આદિવસોમાં બધા જ મોટાભાગે અલગ અલગ ટૂર્સ એન્ડ ટ્રાવેલ એજન્સીમાં ફોન કરીને પૂછપરછ કરવા માંડ્યા હશે અથવા તો કમ્યૂટરમાં અલગ અલગ સ્થળોનાં પેકેજીસ જોવા લાગ્યા હશે. વેકેશન નજીક છે એટલે ક્યાં ફરવા જઈશું એના ઓપ્શન શોધવા પડે. ઘણા વેલ પ્લાન્ડ લોકોએ તો બુકિંગ કરાવી પણ દીધું હશે, જ્યારે અમુક છેલ્લી ઘડીએ જાગનારા લોકોએ અત્યારે શોધખોળ ચાલુ કરી દીધી હશે. ખેર, કારણ કોઇ પણ હોય ફરવા જવું એ હેતુ મોટાભાગે એક જ હોવાનો. આમેય બાળકોને વેકેશન પડે એટલે ફરવાની ઋતુ પૂરજોશમાં શરૂ થાય. દરેક પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને અલગ અલગ ડેસ્ટિનેશન તરફ જાય અને પોતાના વેકેશનને યાદગાર બનાવી દે. આજે એવા જ એક ડેસ્ટિનેશનની વાત કરવાની છે, જે ઝારખંડના લંડન તરીકે ઓળખાય છે. આ જગ્યા એટલે મેક્લુસ્કીગંજ.
ક્યાં આવેલું છે મેક્લુસ્કીગંજ?
ઝારખંડના કેપિટલ રાંચીથી 40 કિમી.ના અંતરે આવેલી જગ્યા મેક્લુસ્કીગંજને ઝારખંડના લંડન તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા અત્યંત સુંદર અને શાંત છે. મૂળ મેક્લુસ્કીગંજ નાના નાના પહાડોનું શહેર છે. અહીં કુદરતી સૌંદર્ય અદ્ભુત છે. આ જગ્યાને લંડન કહેવા પાછળનું કારણ અહીંનાં જૂનાં મકાનો છે. અહીં બ્રિટિશકાળ દરમિયાન બાંધવામાં આવેલાં ઘણાં મકાનો અને હવેલીઓ આજે પણ યથાવત્ છે. મેક્લુસ્કીગંજના લોકોએ તેને પાડ્યા નથી, જેથી અહીં આવતા પ્રવાસીઓ બ્રિટિશર્સ અહીં હતા ત્યારે કેવાં મકાનો બનાવતાં હતાં એ જોઇ શકે. એ સિવાય અહીં પહાડો અને નદીના સંગમ પણ જોવા મળે છે. બીજું કે ફરવા માટે આ જગ્યા પ્રમાણમાં ઘણી સસ્તી છે. બીજાં ડેસ્ટિનેશનની સરખામણીએ હિલસ્ટેશન જેવું લાગતું મેક્લુસ્કીગંજ પ્રમાણમાં સસ્તું અને સુંદર છે. અહીં એક્સપ્લોર કરવા માટે પણ અનેક જગ્યાઓ છે. આ જગ્યા ઓફબીટ છે એટલે બીજાં ડેસ્ટિનેશનની જેમ અહીં વેકેશનમાં તમને બહુ ભીડ નહીં જોવા મળે. જે પર્યટકો શાંત જગ્યાએ જવાનું પસંદ કરતા હોય એમણે ચોક્કસ આ જગ્યાએ જવું જોઇએ. અહીનાં મકાનોની આર્કિટેક્ચરલ શૈલી પણ ગમી જાય એવી છે. વળી, અહીંના જંગલમાંથી 4થી 5 સુંદર નદીઓ પસાર થાય છે, જે હિમાચલ અને ઉત્તરાખંડના પહાડો તરફ વહે છે. આ બધી જ નદીની આસપાસની જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે.
સસ્તું અને સુંદર
આ જગ્યા ફરવા માટે ત્રણથી ચાર દિવસની પસંદગી કરવી. અહીં રહેવા માટે અઢળક ઓપ્શન મળી જાય છે, જે તમે ઓનલાઇન સર્ચ કરીને જોઇ શકશો. અહીં રહેવાનો ખર્ચ પર ડે આશરે 500 રૂપિયાથી શરૂ થાય છે.
જોવાલાયક સ્થળો
અહીં જોવાલાયક અનેક સુંદર જગ્યાઓ છે, જેમાં પાલમાઉ ફોર્ટ, લોઢ ધોધ, નેતરહટ, નવરત્નગ્રહ, પતરાતુ વેલી તેમજ સનસેટ પોઇન્ટ એમ અલગ અલગ જગ્યાઓ છે. આમાંથી પાલમાઉ ફોર્ટને 3જી સદીમાં બાંધ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યારે નવરત્નગ્રહ પણ એટલો જ જૂનો છે. એ સિવાય મેક્લુસ્કીગંજનું જંગલ અને નદીઓ પણ ખૂબ જ સુંદર છે. આ જગ્યાએ બારેમાસ આવી શકાય એવી છે. અલબત્ત, હિલસ્ટેશન હોવાના કારણે તમે ઉનાળામાં અહીં ચોક્કસ આવી શકો છો.