજીને મહત્ત્વ આપવું પડે.

તારા પૈસા-મારા પૈસાની વાત વણસે નહીં એ માટે અમુક પૈસા જોઇન્ટ એકાઉન્ટમાં રાખી બાકીના પૈસા બંનેના અલગ - અલગ એકાઉન્ટમાં રહે. મોટા ખર્ચ માટે વર્ષની બંનેની લિમિટ પહેલેથી નક્કી હોય. બોનસ કે એક્સ્ટ્રા મળે તો બંને પોતાની રીતે વાપરે એવી ઉદારતા રખાય. કપડા, એક્સેસરીઝનું શોપિંગ પોતપોતાની સમજણ પર છોડાય અને ઇન્વેસ્ટમેન્ટમાં બંનેનો અડધોઅડધ મત સ્વીકારાય. એક્સપર્ટની સલાહ લેવાય.

હા, બેમાંથી એક તકલીફમાં હોય ત્યારે પૈસાની વાત ન કરે. છુપાવીને ખર્ચ ન કરો અને લગ્ન પછી ખાસ કરીને બાળકોના આવ્યા પછી પોતાના ખર્ચાઓની પ્રાયોરિટી બદલે. એકબીજાની જરૂરિયાતને સમજે અને પૈસાનો એક ભાગ બંને પાસે એવો રખાય કે જેનો જવાબ કે હિસાબ બંનેએ એકબીજાને આપવાનો ન હોય.