એલેખકો વાતો ઊંચીઊંચી કરે, પરંતુ અસલમાં તેઓ સમાજના નીચલા ગણાતા વર્ગથી ઉતરતી કક્ષાનું ચારિત્ર્ય ધરાવતા હોય છે અને તેઓ સમાજને સુધારવાના ભ્રમ સાથે અસલમાં ખ્યાતિ અને ધન માટે જ લેખનપ્રવૃત્તિ કરતા હોય છે એવી છાપ યુવાન ટોલ્સ્ટોયના મનમાં પડી.
જોકે, ટોલ્સ્ટોયે પોતે લેખનપ્રવૃત્તિ ચાલુ રાખીને સિદ્ધિ-પ્રસિદ્ધિ માણવાનું ચાલુ રાખ્યું. અન્ય રશિયન લેખકોની માફક એ પણ એવું માનતા રહ્યા કે એકલો હું જ સમજદાર છું અને બાકીના બધા રશિયન લેખકો નાસમજ છે.પછી ટોલ્સ્ટોય રશિયામાંથી નીકળીને યુરોપીયન સર્જકોને મળ્યા. એ વાત, એમના શબ્દોમાં...
એ (છવ્વીસથી ચોંત્રીસની ઉંમરના આઠ વર્ષના) સમયગાળા દરમિયાન હું લેખકોની પાગલખાના જેવી દુનિયામાં જીવ્યો. એ દરમિયાન હું વિદેશયાત્રાએ ગયો. મેં જોયું કે રશિયનોની જેમ મોટામોટા યુરોપીયન લેખકો પણ એવું જ માની રહ્યા હતા કે જગત પરફેક્ટ છે, સરસ રીતે આગળ વધી રહ્યું છે (અને અમે એને રસ્તો દેખાડી રહ્યા છીએ). આ વિચારધારાને એક જ શબ્દમાં વ્યક્ત કરવી હોય તો એ શબ્દ હતોઃ પ્રગતિ. ત્યારે મને એવું લાગેલું કે શબ્દ -પ્રગતિ- મહત્ત્વનો છે. ત્યારે હજુ હું એ નહોતો સમજ્યો કે પ્રત્યેક મનુષ્યની માફક મને સતાવતો મૂળ પ્રશ્ન તો એ જ હતો કે ‘હું સારું જીવન કઈ રીતે જીવી શકું?’ અને આ પ્રશ્નનો મેં સ્વીકારી લીધેલો જવાબ એ હતો કે ‘પ્રગતિ થાય એ રીતે જીવવું’.
આ તો એકદમ એવું જ હતું જાણે એક બોટ દરિયામાં મોજાં અને પવનના જોરે તણાઈ રહી હોય ત્યારે આપણે કઈ દિશામાં જવાનું છે એ મૂળભૂત સવાલ વિશે વિચારવાને બદલે બોટમાં બેઠેલો માણસ એવું વિચારે કે બોટ એક ચોક્કસ દિશામાં આગળ વધી રહી છે.
આ સ્થિતિ મને ત્યારે નહોતી સમજાઈ રહી, પરંતુ અસલિયત છુપાવવા માટે લોકો જે ભ્રમનો -પ્રગતિ અને વિકાસનો- આશરો લઈ રહ્યા હતા તેની સામે મારા દિમાગને વાંધો નહોતો, પરંતુ મારું દિલ ક્યારેક ક્યારેક આ પ્રચલિત ભ્રમ સામે બળવો પોકારતું હતું ખરું.
(માનવસમાજ અને સંસ્કૃતિની) પ્રગતિના મામલે હું જે અંધશ્રદ્ધા સેવી રહ્યો હતો એના પાયા કેટલા બોદા છે તે દર્શાવનારી એક ઘટના મેં પેરિસમાં જોઈ. ત્યાં હું એક શિરચ્છેદ વિધિનો સાક્ષી બન્યો. મેં માથું અને ધડ અલગ થતાં જોયાં અને એ ધડ-માથું અલગઅલગ રીતે એક મોટા ખોખામાં પડતાં જોયાં, એમનાં પડવાનો અવાજ મેં સાંભળ્યો. એ ઘડીએ મને, કેવળ મારા મનને નહીં, બલ્કે મારા સમગ્ર અસ્તિત્વને, સમજાયું કે પ્રગતિવાદીઓનાં ભલભલાં તર્કો અને થિયરીઓ શિરચ્છેદના આ કૃત્યને વાજબી ઠરાવી શકે નહીં. દુનિયા આખી, દુનિયાના તમામ લોકો ભલે એમની પોતપોતાની થિયરીઓના જોરે એવું ઠરાવે કે આવી સજા જરૂરી છે, પણ મને સમજાયું કે આ જરૂરી નથી. આ તો ખોટું જ છે. સરવાળે હું એ તારણ પર પહોંચ્યો કે શું સારું છે અને જરૂરી છે એનો નિર્ણય દુનિયાભરના લોકો શું વિચારે છે અને કરે છે એના આધારે ન લેવાનો હોય. આમાં તો હું અને મારું હૈયું જે કહે તે જ સાચું.
પ્રગતિ વિશેની અંધશ્રદ્ધાના ખોખલાપણાને ઉજાગર કરતી બીજી એક ઘટના મારા જીવનમાં બની. મારો એક ભાઈ મૃત્યુ પામ્યો. એ સ્માર્ટ હતો, ભલો હતો, ગંભીર હતો. નાની વયે એને એક મોટી બીમારી લાગુ પડી. એક વર્ષથી પણ વધુ સમય સુધી એ ખૂબ જ રિબાયો. એ શા માટે જીવ્યો અને શા માટે મરી ગયો એ બધી વાતો સમજ્યા વિના જ એ મૃત્યુ પામ્યો. મૃત્યુ તરફની એની એ ધીમી અને અત્યંત પીડાદાયક યાત્રા દરમિયાન દુનિયાની કોઈ પણ થિયરી મને કે મારા ભાઈને એ ન સમજાવી શકી કે આ જીવન-મૃત્યુ છે શું.
જોકે, આ બેય ઘટના અપવાદરૂપ હતી. આ અપવાદો બાદ કરતાં, હકીકત તો એ જ હતી કે હું પ્રગતિવાદી વિચારધારાને વળગી રહીને એનો પ્રચાર કરતો રહ્યો. એ મારી જે વિચારધારા હતી એને મેં ત્યારે કંઈક આવા શબ્દોમાં વ્યક્ત કરી હોતઃ ‘બધું જ વિકસી રહ્યું છે. હું પણ વિકસી રહ્યો છું. બધાની સાથોસાથ હું કઈ રીતે વિકસી રહ્યો છું એ વાત આજે નહીં તો કાલે સ્પષ્ટ થશે જ.’
વિદેશયાત્રા કરીને રશિયા પાછા ફર્યા બાદ હું મારા ગામડે જઈને રહ્યો. ત્યાં હું મજૂરોના બાળકો માટેની શાળાઓ (ઊભી કરવા)માં પરોવાયો. આ કામ મને માફક આવે એવું હતું. શહેરમાં બૌદ્ધિકોના જૂઠ સાથે પનારો પાડવા કરતાં આ કામ મને ગમે એવું હતું. અલબત્ત, અહીં પણ હું વિકાસ-પ્રગતિની દિશામાં જ શિક્ષણકાર્ય હાથ ધરી રહ્યો હતો. હા, એટલું ખરું કે હવે હું પ્રગતિને ક્રિટિકલી, સમજીવિચારીને, માપીતોલીને જોઈ રહ્યો હતો. હું મારી જાતને એવું કહી રહ્યો (મનાવી રહ્યો) હતો કે પ્રગતિના કેટલાંક પાસાંને અન્ય લોકો ખોટી રીતે અપનાવી રહ્યાં હતા, જ્યારે હું તો હું સાવ સામાન્ય ગ્રામીણ લોકોને, એમના બાળકોને ભરપૂર મોકળાશ આપી રહ્યો છું અને પ્રગતિ માટે કયો રસ્તો પસંદ કરવો એની એમને છૂટ આપી રહ્યો છું.
હકીકતમાં હું એક ઉકેલી ન શકાય એવા સમસ્યાની અંદર ગોળગોળ ફરી રહ્યો હતો. તે સમસ્યા આ હતીઃ શું શીખવવું એની ખબર ન હોવા છતાં શીખવવું.
જાણ્યા વિના જણાવવું, આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. ખુદને રસ્તાની ખબર ન હોવા છતાં પથદર્શક બનવાની ખેવના, અધૂરા ઘડાનું છલકાવું... ઝીણી નજરે જોતાં આ બધું ચોતરફ જોવા મળી શકે, આપણી અંદર પણ જોવા મળી શકે. દુનિયા આવી હોવી જોઈએ, માણસે આવી રીતે જીવવું જોઈએ... આવું બધું આપણે બધાં પણ વત્તેઓછે કહેતાં જ હોઈએ છીએ. મોટીમોટી વાતો છોડો, દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ ત્યાંથી માંડીને કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ એવી નાનીનાની વાતે પણ આપણે એવી રીતે વ્યક્ત થતાં હોઈએ છીએ જાણે એ બાબતે આપણે બધું જ જાણીએ છે અને કેવળ આપણે જ જાણીએ છીએ, સામેનો માણસ નહીં.
ટોલ્સ્ટોય પોતે મહાન વિદ્વાન હોવા છતાં, અથવા એ સાચા અર્થમાં વિદ્વાન હતા એટલે જ, એ સમજી શક્યા કે હું શીખવી તો રહ્યો છું, પરંતુ શું શીખવવું જોઈએ એની મને ખબર છે ખરી?
આ અત્યંત અણિદાર સવાલ સાથે એમણે કઈ રીતે પનારો પાડ્યો એ વિશે, હવે પછી.
