ગત સપ્તાહમાં આપણે ભારતની એવાં ઓફબીટ પ્લેસીસની વાત શરૂ કરી હતી, જ્યાં ફરવા માટેનો પ્લાન આ ઉનાળામાં કરી શકાય છે. આપણે બહુ ચર્ચિત જગ્યાઓ ઉપર તો ફરવા જતાં જ હોઇએ છીએ, પણ આ બધી જ જગ્યાઓ એવી છે જ્યાં ફરવા ગયા હોઇએ તો વેકેશનના સમયગાળામાં ટૂરિસ્ટની ભીડ જોવા મળે. હવે લોકો વેકેશનમાં પણ ઓછી ભીડ હોય એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે, જેથી શાંતિથી પોતાના પરિવાર કે પ્રિયજન સાથે સમય ગાળી શકે. આપણે ગત સપ્તાહમાં હિમાચલના અમુક નાનાં ગામો વિશે વાત કરી હતી. આમેય ગત અઠવાડિયે કાશ્મીરમાં જે રીતે નિર્દોષ લોકો ઉપર આતંકી હુમલો થયો એ પછી કાશ્મીરનું ટૂરિઝમ થોડા સમય માટે ખોરંભાશે ત્યારે ઠંડી જગ્યાએ ફરવા જવા માટે હિમાચલમાં ટૂરિસ્ટનો પ્રવાહ વધશે. હિમાચલની બહુચર્ચિત જગ્યાઓ ઉપર એક તરફ જ્યાં પર્યટકોનો મેળાવડો જામ્યો હશે ત્યારે તમે એના ઓફબીટ પ્લેસની મુલાકાત લઇને શાંતિ, સૌંદર્ય અને ઠંડકની મજા માણી શકો છો.
ચિતકુલ
ભારતના છેલ્લા ગામ તરીકે ઓળખાતું ચિતકુલ હિમાચલમાં આવેલું છે. તે કિન્નૌર જિલ્લાની સરહદમાં આવે છે. આ ગામની રોનક જ અલગ છે. અલબત્ત, શિયાળામાં અહીં જનજીવન ઓલમોસ્ટ ખોરંભાઇ જાય છે, કેમ કે અહીં ખૂબ જ ઠંડી હોય છે પણ ઉનાળામાં તમે આ જગ્યાએ ફરવાનો લાભ લઇ શકો છો. અહીંની સૌથી સારી બાબત એ છે કે આખા ભારતમાંથી સૌથી સ્વચ્છ હવા શ્વાસોશ્વાસમાં ભરવી હોય તો ચિતકુલ બેસ્ટ પ્લેસ છે, કેમ કે ભારતની સૌથી સ્વચ્છ હવા અહીં હોય છે. અહીં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. જેમ કે, મઠી મંદિર, ચરંગ ચિતકુલ પાસ ટ્રેક, કગ્યુપા મંદિર, બસ્પા રિવર ફ્રન્ટ, પેબલ વિશ, સાંગ્લા મિડોવ્સ, કામરુ ફોર્ટ, બેરિંગ નાગ મંદિર, બુદ્ધીશ મોનેસ્ટ્રી, તિબેટિયન વૂડ કાર્વિંગ સેન્ટર અને રકચમ લેન્ડસ્કેપ્સ. આ બધી જ જગ્યાઓ એવી છે જ્યાં ફરવાની ખૂબ જ મજા આવે એમ છે. તમે એક વસ્તુ માર્ક કરજો, કે કોઇ પણ જગ્યાની બહુચર્ચિત જગ્યાઓ ઉપર ફરવાની જેટલી જગ્યાઓ હોય છે એનાથી વધારે ઓફબીટ ઉપર ફરવાની સ્પેસ અને શાંતિ બંને હોય છે.
લેન્ડોર
હિમાચલથી આગળ વધીએ અને ઉત્તરાખંડ તરફ નજર કરીએ તો ત્યાં પણ ઘણી ઓફબીટ જગ્યાઓ છે. આપણે ઉત્તરાખંડમાં દાર્જિલિંગ, મસૂરી, નૈનીતાલ જેવી જગ્યાઓ વિશે સાંભળ્યું જ હશે, પણ એ સિવાય અહીં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જશો તો દિલ ખુશ થઇ જશે અને એ યાદગાર અનુભવ કાયમી યાદ રહી જશે. ઉત્તરાખંડના લેન્ડોરની જ વાત કરીએ તો આ જગ્યા નાની પણ અત્યંત સુંદર છે. તે દહેરાદૂનથી માત્ર 35 કિમીના અંતરે વસેલું નાનું ગામ છે. ગામનો કુલ એરિયા 2100 મીટરનો છે. અહીંનાં મકાનો બ્રિટિશ યુગના છે એટલે તમને લેન્ડોરમાં બ્રિટિશ શૈલી જોવા મળશે. અહીં ફરવા માટે લેન્ડોર ક્લોક ટાવર, સિસ્ટર્સ બજાર, કેમલ્સ બેક રોડ, સેન્ટ પોલ્સ ચર્ચ, લેન્ડોર લેંગ્વેજ સ્કૂલ વગેરે જગ્યાઓ છે. ટ્રેકિંગના શોખીન લોકો માટે અહીં ટ્રેકિંગ પોઇન્ટ પણ છે.
ચક્રતા
ચક્રતા પણ ઉત્તરાખંડનું હિલસ્ટેશન જ છે. કુદરતી સુંદરતા જોવાના શોખીન લોકો માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી સાબિત નહીં થાય. અહીં જોવા માટે અનેક જગ્યાઓ છે. જેમ કે, ચિલમિતિ નેક.
આ જગ્યા હિમાલયના પેનોરેમિક વ્યૂ માટે જાણીતી છે. અહીં ટાઇગર ફોલ છે જે ધોધનો અવાજ વાઘની ગર્જના જેવો લાગે છે. અહીં બુઢેર કેવ્સ છે, દીઓબન જંગલ અને હિમાલયન વ્યૂ માટે જાણીતી જગ્યા છે. અહીં રામ તાલ નામનો હોર્ટિકલ્ચર ગાર્ડન પણ છે અને મુંડલી પણ છે. ચક્રતાની દરેક જગ્યા તમને એની સુંદરતાનાં દર્શન કરાવે છે. ચક્રતાનું વાતાવરણ ઠંડકવાળું હોય છે એટલે ઉનાળાના સમયે અહીં આવવાની મજા તો આવે જ છે સાથે સાથે ગરમીથી બચવાનો લાભ પણ મળી જાય છે.