ભારતમાં ટ્રાફિક અને વાહનોને લગતા નિયમોના ભંગ માટે જે દંડ થાય છે તેના કરતાં અન્ય દેશોમાં આ દંડ બહુ મોટો છે અને નિયમોનું સખ્તાઈથી પાલન કરાવાય છે. બ્રિટનમાં આ સપ્તાહથી વાહનની નંબર પ્લેટમાં બદલાવ અંગેના નિયમો અમલી બન્યા છે અને નિયમના ઉલ્લંઘન માટે વાહનચાલકોને 1000 પાઉન્ડનો દંડ થઇ શકે છે. નવી `25' નંબર ધરાવતી પ્લેટ 1 માર્ચથી અમલી બની છે. યુકેમાં વાહનની નંબર પ્લેટ ચોક્કસ ફોર્મેટમાં હોય છે, જેમાં વાહનના રજિસ્ટ્રેશનનો સમય અને સ્થળ દર્શાવાય છે. `25' રજિસ્ટ્રેશન પ્લેટ 1 માર્ચથી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે નોંધાયેલાં વાહનો દર્શાવશે. તે આ `AB25 XYZ' પ્રકારની હોઇ શકે છે. `25' નંબર પ્લેટ બાદ 1 સપ્ટેમ્બર, 2025થી `75' નંબર પ્લેટ આવશે, જે 28 ફેબ્રુઆરી, 2026 સુધીનાં રજિસ્ટ્રેશન દર્શાવશે. લેબર સરકારના નવા ક્રાઇમ કાયદાઓ અંતર્ગત પોલીસને દરેક વાહનચાલકની અંગત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ડ્રાઇવર એન્ડ વ્હિકલ લાયસન્સિંગ એજન્સી (ડીવીએલએ) પાસે 50 મિલિયન વાહનચાલકોનો ડેટા છે.

ભારતના માર્ગો પર બહુ જલદી અમેરિકાની બહુ ચર્ચિત ટેસ્લા કાર દોડવા માંડશે

ઈલેક્ટ્રિક કાર નિર્માતા અમેરિકન કંપની ટેસ્લાની કાર ટૂંક સમયમાં ભારતના રસ્તાઓ પર દોડતી નજરે પડશે. બહુ જલદી ટેસ્લાની ઈલેક્ટ્રિક કારની પ્રથમ બેચ મુંબઇની પાસે બંદર પર ઊતરી શકે છે. ટેસ્લાએ આ વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ત્રણ પ્રમુખ શહેરો મુંબઇ, દિલ્હી અને બેંગ્લૂરુમાં આ કારનું વેચાણ શરૂ કરવાની યોજના બનાવી છે. ટેસ્લાના ભારતમાં આગમનને લઈને ઉત્સુકતા વધી છે. કંપનીએ ભારતમાં કર્મચારીઓની ભરતી શરૂ કરી છે. જાણકારોના મતે કારના વેચાણ માટે એક બુકિંગ પોર્ટલ પણ લોન્ચ કરાશે. ટેસ્લાના લાંબા સમય સુધી એક્ઝિક્યૂટિવ રહેલા પ્રશાંત મેનન પૂણેમાં એક ઓફિસથી ટેસ્લાની સ્થાનિક કામગીરીનું સંચાલન કરી રહ્યા છે.

 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રામાં થયેલી સમજૂતી બાદ ઓછા ટેરિફ (15 ટકા) અંતર્ગત આયાત થનારી કારની સંખ્યા 8થી વધીને 50 હજાર થવાની શક્યતા છે. અન્ય વિકલ્પો પર પણ વિચાર કરાઇ રહ્યો છે. પહેલાં દેશમાં આયાત કરાતી 40,000 ડોલરથી મોંઘી કાર પર 110 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી, જેને ઘટાડીને સરકારે 70 ટકા કરી છે. સરકાર સાથે સમજૂતી કરાર કરવા પર 35,000થી મોંઘી કાર પર 15 ટકા ડ્યૂટી લાગશે. જોકે, શરત એ છે કે 8000થી ઓછા ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરાય. ઓછા ટેરિફને કારણે ટેસ્લાને મોટો લાભ મળ્યો છે.

પશુપાલકોના યોગદાનથી બનેલી `મંથન' હવે 4k ફોર્મેટમાં ઓસ્કાર ફેસ્ટિવલમાં રજૂ

ઓસ્કાર એકેડેમી દ્વારા માર્ચના બીજા સપ્તાહથી ઈમોશન્સ ઈન કલરઃ એ કેલિડોસ્કોપ ઓફ ઈન્ડિયન સિનેમા' ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો હતો, જેમાં ભારતની 12 ફિલ્મો દર્શાવાઈ હતી. જેમાં `અમૂલ'ની શ્વેતક્રાંતિને વાચા આપતી ફિલ્મ `મંથન', `મધર ઈન્ડિયા', `અમર અકબર એન્થની', `મિર્ચ મસાલા', `દેવદાસ', `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', `માયા દર્પન', `ઈરુવર', `ઈશાનોઉ', `કુમટ્ટી' સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ આણંદસ્થિત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા 1977માં ફિલ્મ મંથનનું નિર્માણ કરાયું હતું, જેનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું છે. આ ફિલ્મને `અમૂલ' અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા નવેસરથી 4K ફોર્મેટમાં તૈયાર કરાઇ છે. સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ અને અમરીશ પુરી જેવા પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા અભિનીત `મંથન'ની વાર્તા ગરીબ ખેડૂતોના એક નાના સમૂહના સંઘર્ષ અને વિજય પર છે. 10 લાખ રૂપિયાના બજેટમાં બનેલી, `મંથન' પહેલી ક્રાઉડ ફંડેડ ભારતીય ફિલ્મ પણ હતી, જેમાં જીસીએમએફએફના પાંચ લાખ પશુપાલકોએ ફિલ્મનિર્માણ ખર્ચને ભંડોળ પૂરું પાડવા માટે માથાદીઠ બે રૂપિયાનું યોગદાન આપ્યું હતું. `મંથન'ને વર્ષ 1977માં હિન્દીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને વિજય તેંડુલકરને શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મને 1976માં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (ઓસ્કાર) માટે ભારત તરફથી એકેડેમી એવોર્ડ માટે રજૂ કરાઇ હતી.

સચિન, જયસૂર્યા અને ગેઈલ અને હવે કોહલી :દસ દેશોમાં સદી મારનાર શતકવીરો

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે દુબઈમાં રમાતી વન-ડેમાં 51મી સદી ફટકારી હતી. કોહલી યુએઈમાં માત્ર બીજી ઈનિંગ્સ રમ્યો અને સદી ફટકારી છે. જેનો અર્થ એ છે કે, કોહલીએ તમામ 10 દેશમાં સદી ફટકારી છે જ્યાં તેણે બેટિંગ કરી છે. આ 10 દેશમાં ઓસ્ટ્રેલિયા. બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને યુએઈ સામેલ છે. વિરાટ કોહલી 10 જુદા-જુદા દેશમાં સદી ફટકારનાર વિશ્વનો ચોથો ખેલાડી બન્યો. જેમાં સનથ જયસૂર્યા અને સચિન તેંડુલકર (12-12) અને ક્રિસ ગેઈલ (10) સામેલ છે.

 વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે આઈસીસી ઈવેન્ટ્સમાં રમતા પાંચમી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે, જે ઓવરઓલ રેકોર્ડ છે. આ યાદીમાં સચિન તેંડુલકર (3) અને બુમરાહ (2) સામેલ છે. ઓસ્ટ્રેલિયાના વોર્નર અને હસ્સી પણ 2-2 એવોર્ડ સાથે સામેલ છે. કોહલીએ વનડેમાં સૌથી ઝડપી ગતિએ 14 હજાર રન પૂરા કર્યા. આ માટે સચિન તેંડુલકરે 350 ઇનિંગ્સ રમી હતી અને કુમાર સંગાકારાએ 378 ઇનિંગ્સ રમી હતી.