દરેકને ખુશામત સાંભળવી ગમે છે, વાંચીને-સાંભળીને સારું લાગે છે. કેટલીકવાર પ્રશંસા લોકોને મહાન કાર્યો કરવા પ્રેરે છે, કેટલીકવાર આત્મવિશ્વાસ પુનઃ સ્થાપિત અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. ખુશામત માનવજીવનનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ પ્રશંસાત્મક શબ્દો સ્ત્રીઓ માટે જોવા મળે છે. મહિલાના રોલમોડલ ચિત્ર સાથે જોડાયેલ `બ્યૂટી વિથ બ્રેઈન' કેપ્શન સાથે સોશિયલ મીડિયા ભરાઈ ગયું છે. ખૂબસૂરત મહિલાની તસવીરો આ કેપ્શન સાથે શેર કરવામાં આવે છે અને છોકરીઓ પણ આ કૅપ્શન સાથે પોસ્ટ કરે છે. જોકે, `બ્યૂટી વિથ બ્રેઈન' વાક્યાંશ'ને તાકીદે અને ઝડપથી નિવૃત્ત કરવાની જરૂર છે. શા માટે? શબ્દસમૂહમાં શું ખોટું છે? ચાલો જાણીએ.
શબ્દસમૂહ `બ્યૂટી વિથ બ્રેઈન - મગજ સાથે સૌંદર્ય' લખાય છે, પરંતુ `હેન્ડસમ વિથ બ્રેઈન - મગજ સાથે રૂપાળા' નથી લખાતું, કારણ કે સ્ત્રીઓને બે લાક્ષણિકતાઓના ચોકઠામાં કેદ કરવામાં આવે છે. તે માનવા માટે મજબૂર કરવામાં આવે છે કે સુંદરતા અને બુદ્ધિમત્તાનાં લક્ષણો એકસાથે રહી શકતાં નથી. જે છોકરીઓ સુંદર હોય છે તે બુદ્ધિશાળી નથી હોતી અને બીજી તરફ બધા પુરુષો હંમેશાં મગજવાળા હોય છે. ભારે માનસિક કાર્યો ફક્ત પુરુષો માટે જ હોય છે અને છોકરીઓ તેને સંભાળી શકતી નથી.
કહેનાર જાણ્યે-અજાણ્યે માને છે કે છોકરીઓ સુંદર `અથવા' બુદ્ધિશાળી હોઈ શકે છે, પરંતુ એક જ સમયે બંને (સુંદર અને બુદ્ધિશાળી) હોઈ શકતી નથી. મગજ અને સુંદરતા બંને ધરાવતી સ્ત્રીઓ અપવાદ છે. ઘણા લોકો માને છે કે આ દુનિયામાં સુંદરતા અને મગજ બંને ધરાવતી સ્ત્રીઓ મુઠ્ઠીભર છે, પરંતુ આ `સુંદરતા'ની વ્યાખ્યા શું? ફક્ત અન્ય વ્યક્તિ(મોટાભાગે પુરુષ)ને આકર્ષિત કરતું શરીર જ સુંદરતા (મોટાભાગના લોકોનો સ્ત્રી માટેનો માપદંડ અંગ-ઉપાંગ)ની શ્રેણીમાં આવે?
પ્રથમ, સ્ત્રીને બ્લોન્ડે અને બિમ્બો (એક શુભ્રકેશી સોનેરી વાળ ધરાવતી આકર્ષક પરંતુ બુદ્ધિહીન) પાત્ર તરીકે આલેખવામાં આવી હતી. પછી કલ્પના ખોરવાઈ ગઈ ત્યારે `બ્યૂટી વિથ બ્રેન્સ વાક્યાંશ' સારું દેખાડવા સ્થાપિત કર્યું. લોકપ્રિય સંસ્કૃતિમાં આ શબ્દ/શબ્દાલંકાર એ નબળા લેખનની આડપેદાશ છે. અસંખ્ય ફિલ્મો, સિરિયલો અને જાહેરાતો પણ છે, જે આ સીમાંકન બનાવે છે. નાયિકા હંમેશાં સુંદર બતાવવામાં આવે છે બીજી બાજુ દરેક વ્યક્તિ જેની નોંધ લે છે તેવી છોકરી સામાન્ય રીતે અવ્યવસ્થિત વાળ, વિચિત્ર ડ્રેસિંગ સેન્સ અને ભાગ્યે જ કોઈ મેકઅપ ધરાવતી બતાવવામાં આવે છે. અભિનેત્રીઓને તેમની શૈક્ષણિક લાયકાત પર વારંવાર સવાલો ઉઠાવવામાં આવે છે. અભિનેત્રીઓ સારી રીતે ભણેલી હોય છે ત્યારે લોકોને ઘણીવાર આશ્ચર્ય થાય છે. અભિનેત્રી બનવું એ સુંદર હોવાનું પ્રતીક છે, તેથી લોકો હંમેશાં તેમની બુદ્ધિમત્તા પર શંકા કરે છે. આવો જ બીજો શબ્દસમૂહ જે સ્ત્રીઓને ઉત્તેજક બનાવવા પ્રેરે છે બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ! અને બોલ્ડનો સીધો સંબંધ ડ્રેસિંગ સાથે છે. બ્યૂટીફૂલ મહિલા તેના અંગ-ઉપાંગ દર્શાવતા ટૂંકા કે શરીર વધુમાં વધુ ઉઘાડું કરતાં ઓછામાં ઓછાં કપડાં પહેરે તેને બોલ્ડ, હિંમતવાળી, સાહસિક કહેવાય.
કોઈ પણ વ્યક્તિનું સૌંદર્ય બાહ્ય શરીર છે જે લોકો જુએ છે, નિહાળે છે. જ્યારે ચાતુર્ય, જ્ઞાન/બુદ્ધિ, મગજ આંતરિક છે અને બંને એક જ સમયે એક જ વ્યક્તિમાં હોઈ જ શકે છે, લિંગ તફાવત નગણ્ય. વધુમાં દરેક સ્ત્રી પોતપોતાની રીતે સુંદર હોય છે. બુદ્ધિની વાત છે, તો ગણિતની સમસ્યાઓ હલ ન કરી શકતી સ્ત્રી કદાચ ડિઝાઇનિંગમાં હોશિયાર હોઈ શકે. સુંદરતા અને બુદ્ધિને માપવા માટે કોઈ માપદંડ નથી. આ શબ્દસમૂહ પોતે જ ખોટો છે અને છોકરીઓએ તેને ખુશામત તરીકે સ્વીકારવી જોઈએ નહીં. `બ્યૂટી વિથ બ્રેઈન' વાક્યાંશ બરાબર નથી. માતા-પિતા પણ દીકરીને અમુક સમયે `બ્યૂટી વિથ બ્રેઈન' કહે છે. આ સમસ્યારૂપ કન્ડિશનિંગ(અનુકૂલન)થી ઘણા લોકો અજાણ છે તે ચિંતાજનક અને ખરેખર દુઃખદ છે.