સવારના પહોરમાં શિયાળુ વા વાય ને હજુ તો સૂરજની સવારી આકાશની અટારીએ આગળ વધે તે સાથે જ તાપની ત્રમઝટ બોલવા લાગે. આવી બેવડી ઋતુથી જીવમાત્ર ત્રસ્ત ને જાણે વ્યસ્ત હતા.

 પણ નવરા કે નકામા માણસોની ટણકટોળી મોટી શેરીના ઓટલે બેસી ગામગપાટા મારવામાં રમમાણ હતી. જે વિષય કે વ્યક્તિ જીભની ઝપટે ચઢે એના કુળ ને મૂળ તળ લગી ખોતરી નાખે. તેમાં કોઈ નહીં ને વનનો રાજા સિંહ, સાવજ વાતનો વિષય બની ગયો!

ખોડાએ વાતમાં વધારે મોણ નાખ્યા વગર સીધું ને સટ્ટ સંભળાવી દીધું: `એં... ઘણા લોકો સિંહને જોવા ગીર અભયારણ્યમાં જાય છે ને અહીં ખુદ સિંહ અમને જોવા આવે છે!' લોકો ટાઢા પહોરના ગપ્પાં કે ફાંકા મારવામાં માહેર હોય છે, પણ આવું કહેવું ખોટું નહોતું. પછી સામે ફૂંફાડો કરતાં કહ્યું: `એલા, પણ આમાં જરાય ખોટું હોય તો તારું ખાહડું ને મારું માથું. લે, બોલ્ય.' સામે બોલવા જેવું નહોતું.

નાનકડી વાતમાં મોરચો મંડાઇ ગયો હતો. માહોલ બરાબરનો ચકરાવે ચઢ્યો હતો. હસતાંમાંથી ખસતું થઇ જાય એવું હતું, પણ ભીમો ભડ ઠરેલ ને પાછો વાતડાહ્યો પણ ખરો. તે વળે-કવળે ચઢેલી વાતને પણ ઠેકાણે લાવીને પીવાયેલી બીડી માફક ઠારી દે.

`હોય ભાઈ, સિંહ તો વનનો રાજા કે'વાય, ઇનું મન માને ઈ કરે ને મન ફાવે ન્યાં જાય.' ભીમાએ વાતનું ફીંડલું વાળવાનો પ્રયાસ કર્યો ત્યાં પાછો ગરવાઇથી બોલ્યો: `સિંહ રખેવાળી જેવું કામ કરે છે!'

`મારો બાપલિયો, કે'વું પડે હોં.' સામે ટીખળ સાથે વ્યંગ વહેતો થયો: `ડિંગ હાંકવામાં કે ખોટું બોલવામાં વળી કંજૂસાઈ શેની?' ત્યાં વળી ટાપસી પુરાઇ: `ખોટું બોલવામાં જરાય ખરચ નથી થાતોને.'

પણ વાત ખોટી નહોતી. થોડા વરસોથી અમુક સિંહ પરિવારે ગતિ કે પ્રગતિ જે કહો તે, પણ જનેતાના ઉદર સમી ગરવી ને ગમતીલી ગીર છોડી શેત્રુંજી નદીના કાંઠે કાંઠે દેવળિયા ગામથી લઇ છેક પાલીતાણા ડેમ સુધીના વિસ્તારમાં વસવાટ કર્યો છે. સિંહ ભૂખ્યો રહે પણ ખડનું તણખલું મોંમાં ન લે, તેથી ગામના કોઈ પાલતું પશુ ઝપટે ચઢે તો ઠીક નહિતર નીલ ગાય, હરણ જેવા વન્યજીવોનું મારણ કરી પેટગુજારો કરે છે.

`હેં ખોડા! ભાઇને કવ સિંહ ખુદ રખેવાળી કરવા આવે, પછી તો લીલાંછમ ખેતરને રોઝડાં શેનાં રંજાડે!' ત્યાં સામે એક જણે સળગતું ડુંભાણું મૂક્યું: `રખેવાળી કરવા કે પછી ખાતર પાડવા?'

પણ જવાબ દેવામાં અથવા તો વહેતી વાતમાં સૂર પુરાવવાના બદલે સૌ સ્તબ્ધ થઇ ગયા, કારણ કે વાતનું વળું બદલાયું હતું. કોણ સિંહ, કોણ રોઝડાં. વળી કોની રખેવાળી કરવાની કે ખાતર પાડવાનું? આ પ્રશ્નો વીજળીના ચમકારા જેમ સૌના મનમાં સબોસબ ચમકવા લાગ્યા. કોઈ કંઈ બોલ્યા વગર એકબીજાનાં મોં સામે વકાસી રહ્યા. તણખો પડી ચૂક્યો હતો. હવે તો ભડભડ કરતું સળગવા લાગે એટલી જ વાર હતી.

અને સ્ત્રી કે વહુઆરુના ચારિત્ર્યની બાબતમાં આગ લાગ્યા પછી તેને બુઝાવવી ભારે પડે.

પાક આવે ત્યારે ખેતરના સીમ-શેઢા પર ભૂંડ, હરણ, નીલ ગાય વગેરે વન્ય પશુઓની રંજાડ વધવા લાગી છે. તેના માટેનું ચરિયાણ હવે બચ્યું નથી, તેથી ખોરાક માટે ઊભા પાકમાં ભેલાણ કરે છે. ખેડૂતો તેનો પાક બચાવવા ઝટકા મશીન, ફેન્સિંગવાડ જેવાં કરતબ કરે છે, પણ ભૂખને અમસ્થા ભૂંડી નથી કહી!

પણ જ્યારથી સીમ, ખેતરમાં અને ક્યારેક ગામના પાદરમાં સિંહ ફરવા આવતા થયા છે ત્યારથી ત્યાં રોઝ, હરણ, નીલ ગાય વગેરે ખેતરમાં આવી ભેલાણ કરતાં અટકી ગયાં છે અને ખેતરવાળાઓને કહેવાનો દાવ આવી ગયો છે: `જ્યાં ખુદ સિંહ રખેવાળી કરે, પછી બીજાં પ્રાણીઓની દેન છે કે ત્યાં આવે?'

`હેં ખોડા!' એક જણે સહેજ ઝીણી આંખ કરીને જણાવ્યું: `જ્યાં સિંહ કે પછી સાવજ કહો એ રખેવાળી કરવા આવે, પછી બીજાં જનાવર રંજાડ કરવા આવે નહીં એ તો પાક્કુંને?' વાતનો જવાબ તો સૌની જીભે આવીને ઊભો રહ્યો હતો: `હા હા વળી, એમાં કે'વાનું શું હોય?' પણ કોઈ બોલ્યું નહીં. વાત એટલી જ ઊંડી ને ભૂંડી હતી. ખરું સમજાય તો માથાં વઢાતાં વાર લાગે એમ નહોતી, કારણ કે કોઈની ઘરવાળી સામે આંગળી ચીંધવી એ ખાંડાના ખેલ ખેલી, લીલુડાં માથાં મૂકવા જેવું હતું. વાત છેડાઇ જ ગઈ હતી. ખરું-ખોટું તો ઉપરવાળો જાણે, પણ ખોડાની ઘરવાળી જરીક રૂપાળી ને સવળોટી છે એટલો જ એનો વાંક. લોકો લાગ આવે એવી વાતો કરે. બાકી પિત્તળ ને સોનાની પરખ બહુ ઓછાને હોય છે. પછી સોય ઝાટકીને કહી જ દીધું: `હેં ખોડા, મારો બાપલિયો તું જ સાવજ જેવો થઈ જાને, કોઈ તારા ઘર સામે નજર નો નાખે!' પણ ત્યાં, `એમ સિંહ ન થવાય કાં ખોડા.' કહેતાં સૌ ઊભા થઇ ગયા અને ખોડો વિચારના વમળમાં ફસાઈ ગયો. ખોડાને સમજાતું નહોતું કે એને શું કહેવું અને શું કરવું?