કાશ્મીરમાં ઘટેલી આતંકવાદની દુર્ઘટનાનો ગુસ્સો હજુ નથી ઉતાર્યો એ જાણીએ છીએ. છતાં પણ થોડા વર્ષો પહેલાંની જ એક અજાણી વાત કરીએ. 2008ના જુલાઈ મહિનામાં આખું વિશ્વ ચોંકી ઊઠે એવી અજીબોગરીબ ઘટના બની. અમેરિકાએ તે સમાચારને દાબવાની પૂરી કોશિશ કરી અને અંશત: સફળતા પણ મળી.
વર્લ્ડ મીડિયામાં હળવા ભૂકંપો સર્જનાર એ ઘટના એવી હતી કે અમેરિકાએ તે સમયમાં પોતે બનાવેલા આતંકવાદીના લિસ્ટમાંથી એક આફ્રિકન `ત્રાસવાદી'નું નામ હટાવી નાખ્યું. 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો તેના પછી તો અમેરિકાએ ઘણાં બધાં લિસ્ટ બનાવ્યાં હતાં અને તે લિસ્ટમાં રહેલાં નામોની ધરપકડ કરવામાં આવતી તથા શકમંદો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવતી. સંભવિત આતંકવાદીના આ લિસ્ટમાંથી એક આફ્રિકન વ્યક્તિનું નામ અમેરિકાએ કાઢ્યું. અમેરિકાએ બનાવેલા આવા લિસ્ટમાંથી નામ નીકળે તેનો જે તે વ્યક્તિને ફાયદો શું? ફાયદો એ જ કે અમેરિકન કાયદા મુજબ તે માણસ ખાસ મંજૂરી વિના અમેરિકામાં પ્રવાસ કરી શકે અને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પ્રવેશી શકે. અમેરિકાએ જે આફ્રિકન માણસને વર્ષો સુધી આતંકવાદીઓની સૂચિમાં સ્થાન આપ્યું હતું તે માણસનું નામ: નેલ્સન મંડેલા.
જાણીતાં વાક્યો વાંચો: આતંકને કોઈ ધર્મ નથી હોતો, ચામડીનો કોઈ રંગ નથી હોતો કે પછી કોઈ અટક નથી હોતી. આ બધાં થર્ડ પાર્ટી જનરેટેડ સ્ટેટમેન્ટ્સ છે, ઘરડાં વાક્યો છે. જેની ઉપર હુમલો થયો, જે વધુ અસુરક્ષા ભોગવે છે અને પોતાના ઉપર થયેલા આક્રમણ માટે જેને કસુરવાર ઠેરવે છે તે પોતાના દુશ્મનને કોઈ એક ચોક્કસ ધર્મ, નાત, જાત અને રંગની કેટેગરીમાં મૂકી જ દે છે. ગુલામીપ્રથા એ શું છે? સદીઓ સુધી મુખ્યત્વે અશ્વેત વ્યક્તિઓ ઉપર જુલમ થતા રહ્યા. આજે પણ ગુલામીપ્રથા ચાલુ છે, ભારતમાં અને ચાઈનામાં ખાસ. લઘુતમ રોજિંદા વેતન કરતાં પણ ઓછી રોજી આપીને કામ કરાવવામાં આવે તો એ મજૂરી કે નોકરી નહિ પરંતુ વેઠ થઇ કહેવાય. વેઠિયા અને ગુલામો બંને પર્યાયવાચી શબ્દ છે અને એવા વેઠિયાઓ એશિયામાં ને બાકીની દુનિયામાં લાખોની સંખ્યામાં છે, પણ એ આતંકવાદ કેટલાને દેખાય છે, અગર તો તે પ્રવૃત્તિ એક જાતનો આતંક નથી શું? (મિનિમમ કરતા પણ ઓછું વેતન આપવું એ ગુલામી છે.)
અંગ્રેજીમાં એક શબ્દ છે `ઝેલટ' જેનો અર્થ છે અતિ ઉત્સાહી અને ઝનૂની માણસ. ઈ. સ. પહેલી સદીમાં `ધ ઝેલટ્સ' નામનું એક સંગઠન હતું. યહૂદીઓના મુલકમાં એ લોકોએ રોમનો સામે આતંકવાદ ચાલુ કર્યો. યહૂદીપ્રથામાં જેને સેકન્ડ ટેમ્પલ જ્યુડાઈઝમ કહેવામાં આવે છે તેના તેઓ કટ્ટરપંથી હતા. કાયદેસરના રેકોર્ડો મુજબ એવું કહી શકાય કે આતંકવાદનો એ પ્રથમ કિસ્સો હતો. તેના પછી પૃથ્વીના લગભગ દરેક દેશમાં આતંકવાદ સતત ચાલુ જ રહ્યો છે. પેલેસ્ટાઈનની ભૂમિ હોય કે મિડલ-ઈસ્ટના દેશો, બધાએ આતંકવાદી છાવણીમાં દાયકાઓ કાઢી નાખ્યા. ફિદાયીનોથી લઈને અનેક કટ્ટરવાદીઓએ એશિયા-યુરોપમાં સતત હાહાકાર મચાવ્યો. એકવીસમી સદીની શરૂઆતમાં જ લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કરાવ્યો. અફઘાનિસ્તાન-ઈરાક-અમેરિકા યુદ્ધો થયાં.
2016ની સાલમાં અમેરિકામાં જેટલા લોકો બંદૂકની ગોળીથી મર્યા એ બધા કિસ્સાઓમાં બંદૂક આતંકવાદીઓના હાથ કરતાં બાળકોના હાથમાં વધુ હતી. અમેરિકન સરકાર બંદૂકનું લાયસન્સ આપવાની જાણે લહાણી કરતી હોય એમ બંદુકો કોઈને પણ આપ્યા કરે તો તેનાં પરિણામો આ ભોગવવાં પડે. યુરોપ અને અમેરિકામાં જેટલાનાં ખૂન થયાં તેમાંથી માત્ર 2.2 ટકા લોકો આતંકવાદીઓના હાથે મર્યા છે જ્યારે એ જ આંકડો મુસ્લિમ મેજોરિટી દેશમાં 75 ટકાનો છે. પોતાનાં શિંગડાં જ ભારે પડે છે એનું ઉદાહરણ. `વરુને પાળો તો વરુ તમારો જ શિકાર કરે' આ જૂની કહેવત છે. એ લોકોએ કદાચ આ કહેવત નહિ સાંભળી હોય. બીકણ લોકો આતંકવાદનો રસ્તો અપનાવે, એ રસ્તો પાક્કો રહે માટે તેમાં કહેવાતા ધર્મના નામની સિમેન્ટ લગાવે અને રસ્તો તૂટવાની અસુરક્ષા અનુભવતા સાઉદી અરેબિયા જેવા દેશો નાસ્તિકતાને કાયદેસરનો આતંકવાદ ગણાવે. પછી ભોગવવું પડે.
આ બધી રેન્ડમ માહિતી અને આંકડા શું બતાવે છે? જે દેશમાં મેજોરિટી ધર્મ સમય સાથે ઇવોલ્વ નથી થયો ત્યાં બંધિયારપણું વધી ગયું અને એ બંધનમાંથી આતંકવાદનો ભોરિંગ જન્મ્યો. જે ધર્મ બદલાવને સ્વીકારતો નથી, જે ધર્મગુરુઓ અપડેટ થવા માંગતા નથી એ ધર્મના નામે હિંસાઓ વધુ ફેલાય છે. માણસ બદલાય, જમાનો બદલાય, ટેક્નોલોજી અપગ્રેડ થાય, પણ અમુક ધર્મો બંધિયાર પાણી જેવા જ રહે છે, નદીની જેમ વહેતા નથી.
હવે બીજી બાજુ એક નજર કરો. જે ધર્મમાં દેવી-દેવતાનાં નવાં નામ ઉમેરવાની છૂટ હોય, દેવીના નામે પિક્ચર બનતા હોય અને લોકો એમને પૂજવા માંડતા હોય, વિધિવિધાનો બદલાતાં રહેતાં હોય એવા ધર્મની છાપ ગ્લોબલ લેવલ ઉપર શાંતિપ્રિયની રહે છે અને એમાંથી આતંકનો જન્મ સામાન્ય રીતે થતો નથી. જમીન માટેના ઝઘડા અને ધર્મ માટેના ઝઘડા, જે ધર્મમાં બદલાવ સ્વીકાર્ય હોય એ ધર્મ પાળતા લોકોમાં ઓછા જોવા મળે છે આવું ઈતિહાસ કહે છે.
સિનેમા સમાજનું દર્પણ છે એવું કહેવાય છે. તો આતંકવાદ શું છે? માનવજાતે પાડેલા સંપ્રદાયોના ભાગલાના ઝેરનું પ્રતિબિંબ કે પાછળ રહેતો અને સાઈડ પ્રોડક્ટ જેવો કાળા રંગનો પડછાયો? લોકોમાં ખરું અને નક્કર નેશનાલિઝમ કેમ પ્રગટતું નથી અને પ્રગટતું હોય તો અમુક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં એ જ પ્રજામાંથી સર્જાતું તંત્ર કેમ નિષ્ફળ જાય છે? સ્કોલરો કહે છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચવા માટે મહત્તમ સાત વ્યક્તિઓની મદદ લેવી પડે. આ જ થીસિસની સમાંતર એક બીજો થીસિસ હોવો જોઈએ કે કોઈ પણ પ્રોબ્લેમ જે થિયરીટિકલી સોલ્વ થઇ શકે એવો હોય તો તેનું પ્રેક્ટિકલ સોલ્યુશન સાત જુદા જુદા રસ્તે આવી જ જવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે એક સમસ્યા જે સિત્તેર વર્ષથી ફેણ ચડાવીને ઊભી છે અને સાત કરતાં વધુ સરકારો બદલાઈ ગઈ હોવા છતાં એકસાથે કરોડો લોકો મળીને તેનું કાયમી સોલ્યુશન કેમ ન લાવી શકે?