અમેરિકા કાયમ રહેવા માટે જવું હોય, ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવવું હોય અને પછી નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટીઝન પણ બનવું હોય તો એ માટે ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના જુદા જુદા રસ્તાઓ છે.

એમાંનો એક રસ્તો છે અમેરિકામાં રહેતાં તમારાં સંતાનો યા પતિ-પત્ની તમારા લાભ માટે ઈમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરે યા તો તમારાં યુએસ સિટીઝન મા-બાપ જો તમે અપરિણીત હોવ તો તમારા લાભ માટે ફેમિલી ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી યા ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અને જો તમે પરિણીત હોવ તો તમારા લાભ માટે ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરીને તમને ઈમિગ્રન્ટ વિઝા અપાવી શકે. તમારાં અમેરિકન સિટીઝન ભાઈ-બહેન પણ તમારા લાભ માટે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી શકે છે. તમે જો અમેરિકાના ગ્રીનકાર્ડધારક જોડે લગ્ન કર્યાં હોય તો તેઓ તમારા લાભ માટે ફેમિલી સેકન્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરીને તમને ગ્રીનકાર્ડ અપાવી શકે છે. તમારી સાથે સાથે તમારા એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનો માટે તમારા અમેરિકન ગ્રીનકાર્ડધારક પતિ-પત્ની તમારી સાથે સાથે એમને પણ ફેમિલી સેકન્ડ એ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરીને ગ્રીનકાર્ડ અપાવી શકે. જો તમારાં સંતાનોની વય 21 વર્ષથી વધુ થઈ ગઈ હોય તો તેઓ માટે ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ કેટેગરી હેઠળ એમને ગ્રીનકાર્ડ અપાવી શકે. આમ, જુદી જુદી રીતે ઈમિગ્રન્ટ વિઝા માટેની પિટિશનો દાખલ કરીને ઈમિગ્રન્ટ વિઝા અને એ મળ્યા બાદ ગ્રીનકાર્ડ મેળવી શકાય, પણ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન એપ્રૂવ્ડ થઈ હોય પછી શું? પિટિશન એપ્રૂવ્ડ થઈ એટલે કંઈ ઈમિગ્રન્ટ વિઝા મળી ન જાય. પિટિશન એપ્રૂવ્ડ થયા બાદ તમારે તમારા દેશમાં આવેલી અમેરિકન એમ્બેસી યા કોન્સ્યુલેટમાં જઈને, અરજી કરીને, ઈન્ટરવ્યૂ આપીને, તમારી યોગ્યતા દર્શાવીને ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના રહે છે. તમે જો અમેરિકામાં કાયદેસર કોઈ પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર રહેતા હોવ જેમ કે બી-1/બી-2 વિઝા, એફ-1 વિઝા, એચ-1બી વિઝા, એલ-1 વિઝા વગેરે તો તમારે તમારું નોન ઈમિગ્રન્ટ સ્ટેટસ એડજસ્ટ કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવવાનું રહે છે, પણ તમારી પિટિશન એપ્રૂવ્ડ થાય અને તમે ઈમિગ્રન્ટ વિઝાનું ઈન્ટરવ્યૂ આપવા જાવ એ પહેલાં તમારે અનેક ચીજો કરવાની રહે છે.

સૌપ્રથમ તો તમારી પિટિશન એપ્રૂવ્ડ થાય ત્યારબાદ એ ફાઈલ નેશનલ વિઝા સેન્ટરને મોકલી આપવામાં આવે છે. કોટા હેઠળ જ્યારે તમારી પિટિશનને વિઝા મળી શકે એમ હોય ત્યારે નેશનલ વિઝા સેન્ટર તમને એક વેલકમ લેટર મોકલાવે છે. એ મળ્યા બાદ તમારે એક વર્ષની અંદર અમેરિકામાં આવેલી બેન્કમાં ઈમિગ્રન્ટ વિઝા એપ્લિકેશન પ્રોસેસિંગ ફી અને એફિડેવિટ ઓફ સપોર્ટ ફી ભરવાની રહે છે. આ બંને ફી અલગ અલગ ભરવાની રહે છે. ત્યારબાદ જેમણે તમારા લાભ માટે પિટિશન દાખલ કરી હોય એ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારકે ફોર્મ આઈ-864 જે એફિડેવિટ ઓફ સપોર્ટ છે એ ભરીને મોકલવાનું રહે છે. જેમણે પિટિશન દાખલ કરી હોય એ પિટિશનર જે સ્પોન્સર તરીકે ઓળખાય છે એની આવક જો ઓછી હોય તો તેઓ અન્ય કોઈ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારકનો પણ જોઈન્ટ એફિડેવિટ ઓફ સપોર્ટ દાખલ કરી શકે છે. ત્યારબાદ જેમના લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવી હોય છે એમણે એમના ઈમિગ્રન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં કોન્સ્યુલર ઓફિસરને દર્શાવવા માટેના દસ્તાવેજો ભેગા કરવાના રહે છે. પછી એમણે ફોર્મ ડીએસ-260 ભરીને ઓનલાઈન સુપરત કરવાનું રહે છે અને એમણે જે દસ્તાવેજો ભેગા કર્યા હોય છે એ સઘળા સ્કેન કરીને સુપરત કરવાના રહે છે. જો કોઈ દસ્તાવેજ અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં હોય તો એનું ઓફિશિયલ ટ્રાન્સલેશન કરાવીને સુપરત કરવાનું રહે છે. આ પહેલાં જેમના લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવી હોય છે એમણે કોન્સ્યુલેટે ઠરાવેલ હોસ્પિટલમાં જઈને એમનું મેડિકલ ચેકઅપ કરાવવાનું રહે છે. એનો રિપોર્ટ હોસ્પિટલ ડાયરેક્ટલી કોન્સ્યુલેટને મોકલાવે છે અથવા તો સીલ એન્વલપમાં પિટિશનના બેનિફિશિયરીને આપે છે. એમણે એ ખોલ્યા વગર ઈમિગ્રન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં કોન્સ્યુલર ઓફિસરને સુપરત કરવાનું રહે છે. જે દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહે છે જેને સિવિલ ડોક્યુમેન્ટ્સ કહેવામાં આવે છે એમાં એ બેનિફિશિયરી અને એની સાથેના ડિપેન્ડન્ટ બેનિફિશિયરીઓના બર્થ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ, જો છૂટાછેડા લીધા હોય તો કોર્ટની ડિક્રી એમની સામે કોઈ કોર્ટના કેસો હોય યા જેલમાં ગયા હોય તો એનો રેકોર્ડ, તેઓ મિલિયરીમાં હોય તો એનો રેકોર્ડ આ ઉપરાંત પિટિશનરના નેચરલાઈઝેશનનું સર્ટિફિકેટ, અમેરિકન પાસપોર્ટની કોપી, પિટિશનર અને બેનિફિશિયરીઓ સાથે લીધેલા ફોટાઓ, બેનિફિશિયરીનાં ઓળખપત્રો જેમ કે, આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટની ઝેરોક્ષ કોપી આ સઘળું ઓનલાઈન જ કોન્સ્યુલેટને આપવાનું રહે છે. બેનિફિશિયરીઓએ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ મેળવવાનું રહે છે. ત્યારબાદ એમને ઈન્ટરવ્યૂનો જે સમય આપવામાં આવ્યો હોય એ સમયે હાજર રહીને ઈન્ટરવ્યૂ આપવાનું રહે છે. એમની સાથે સાથે જેઓ ડિપેન્ડન્ટ હોય એમણે પણ ઈન્ટરવ્યૂ આપવાનું રહે છે. જે પ્રિન્સિપલ એપ્લિકન્ટ એટલે કે બેનિફિશિયરી હોય એની ઉંમર ગમે તે હોય એણે ઈન્ટરવ્યૂ આપવાનો જ રહે છે.

ઈમિગ્રન્ટ વિઝાના ઈન્ટરવ્યૂમાં કેવા કેવા સવાલો પૂછવામાં આવી શકે છે, એના કેવા ઉત્તરોની અપેક્ષા રખાય છે, કયાં કયાં ડોક્યુમેન્ટ દેખાડવાં જોઈએ, કેવી રીતે દેખાડવાં જોઈએ, ઈન્ટરવ્યૂમાં સામાન્ય રીતે કેવો વ્યવહાર જાળવવો જોઈએ, વસ્ત્રપરિધાન કેવું હોવું જોઈએ એ સઘળાની જાણકારી ઈન્ટરવ્યૂ આપવા જતા પહેલાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના નિષ્ણાત આગળથી મેળવી લેવી જરૂરી છે. એવું ધારી ન લેતા કે તમારી પિટિશન એપ્રૂવ્ડ થઈ છે એટલે તમને ઈમિગ્રન્ટ વિઝા મળી જ જશે.

ઈન્ટરવ્યૂમાં જાઓ ત્યારે જે એપોઈન્ટમેન્ટ લેટર એનવીસીએ મોકલાવ્યો હોય એ, તમારો પાસપોર્ટ જેની અવધિ છ મહિનાથી વધુ હોય તે, બે એકસરખા ફોટાઓ, ડીએસ-260નું કન્ફર્મેશન પેજ અને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે મોકલ્યાં હોય એ બધાં ઓરિજનલ આ સર્વે મોકલવાનાં રહે છે.

ઈન્ટરવ્યૂ બાદ જો કોન્સ્યુલર ઓફિસરને યોગ્ય જણાશે તો તેઓ તમને ઈમિગન્ટ વિઝા આપશે. જે મળેથી છ મહિનાની અંદર અમેરિકામાં પ્રવેશવાનું રહે છે, પણ જો મેડિકલ એક્ઝામિનેશન બહુ પહેલાં કરાવ્યું હોય અને વિઝા મળે પછી એ એક્ઝામિનેશન કરાવ્યાને છ મહિનાથી ઓછો સમય રહ્યો હોય તો મેડિકલ એક્ઝામિનેશન કર્યાને એક વર્ષ પૂરું થાય એ પહેલાં તમારે અમેરિકામાં પ્રવેશવાનું રહે છે.

અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવનારાઓ જેમના લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરવામાં આવી હોય છે એમણે આ સર્વે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને પૂરતી કાયદાકીય જાણકારી મેળવીને પછી જ ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની બાબતમાં આગળ પગલાં ભરવાં જોઈએ.