મધ્ય પ્રદેશનાં ફરવાનાં કોઈ સ્થળો વિશે વાત કરીએ એટલે આપોઆપ અમુક એડવર્ટાઇઝ અને એની જિંગલ્સ તમને મગજમાં આવવા માંડે. આ જાહેરખબર અને એમાં જિંગલ્સ લખનારનો કમાલ જ કહી શકાય. જેમ કે, મધ્ય પ્રદેશની જાહેરખબરમાં એક ગીત વાગતું એમ.પી. અજબ હૈ, સબસે ગજબ હૈ. આવી એક-એક બે-બે લાઇનની જિંગલ્સ ઘણીવાર તમારા હૈયે વસી જતી હોય છે અને પછી એ પ્રોડક્ટ્સ કે જગ્યા વિશે વાત કરવામાં આવે ત્યારે તરત જ એ યાદ આવી જાય. ખૈર, આપણે મધ્ય પ્રદેશની વાત કરી રહ્યા છીએ. આજે એમ.પી.ની વાઇલ્ડ લાઇફ સફારી કાન્હાની વાત કરવાની છે.
મધ્ય પ્રદેશના બાલાઘાટ અને મંડલા જિલ્લામાં ફેલાયેલી કાન્હા નેશનલ વાઇલ્ડ લાઇફ સફારી ભારતનાં મુખ્ય અભયારણ્યોમાંથી એક છે. આ જગ્યા લીલોતરી અને વન્યજીવોથી સમૃદ્ધ છે. અહીં દેશ-વિદેશથી પ્રકૃતિપ્રેમીઓ આવે છે અને વન્યજીવોને ફરતા જોવાનો લાભ લે છે. વેકેશનનો સમય ચાલી રહ્યો છે તો તમે પણ આ જગ્યા જોવાનો લાભ લઇ શકો છો. કાન્હા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી જોવા તમારે ત્રણ કે ચાર દિવસ ફાળવવા જરૂરી છે.
ઇતિહાસ
આ વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરીની સ્થાપના 1955માં કરવામાં આવી હતી. એ પછી 1973માં અહીં ટાઇગર સફારીનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો હતો. આશરે 940 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો આ નેશનલ પાર્ક અનેક પ્રાણીઓનું ઘર છે. અહીં વાઘ, દીપડા, હાથી, ગૌર, જંગલી કૂતરા અને અનેક પ્રકારનાં પક્ષીઓ રહે છે. કાન્હા માત્ર વન્યજીવોનાં ઘર તરીકે નહીં, પણ મોટાં મોટાં સુંદર ઘાસનાં મેદાન અને ઘટાટોપ જંગલ તેમજ વાંસના જંગલ માટે પ્રસિદ્ધ છે. અહીં અનેક સુંદર જળાશયો પણ આવેલાં છે, જે જંગલની શોભાને વધારવાનું કામ કરે છે.
વન્યજીવો અને જીવ વિવિધતા
આ નેશનલ પાર્કમાં વસતાં અલગ અલગ પ્રાણીઓ અહીંની શાન છે. અહીં મુખ્ય આકર્ષણ બારસિંગાનું છે. બારસિંગાને કાન્હા નેશનલ પાર્કનું ઘરેણું કહેવામાં આવે છે. એ સિવાય વાઘ, રીંછ, હરણ, જંગલી શિયાળ, જંગલી ભૂંડ, નીલ ગાય વગેરે પ્રાણીઓ પણ છે. અહીં 300થી વધારે પ્રજાતિઓનાં પક્ષીઓ જોવા મળી જાય છે. વાઇલ્ડ લાઇફ જોવાના શોખીન માટે આ અભયારણ્ય શ્રેષ્ઠ જગ્યા છે.
સફારીનાં સ્થળો
કાન્હા નેશનલ પાર્કમાં પર્યટકો માટે જીપ સફારી અને એલિફન્ટ સફારીની સુવિધા ઉપલબ્ધ છે. અહીં ત્રણ પ્રમુખ પર્યટન ઝોન છે, જેમાં કિસલી ઝોન છે. આ ઝોનમાં વાઘ દેખાવાની સંભાવના વધારે હોય છે. આ ઝોનમાં જ વાઘ મુખ્યત્વે વસે છે એટલે વાઘ જોવાના શોખીન લોકો કિસલી ઝોન જવાનું પસંદ કરે છે. મુક્કી ઝોનમાં બીજા બધાં વન્યજીવો વસે છે, જેમાં રીંછ, હાથી, શિયાળ, બારસિંગા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સારહી ઝોન પક્ષીપ્રેમીઓ માટે ઉત્તમ છે. કાન્હામાં સફારી કરવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તનો છે. આ બંને સમય વન્યજીવો પોતાની સંપૂર્ણ ગતિવિધિમાં હોય છે એટલે એ સમય અહીં ફરવા માટે બેસ્ટ છે. અલબત્ત, ત્યાં જશો એટલે ગાઇડ તમને એ જ સમયે સફારી માટે લઇ જશે.
બીજાં આકર્ષણ
સફારી સિવાય અહીં સનસેટ પોઇન્ટ (બામની ડાડા), વન્યજીવ મ્યુઝિયમ અને નેચર ટ્રેલ્સ છે. વન્યજીવ મ્યુઝિયમમાં કાન્હાનો સમૃદ્ધ ઇતિહાસ અને અહીં વસતાં પ્રાણીઓ વિશે જાણકારી છે, જ્યારે નેચર ટ્રેલ્સમાં પદયાત્રા કરવાની છે. આ પદયાત્રા પર્યટકોને પ્રકૃતિ સાથે જોડી રાખે છે.
અહીં આવવાનો શ્રેષ્ઠ સમય
કાન્હા રાસ્ટ્રીય ઉદ્યાનમાં આવવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી જૂન સુધીનો છે, પણ જો તમે વાઘ જોવા માંગતા હોવ તો માર્ચથી મે મહિનામાં જઈ આવવું જોઇએ. વરસાદના સમયે એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર મહિના સુધી કાન્હા બંધ રહે છે.