ગુણધર્મો
આપણા મસાલાઓની સૂચિમાં મુખ્ય છે, ધાણા, જીરું, અજમો, વરિયાળી, સૂંઠ, મરી, પીપર, કોકમ, નમક, હિંગ, મરચાં, રાઈ, મેથી, એલાયચી, તજ, તમાલપત્ર, કેસર, લવિંગ, ડુંગળી, લસણ, આદું, હળદર, ફુદીનો, મીઠો લીમડો, ગંઠોડા વગેરે.
આહારમાં મસાલાના ઉચિત ઉપયોગથી જ આહાર સ્વાદિષ્ટ બને છે અને વધારે ખાઈ શકાય છે. આ તીખા, તૂરા, ચટપટા, ખટમધુરા અને સુગંધિત મસાલાના સ્મરણ માત્રથી કે બાજુના ઘરમાંથી આવતી વઘારની સુગંધથી જ મોઢામાં પાણી છૂટવા લાગે છે. ઘણી વખત તો આવા મધુર સુગંધિત આહારની સુગંધ માત્રથી જ પાચનતંત્રમાં પાચક રસો(એન્ઝાઈમ્સ)નો સ્રાવ વધી જાય છે.
મસાલાનો ઉપયોગ ચટણી, અથાણાં, પાપડ, મુરબ્બો, રાયતાં, સૂપ, કઢી, દાળ, શાક, પકવાન વગેરેમાં થાય છે અને તેને લીધે જ આહારમાં તીખાશ, તૂરાશ, ખટાશ, મીઠાશ, સુગંધ અને સ્વાદિષ્ટતા ઉત્પન્ન થાય છે તથા આહારની આકર્ષકતા અને રંગ પણ આ મસાલાઓને જ આભારી છે.
મસાલાના ઔષધીય ગુણો
આહારમાં મસાલાના સૌથી મહત્ત્વપૂર્ણ ગુણ એ તેમાં રહેલા ઔષધીય ગુણો છે. વિવિધ મસાલાનાં દ્રવ્યોનો ઉકાળો, ચૂર્ણ, ચાટણ, ચટણી, પાક, અવલેહ, મુરબ્બા વગેરેમાં ઉપયોગ થાય છે, જે એક પ્રકારનાં ઔષધો જ ગણાવાય છે. આવા ઔષધયોગ(કોમ્બિનેશન) રૂપે મસાલાનાં દ્રવ્યો પીડાહર, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, મળને સરકાવનાર અને પાચનતંત્રને ઉત્તેજિત કરનાર હોય છે.
આ મસાલાનો જો ઉચિત માત્રામાં ઉપયોગ થાય તો જ તેના ઔષધીય ગુણોનો લાભ મળે છે. તેના અતિ કે સતત ઉપયોગ દાહ, એસિડિટી, અલ્સર, શૂળ, ઊબકા, ઊલટી, ઝાડા અને અનિંદ્રા પણ ઉત્પન્ન થઇ શકે છે. ટૂંકમાં, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, મસાલાનાં દ્રવ્યો યોગ્ય માત્રામાં પ્રયોજાય તો તે આરોગ્યપ્રદ અને અતિ માત્રામાં રોગોત્પાદક બને છે.
મસાલામાં આ બધા ગુણો હોવા છતાં મસાલેદાર ભોજન ખાવાથી તેની પોષણ ક્ષમતામાં ખાસ કંઈ ફરક પડતો નથી. મસાલાનાં દ્રવ્યોમાં એવાં કેટલાંક જ દ્રવ્યો કે જેમાંથી વિટામિન એ, સી અને બી પ્રાપ્ત થાય છે. લીંબુ, આમળાં, આમચૂર, આમલી, કોકમ, કાચી કેરી વગેરે વિટામિન `સી' આપનાર દ્રવ્યો છે. મસાલાનાં દ્રવ્યોમાંથી આ ઉપરાંત કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ પણ થોડી માત્રામાં મેળવી શકાય છે.