જગત જેને પર્સનાલિટી ગ્રૂમિંગ કહે છે અને કહેવાતા ગ્લોબલ ટ્રેનર્સ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ સંદર્ભે સલાહો ઠોકે છે. એ સલાહો આપણને નિમ્ન સ્તરની ત્યારે લાગે, જ્યારે આપણે મહાભારતના `શાંતિપર્વ'નો અભ્યાસ કરીએ. `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મે એવું કોઈ ક્ષેત્ર કે અંગ બાકી નથી રાખ્યું, જે ક્ષેત્ર કે અંગ એક લીડરને શ્રેષ્ઠ લીડરશિપ કરવા માટે કામમાં ન આવતું હોય. અહીં ભીષ્મે બાહ્ય બાબતો વિશે પણ અનેક સલાહો આપી છે, તો એક લીડરમાં આંતરિક રીતે શું શું હોવું જોઈએ કે તેના સ્વભાવ અને અભિગમ કેવા હોવા જોઈએ એ વિશે પણ તેમણે અનેક જુદા જુદા દૃષ્ટિકોણથી સલાહો આપી છે. આ યાદીમાં તેમણે જમીન પર રહેવા બાબતે, એટલે કે ગ્રાઉન્ડેડ રહેવા, અહંશૂન્ય રહેવા માટે પણ અનેકવાર ભાર આપ્યો છે.
તેમણે અનેક વાર કહ્યું છે કે લીડર પાસે ભલે ગમે એટલી સ્કિલ્સ હશે. ભલે તેની પાસે ગમે એટલા રિસોર્સિસ હશે, પણ તેનામાં જો અભિમાન હશે કે પછી જો એ જમીન સાથે જોડાયેલો નહીં રહે, તો વહેલા કે મોડા એક દિવસ તેનું અભિમાન અથવા તો તેનો અહમ જ તેનો દુશ્મન બનશે અને લીડરનું બધું સમાપ્ત થઈ જશે. એટલે જ આ બાબતે તેમણે વારંવાર કહ્યું છે કે લીડર માટે અહમશૂન્ય રહેવું અત્યંત મહત્ત્વનું છે. જોકે, આ માટે કરવું શું? તો કે એ માટે લીડર કાળનો અભ્યાસ કરવાનું કહે છે. તેઓ કહે છે કે જે લીડર ક્ષણો, કલાકો, દિવસો, મહિનાઓ કે વર્ષોના વહેણને જોતાં રહેશે એને સમજાઈ જશે કે આ સમય એ પાણીનો એવો રેલો છે, જે તેની સાથે બધું જ વહાવી લઈ જાય છે. અથવા તો સમય-કાળ એ એવો દવ છે, જે બધું જ નષ્ટ કરે છે. સમયે આ જગતમાં કશું જ શાશ્વત રહેવા દીધું નથી.
તો પછી લીડરે એ ધ્યાનમાં રાખવાનું છે કે તેનું ઐશ્વર્ય કે તેની સત્તા પણ કાળની સામે ટકવાનાં નથી. તેઓ કહે છે કે જેમ કાળાંડિબાંગ વાદળો સાથે આવેલું વાવાઝોડું તેની સાથે બધું જ ઘસડી જાય છે એમ જ માણસ અથવા અન્ય કોઈ પણ જીવ લાખ પ્રયત્નો કરે કે હજાર કાકલૂદી કરે તો પણ કાળ તેને ઘસડી જ જવાનો છે. તો પછી કોઈ પણ માણસે તેના જીવનમાં અભિમાન શું કામ કરવું? ભીષ્મ કહે છે કે જેને અભિમાન ચઢે કે જેનો અહં વધતો રહે છે એ નક્કી જ સમયના અસ્તિત્વથી વાકેફ નથી. તેમજ એ માણસ કરોડો વર્ષોથી અવિરત વહેતા રહેતા સમયની મર્યાદા નથી જાળવાતા. એટલે જ પછી જ્યારે સમય તેમનો હિસાબ કરે છે ત્યારે તેમની હાલત કફોડી થઈ જાય છે.
બીજી તરફ સમય તો એમનો પણ હિસાબ કરવાનો છે, જેમણે અહં નથી રાખ્યો કે જેમણે અભિમાન નથી કર્યું, પરંતુ જ્યારે તેમનો હિસાબ થાય ત્યારે તેમને ઝાઝી અસરો એટલા માટે નથી થતી, કારણ કે જીવનભર તેમણે બીજાઓ સાથે સારો વ્યવહાર કર્યો હોય છે. અથવા તો જીવનભર તેમણે નીતિ પકડીને કામ કર્યું હોય છે. અથવા તો જીવનભર તેમણે એક એવા ટ્રસ્ટી તરીકે કામ કર્યું હોય છે કે તેઓ કોઈ પણ ક્ષણે તેમની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. આવા ભાવથી કામ કરનારાઓ સ્વાભાવિક જ સ્થિતપ્રજ્ઞ રહ્યા હોય, એટલે તેમની સમગ્ર યાત્રામાં તેઓ અત્યંત હળવાશથી તેમજ સહજતાથી જીવતા હોય છે.
વળી, આ સ્થિતપ્રજ્ઞતા કે કાળનું સન્માન કરવાના ભાવને કારણે તેમણે જીવનમાં ક્યારેય ધુત્કાર્યા કે ક્યારેય હીન કક્ષાની વાતો કરી નથી હોતી. આ કારણે તેમના દુશ્મનો કે કારણ વિનાની જીભાજોડીઓ પણ તેમના જીવનમાં નથી હોતી. અંતતઃ થાય શું? આવા લોકો અત્યંત સરળતાથી તેમનું જીવન જીવે છે અને તેઓ અત્યંત કુનેહથી તેમની લીડરશિપ કરી શકે છે, પરંતુ આ કાળની કદર કરે કોણ? મોટાભાગના લોકો એમ માને છે કે તેઓ જ કંઈક છે અને તેમની પાસે જ બધી હોશિયારી અને સત્તા છે. એટલે પછી થાય શું? તેમની અંદર હવા ભરાતી રહે અને એ હવાને કારણે તેઓ બીજા સાથે નાંખી દેવા જેવું વર્તન કરતા રહે. મદમાં ને મદમાં જાતજાતનાં વ્યસનો અને અનીતિ કરતા રહે અને અંતતઃ થાય શું? પટકાય ઊંધા માથે અને પટકાય ત્યારે નગરજોણું થાય એ વધારાનું.
એના કરતાં જો કાળની કદર કરો તો બે બાબત હંમેશાં મનમાં રહે. એક બાબત એ કે માણસને સતત એમ થાય કે આ બધું જ નાશ પામશે. આ બધું હંમેશ માટે ટકવાનું નથી. એટલે તેની જવાબદારી માત્ર વહન કરશે. તો બીજી બાબત તેના મનમાં એ રહેશે કે તેની પાસે કોઈ સત્તા કે ઐશ્વર્ય આવ્યું છે એ બધું જ તેને કોઈની કૃપાથી મળ્યું છે. આ કારણે થશે એવું કે એ વ્યક્તિ આજીવન ગ્રેટિટ્યૂડના ભાવથી જીવશે.