એક જમાનામાં બીબીસી (ધ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન)ની ધમાકેદાર શાખ હતી, ખાસ કરીને સમાચારની સત્યતાના સંદર્ભે. ઇવન કોઈ નેતાની હત્યાના સમાચાર બીબીસી કહે તો જ સાચા માનવામાં આવે એટલી હદ સુધી તેની પ્રતિષ્ઠા હતી. જોકે, તાજેતરનાં વર્ષોમાં તેની લુચ્ચાઈ, ખંધાઈ અને એક હદ સુધીની હલકટાઇને કારણે ગાળ ખાય છે.

થોડા સમય પહેલાં એક રસપ્રદ વાર્તા ફેસબુક પર વાઇરલ થઈ હતી. ફેસબુક તો ફેસબુક છે, લોકોને રસપ્રદ લાગે એટલે માંડે શેર કરવા. લોકો શેર કરતા ગયા અને વાત ફેલાતી ગઈ. સિંહો ફેમસ થઇ ગયા. હિન્દી ફિલ્મોની વાર્તાની જેમ આ ઘટના પણ વીસ વર્ષ પહેલાંની છે. 2005માં બીબીસી ન્યૂઝ અને એનબીસી ન્યૂઝ જેવાં આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પણ ઘટના સમાચાર તરીકે આવરી લેવામાં આવી હતી. એક રોમાંચક તેમજ કુદરત અન્યાય સામે ઊભી રહે છે તે દર્શાવે એ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી.

એક 12 વર્ષની છોકરી ભયાનક સંજોગોમાં ગાયબ થઈ જાય છે અને પરિસ્થિતિ એક દુ:ખદ અંત તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે. છોકરી ક્યાં ગઈ, કોણ લઇ ગયું તે કોઈ જાણતું નથી. ઇથોપિયાના બીટા જેનેટ પ્રદેશમાં એક છોકરી, જેના એક શ્રીમંત સ્થાનિક સાથે બળજબરીથી લગ્ન થવાનાં હતાં. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે ઇથોપિયામાં 70 ટકાથી વધુ લગ્ન અપહરણ દ્વારા થાય છે એટલે તેમાં કંઈ નવાઈ નથી.

પણ નવાઈની વાત હવે શરૂ થાય છે. એક અઠવાડિયાથી ગુમ થયેલી છોકરીને એડિસ અબાબાથી લગભગ 500 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં પ્રાંતીય રાજધાની બીટા જેનેટ લઈ ગયા હતા અને છોકરીને એક અઠવાડિયા સુધી દૂરના વિસ્તારમાં પકડી રાખી હતી, વારંવાર માર માર્યો હતો. 9 જૂને બીટા જેનેટની બહાર પોલીસ અને સંબંધીઓ દ્વારા તેને શોધી કાઢવામાં આવી હતી. બીબીસી ન્યૂઝ અનુસાર જૂન 2005માં 12 વર્ષની છોકરીનું ચાર પુરુષો દ્વારા શાળાએથી ઘરે જતી વખતે અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી જે બન્યું તે અકલ્પનીય બન્યું.

એક સિંહ ઊંચા ઘાસ પરથી કૂદ્યો. ગભરાટ ફેલાયો. અપહરણકર્તાઓ છોકરીને છોડીને ડૂબતા વહાણમાંથી ભાગતા ઉંદરોની જેમ ભાગી ગયા. છોકરી સુરક્ષિત રહી. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક, સિંહોએ છોકરીને સ્પર્શ કર્યો નહીં. બે આખા દિવસ સુધી તેઓ તેની આસપાસ ચોકી કરતા રહ્યા, તેનું રક્ષણ કરતા રહ્યા. પુરુષો છોકરીને લઈને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ત્રણ આફ્રિકન સિંહોએ તેમનો પીછો કર્યો હતો. બીબીસીએ સ્થાનિક પોલીસ સાર્જન્ટ વોન્ડમુ વેડાજને ટાંકીને કહ્યું કે, `સિંહો તેની ચોકી કરતા રહ્યા જ્યાં સુધી પોલીસ અને પરિવાર તેને શોધી ન શક્યા અને પછી તેઓએ તેને ભેટ તરીકે છોડી દીધી.'

કેટલાક સિંહ નિષ્ણાતોએ આ વાર્તાની વિશ્વસનીયતા અંગે શંકા વ્યક્ત કરી છે. તેમનું માનવું હતું કે, `સિંહો કદાચ તેને ખાવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોલીસ અને અન્ય લોકો પહોંચી ગયા હતા અને તેમને અટકાવ્યા હતા.' જ્યારે આ પ્રદેશમાં માણસો પર સિંહોના હુમલાઓ ઘણીવાર બન્યા છે, તેઓએ હુમલો કેમ ન કર્યો? નિષ્ણાતોએ ઘણી પૂર્વધારણાઓ રજૂ કરી. એક છે કે બાળકીનો રડવાનો અવાજ ખોવાયેલા સિંહના બચ્ચાના રડવા જેવો હતો, જે રક્ષણાત્મક વૃત્તિને ઉત્તેજિત કરે છે. બીજો, વધુ વ્યવહારુ સિદ્ધાંત એ છે કે સિંહો ભૂખ્યા ન હતા. ઇથોપિયામાં સિંહો દ્વારા એક છોકરીને બચાવવાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, પરંતુ ઘટનાના કોઈ ચકાસાયેલ ચિત્ર અથવા વીડિયો ફૂટેજ નથી. જ્યારે છોકરી મળી ત્યારે તે આઘાતમાં હતી. જ્યારે આઘાતમાંથી બહાર આવી ત્યારે માત્ર એટલું જ કહ્યું કે, `હું તેમની બાજુમાં સૂઈ ગઈ. તેઓએ મને ક્યારેય ડરાવી નહીં.' સિંહોએ તેનામાં શું જોયું તે, આફ્રિકન સિંહોની રસપ્રદ વાર્તા સાચી હશે કે એપ્રિલ ફૂલ તે પેલા ત્રણ સિંહો જાણે કે પછી પેલી બાર વરસની છોકરી જાણે!