જીવન શું છે? જીવવાનો કોઈ અર્થ છે ખરો? છેવટે તો મરી જ જવાનું છે. કૂવામાં ડાળી પકડીને લટકેલા માણસ જેવી આપણા સૌની હાલત છે. તળિયે મોત ડાચું ફાડીને બેઠું છે, કૂવાની ધારે પણ જીવલેણ પ્રાણી ફાડી ખાવા તત્પર છે. આવી લટકેલી હાલતમાં પાંદડા પર પડેલાં મધનાં ટીપાં ચાટવાથી આવી આવીને કેટલી મજા આવે?

આવું નોંધ્યા પછી ટોલ્સ્ટોય એમની આત્મકથામાં આગળ લખે છે...

મારી પાસે આવાં મધનાં બે ટીપાં હતાં, જે બે ઘડી રાહત આપી શકે. એમાંનું એક ટીપું હતો મારો પરિવાર અને બીજું હતું લેખન, પરંતુ હું (હતાશાના) એ સ્તરે પહોંચ્યો હતો, જ્યાં આ બે ટીપાં પણ મને ગળ્યાં નહોતાં લાગી રહ્યાં.

પ્રથમ ટીપા વિશે એટલે કે પરિવાર વિશે મેં વિચાર્યું: `પરિવાર... પણ આ મારી પત્ની અને બાળકો પણ છેવટે તો માણસ જ છે. એ પણ મારી જ માફક ભેરવાયેલાં છે. એમની પાસે પણ બે જ વિકલ્પ છેઃ યા તો (મધનાં ટીપાંના સુખદ) ભ્રમમાં રાચવું અથવા મારી જેમ જીવનની ભયાનકતાની સચ્ચાઈ જોવી. એ લોકો પણ શેના માટે જીવી રહ્યાં છે? હું શા માટે એમને ચાહું છું, એમની સંભાળ રાખું છું, એમને (સંતાનોને) ઉછેરું છું, એમના પર નજર રાખું છું? એ પણ મારી માફક હતાશાના આ સ્તરે પહોંચશે અથવા (ભયાનક સચ્ચાઈ સામે નહીં જોઈને) ડોબા બની રહેશે. હું જો ખરેખર એમને ચાહતો હોઉં તો મારે એમની સામે જીવતરની ભયાનકતાની સચ્ચાઈ ઉજાગર કરવી જ જોઈએ. જીવનનું પ્રત્યેક પગલું મારા પરિવારજનોને પણ આ જ સત્ય તરફ દોરી રહ્યું હતું અને એ સત્ય હતું, મોત.'

રહી વાત બીજા ટીપાની, એટલે કે કળા-લેખનની. આમ તો મને ખબર જ હતી કે હું પોતે તેમજ મારાં લખાણો મારા મૃત્યુ બાદ કાળની અંધારી ગર્તામાં ધકેલાઈને વિસરાઈ જવાનાં હતાં. છતાં લેખક તરીકેની (પ્રચંડ) સફળતા અને વખાણોથી પ્રેરાઈને હું વર્ષો સુધી મારા મનને એ વાતે મનાવતો રહ્યો કે લેખન એક કરવા જેવું કામ છે. પણ છેવટે બહુ ઝડપથી (46-47ની ઉંમરે) મને સમજાયું કે લેખન વિશે હું ભ્રમણામાં રાચી રહ્યો હતો. મને સમજાયું કે કળા તો જીવનનું ફક્ત એક બાહ્ય ઘરેણું છે. સ્વયં જીવન જ મને મોહક નહોતું લાગી રહ્યું તો પછી હું મારાં લખાણો દ્વારા લોકોને જીવનનું (અને બાહ્ય ઘરેણાંઓનું) સૌંદર્ય કઈ રીતે દેખાડી શકું?

અગાઉ મને સાહિત્ય અને કળામાં જીવનનું પ્રતિબિંબ દેખાતું હતું અને એ પ્રતિબિંબ મને પ્યારું લાગતું હતું, પરંતુ ત્યારે હું જાતે નહોતો જીવી રહ્યો, જીવન મને તાણી રહ્યું હતું અને એ તબક્કે જીવન ખરેખર શું છે એનું મને ભાન નહોતું. પછી જ્યારે મેં જીવનના અર્થની શોધ આદરી ત્યારે મને સમજાયું કે બાહ્ય પરિબળોથી તમારું જીવન દોરવાતું હોય તો તમે જીવનનો અર્થ સમજી શકો નહીં. એ અર્થ સમજવા માટે જાતે જીવવું પડે, જાગવું પડે અને હું જાગ્યો, જાતે જીવતો થયો ત્યારે સાહિત્ય-કળાના અરીસામાં જાતને જોવાનું મને બિનજરૂરી તો ઠીક, પીડાદાયક લાગ્યું, કારણ એ અરીસામાં મારી જે છબિ મને દેખાઈ એ મૂરખ અને વ્યાકુળ માણસની હતી.

અગાઉ કળા-સાહિત્યના આ જ અરીસામાં દેખાતા પ્રકાશ અને અંધકારના ખેલ, રમૂજ, ટ્રેજેડી, સંવદેનશીલતા, સૌંદર્ય, ભયાનકતા વગેરેની લીલાથી દિલ બહેલાવવામાં મને કશું વાંધાજનક લાગતું નહોતું, કારણ કે ત્યારે મારા દિલમાં ઊંડે ઊંડે એવી શ્રદ્ધા હતી કે જીવનનો કંઈક તો અર્થ છે, પરંતુ પછી મને જ્યારે સમજાયું કે જિંદગી તો નકામી અને ભયાનક છે ત્યારે કળા-સાહિત્યના અરીસામાં દેખાતી રંગલીલામાંથી મારો રસ ઊડી ગયો.

મધનાં ટીપાં ગમે તેટલાં ગળ્યાં હોય તો પણ હું એ ગળપણ અનુભવી શકું તેમ નહોતો, કારણ કે મારું ધ્યાન તો સતત કૂવાના તળિયે મોં ફાડીને બેઠેલા ડ્રેગન (મોત) સામે હતું અને હું જે ડાળીને વળગી રહ્યો હતો એ ડાળીને કોતરી રહેલા કાળા-ધોળા ઉંદરો (દિવસ-રાત) પર હતું.

વાત ખાલી આટલી જ નહોતી. મને ફક્ત એટલું સમજાયું હોત કે જિંદગી નિરર્થક છે તો એ વાત મેં શાંતિથી સ્વીકારી લીધી હોત. મેં માની લીધું હોત કે છોડો, આ જ નિયતિ છે. મારી સમસ્યા એ હતી કે આ સચ્ચાઈ મને ભારે બેચેન બનાવી રહી હતી, દોડાવી રહી હતી. જંગલમાં ભૂલા પડેલા માણસ તરીકે જો મેં સ્વીકારી લીધું હોત કે બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી, તો ચાલી ગયું હોત, પણ હું એવો માણસ હતો જે જંગલમાં ભૂલા પડ્યાની લાગણીથી એકદમ ડરી ગયો હતો અને એક પણ ઘડી થોભવાને બદલે સતત આમથી તેમ ભાગંભાગી કરી રહ્યો હતો. આ દોડધામ વખતે મને અંદરથી સમજાતું હતું કે હું જેટલો વધુ દોડીશ એટલો વધુ ભટકી જવાનો હતો, પણ હું શું કરું? હું અટકી શકતો નહોતો.

આ હતી સૌથી ભયાનક બાબત. એમાંથી છટકવા માટે મને લાગ્યું કે મારે મરી જવું જોઈએ. મને મારું જે ભવિષ્ય (બુઢાપો, બીમારી, મોત) દેખાઈ રહ્યું હતું એ મારા વર્તમાન કરતાં પણ ઘણું વધારે ભયંકર હતું. હું એ ભવિષ્યને મારી નજર સામેથી ખસેડી પણ નહોતો શકતો અને શાંતિથી બેસીને એ ભવિષ્યના આગમનની રાહ પણ જોઈ નહોતો શકતો. હું એ સમજી શકતો હતો કે હું કશું પણ ન કરું તો પણ હૃદયની એકાદ મોટી નસ ફાટી જવાથી કે બીજું કશુંક થવાથી છેવટે ખેલ ખતમ થવાનો જ હતો. છતાં હું શાંતિથી બેસીને એ ભાવિ ઘટનાની રાહ જોઈ શકતો નહોતો. ભાવિ અંધકારનો એ ભય અસહ્ય હતો અને એમાંથી વહેલામાં વહેલી તકે છૂટવા માટે ગળાફાંસો ખાઈ લેવો જોઈએ કે જાતને ગોળી મારી દેવી જોઈએ એવું મને લાગી રહ્યું હતું. આ અનુભૂતિ મને આપઘાત તરફ ખેંચી રહી હતી. (ક્રમશઃ)

***

અહીં ફરી એક વાર યાદ અપાવવું જરૂરી છે કે છેવટે લેખકે આપઘાત કર્યો નહોતો અને એ ડિપ્રેશનના વમળમાંથી બહાર આવી શક્યા હતા.