તમે જ્યાં ઊભા હોવ એની આસપાસ લીલોતરી અને અવનવા ફૂલછોડ જોવા મળે તો? ઉનાળામાં આવી જગ્યા ઉપર જ જવાનું મન થાય. આસપાસ લીલોતરી હોય એટલે આંખો અને શરીર બંનેને ઠંડક મળે. આંખો અને શરીરને મળતી ઠંડક એકંદરે મનને પણ શાતા પહોંચાડે છે.

રુટિન લાઇફથી કંટાળ્યા હોઇએ, ગરમીથી કંટાળ્યા હોઇએ ત્યારે એવી કોઇ જગ્યાએ જવાનું મન થાય. જો તમે આવી જ કોઇ જગ્યાએ જવાનું પસંદ કરતા હોવ તો તે માટે મહારાષ્ટ્ર રાજ્યનું પંચગની હિલ સ્ટેશન સૌથી બેસ્ટ જગ્યા છે. પંચગની તમને પ્રાકૃતિક વિવિધતા ઉપરાંત આકર્ષક ઝરણાંઓથી અવગત કરાવશે અને જો તમે પ્રકૃતિપ્રેમી હો તો આ જગ્યા તમારા હૃદયને સ્પર્શી જશે. 1335 મીટરની ઊંચાઈ તેમજ પાંચ પહાડોથી ઘેરાયેલુ પંચગની પર્યટકોને માનસિક તેમજ શારીરિક રાહત તેમજ ઠંડકનો આહ્લાદક અનુભવ કરાવે છે. અહીંનાં તમામ સ્થળો મનોરમ દૃશ્યો માટે વિશેષ પ્રસિદ્ધ છે.

અહીંનાં ટેબલલેન્ડ, સિડની પોઇન્ટ, કેટ્સ પોઇન્ટ, ઉપરાંત ધોમ ડેમ, લિંગમાલા ફોલ્સ, પ્રતાપગઢ કિલ્લો, કમલગઢ કિલ્લો, રાજપુરી ગુફાઓ પર્યટકોને આકર્ષે તેવાં છે. અહીંના કેટલાક વિસ્તાર તો ટ્રેકિંગ માર્ગ માટે પણ ઉપલબ્ધ છે. સહ્યાદ્રી પર્વતના પાંચ પહાડોને કારણે જ આ જગ્યાનું નામ પંચગની પાડવામાં આવ્યું હતું. પંચગનીની ઊંચાઇ પરથી પર્યટક કમલગઢ કિલ્લો અને ધોમ ડેમનાં નયનરમ્ય દૃશ્યો જોઈ શકાય છે.

પંચગનીનો ઇતિહાસ પણ જાણવાલાયક છે. બ્રિટિશરાજ દરમિયાન 1860ના દશકામાં લોર્ડ જોન ચેસનની દેખરેખમાં એક ગ્રીષ્મકાલીન (ઉનાળાના) રિસોર્ટ તરીકે અંગ્રેજો દ્વારા તેને વિકસિત કરવામાં આવ્યું હતું. પંચગનીને એક સેવાનિવૃત્તિ સ્થાનના રૂપમાં પણ વિકસિત કરવામાં આવ્યાનું કહેવાય છે, કારણ કે અહીંની મોસમ આખા વર્ષ દરમિયાન સુખદ રહેતી હોય છે. અલબત્ત, અહીંનું વાતાવરણ કોઇને પણ માફક આવી જાય તેવું છે, જેથી કોઇ પણ વ્યક્તિ સંપૂર્ણ શાંતિનો આનંદ ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે જોન ચેસને આ સ્થળને વધુ આકર્ષક અને આહ્લાદક બનાવવા માટે કેટલાય ફૂલછોડ વાવ્યા હતા. આ ફૂલછોડ વાવ્યા બાદ પંચગની વધુ આકર્ષક બનવા પામ્યું હતું. પહેલાં પંચગની પાસેના મહાબળેશ્વરમાં અંગ્રેજો માટે ઉનાળુ રિસોર્ટ હતો, પણ તે જગ્યા વર્ષાઋતુમાં અનુકૂળ આવતી ન હોવાથી અંગ્રેજોએ પંચગનીને વિશેષ રીતે વિકસાવવાનું કામ હાથ ધર્યું હતું. જોન ચેસને તેથી જ પાંચ ધાંડેઘર, ગોદાવલી, અમરલ, ખિંગાર અને તાયઘાટની વચ્ચે ખૂબસૂરત જગ્યા એટલે કે પંચગની વસાવ્યું.

સપ્ટેમ્બરથી જૂનની આસપાસ અહીં સૌથી અનુકૂળ મોસમ હોય છે. જોકે, અહીં આખા વર્ષ દરમિયાન આવું જ વાતાવરણ હોય છે. અલબત્ત, વર્ષાઋતુનો આરંભ થયા બાદ પંચગનીમાં ફરવાની, રહેવાની ખૂબ મજા આવે છે, કારણ કે આ દરમિયાન હરિયાળી વધુ જોવા મળે છે. તદુપરાંત ઝરણાંનો સંપૂર્ણ પ્રવાહ અને હવાનો લહાવો તમે માણી શકો છો.

અહીંનું ટેબલલેન્ડ એક ઉચ્ચ પ્રદેશ છે, જે સમુદ્રતટથી 4500 ફૂટની ઊંચાઇએ આવેલો છે. આ એશિયાનો બીજો સૌથી ઊંચો પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે, કારણ કે ટેબલલેન્ડ 95 એકરના ક્ષેત્રમાં ફેલાયેલો છે, જે સૌથી પ્રસિદ્ધ પર્યટક આકર્ષણ છે. ઉપરાંત અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ માણવાલાયક હોય છે, તેથી વિશેષ અહીં ઘોડેસવારી અને આર્કેડ ગેમની મજા પણ તમે માણી શકો છો.

પંચગની પાસે જ દેવરાઇ કલા ગામ છે, જે તેની કલા માટે વિશેષ વખણાય છે. અહીં ખાસ કરીને પિત્તળ, લોખંડ, પથ્થર ઉપરાંત લાકડાં અને વાંસની વિવિધ વસ્તુઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. પંચગનીનું કોઈ સ્થાનીય વ્યંજન નથી, પણ પંચગની સ્ટ્રોબેરી માટે વિશેષ ફેમસ છે.