થોડા વખત પહેલાં `ઇન્ડિયન આઈડલ'ના એક એપિસોડમાં અભિનેતા જીતેન્દ્રએ હાજરી આપી હતી. તેમાં તેમનું એક ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, `જીને કી રાહ'ના ગીત `આને સે ઉસકે આયે બહાર, જાને સે ઉસકે જાયે બહાર'. આ ગીત 1969માં આવેલી તેમની ફિલ્મ `જીને કી રાહ'નું હતું અને તેને મહોમ્મદ રફીએ સ્વરબદ્ધ કર્યું હતું.
જીતેન્દ્રએ આ ફિલ્મ વિશે રસપ્રદ વાત કરી હતી. આ તેમની શરૂઆતના દોરની ફિલ્મ છે. લગભગ અગિયારમી. 1959માં વી. શાંતારામની `નવરંગ' ફિલ્મથી રવિ કપૂર ઉર્ફે જીતેન્દ્રએ તેમની ફિલ્મી યાત્રા શરૂ કરી હતી. તેમાં તેમની ભૂમિકા (`તૂ છૂપી હૈ કહાઁ, મૈં તડપતા યહાં' ગીત વખતે) ટોળામાં ઊભા રહેનારા જુનિયર આર્ટિસ્ટની હતી. ચાર વર્ષ પછી `ગીત ગાયા પથ્થરોં ને' ફિલ્મથી શાંતારામે જીતેન્દ્રને મુખ્ય ભૂમિકામાં પેશ કર્યા.
જીતેન્દ્રની શરૂઆતની ફિલ્મો સામાજિક વિષયો આધારિત હતી. તેમની રોમેન્ટિક અને ડાન્સિંગ સ્ટારની ઈમેજ તો પાછળથી બની. સામાજિક ભૂમિકાઓ જીતેન્દ્રના વ્યક્તિત્વને માફક પણ આવતી હતી, કારણ તેમના હાવભાવ અને મેનર્સ મધ્યમવર્ગીય પરિવારના એક સાધારણ દીકરા જેવા હતા.
`જીને કી રાહ' એ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ તેનું મુખ્ય કારણ તો લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આનંદ બક્ષી અને રફી-લતાની જોડીએ આપેલાં કર્ણપ્રિય ગીતો તો હતાં જ. લક્ષ્મી-પ્યારે અને લતાબાઈને તેના માટે તે વર્ષનો ફિલ્મફેર પણ મળ્યો હતો.
ઉપર જેનો ઉલ્લેખ કર્યો તે ઉપરાંત બીજાં ચાર ગીતો પણ બહુ લોકપ્રિય થયાં હતાં લતાના અવાજમાં. `આપ મુઝે અચ્છે લગને લગે, મેરી દુનિયા મેરે સપને અબ સજને લગે', લતા-રફીનું `આ મેરે હમજોલી આ, ખેલે આંખ મિચોલી આ', રફીનું `ચાંદ કો ઢૂંઢને તારે સભી નીકલ પડે' અને `એક બંજારા ગાયે, જીવન કે ગીત સુનાયે' આજે પણ સાંભળવા ગમે તેવાં છે.
સાથે બીજું કારણ જીતેન્દ્રની પારિવારિક જવાબદારીઓથી દબાયેલા એક મજબૂર યુવાનની ભૂમિકા હતી. ફિલ્મમાં તે નાની ઉંમરે પરણી ગયેલા મોહન નામના એક એવા યુવાનની ભૂમિકા કરે છે, જેના માથે પત્ની, 5 વર્ષની દીકરી, માતા, બે બહેનો અને બે ભાઈઓનાં પેટ પાળવાની જવાબદારી છે.
પૈસા કમાવાની લાહ્યમાં મોહન શહેરમાં એક અમીર બિઝનેસમેન કમલરાય (મનમોહન કૃષ્ણા)ને ત્યાં સેક્રેટરીની નોકરી મેળવે છે. કમલરાયની શરત છે કે સેક્રેટરી અપરિણીત હોવો જોઈએ. મોહન જૂઠું બોલે છે કે તેનાં લગ્ન
થયાં નથી.
દરમિયાનમાં કમલરાયની દિલની બીમારીથી પીડાતી દીકરી રાધા (તનુજા) વિદેશથી પાછી ફરે છે. મોહન તેની પણ સંભાળ રાખે છે. એમાં રાધાનું દિલ સાજું થવા લાગે છે એટલું જ નહીં, તે મોહનના પ્રેમમાં પણ પડી જાય છે. મોહન માટે હવે દુવિધા ઊભી થાય છે.
બીજી તરફ તેને ખબર નથી કે તે ઘરે જે પૈસા મોકલે છે તે તેની લાલચી બહેન દુર્ગા (બેલા બોઝ) સગેવગે કરી રહી છે. અંતત: તે પરિવારને રઝળતો કરી મૂકે છે અને મોહનની પત્ની શોભા અને માતા તેનાં બાળકો સાથે શહેરમાં આવે છે. હવે મોહન, રાધા અને શોભાનો ભેટો થવો અનિવાર્ય હતો. મોહન કેવી રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે છે તે ફિલ્મનો મુખ્ય ભાગ હતો.
જીતેન્દ્રની ફિલ્મ એવા સમયે આવી હતી જ્યારે રાજેશ ખન્નાનો સિતારો ચમકી રહ્યો હતો. તે વર્ષે જ ખન્નાની બ્લોકબસ્ટર `આરાધના', `દો રાસ્તે', `બંધન', `ડોલી' અને `ઇત્તેફાક' આવી હતી. જીતેન્દ્ર અને રાજેશ ખન્ના મુંબઈની સિદ્ધાર્થ જૈન કોલેજમાં સાથે ભણ્યા હતા અને સાથે જ ફિલ્મ જગતમાં સંઘર્ષ કરતા હતા.
જીતેન્દ્રએ ફિલ્મોમાં પહેલાં શરૂઆત કરી હતી. તે વખતે પંજાબીમાં રવીન્દ્ર ઉર્ફે રવિકુમાર નામનો એક જાણીતો અભિનેતા હતો. એટલે તેના નામની સાથે ગોટાળો ન થાય એટલે રવિ કપૂરે પોતાનું નામ જીતેન્દ્ર રાખ્યું હતું. બીજી બાજુ જતીન ખન્ના ફિલ્મોમાં આવ્યો ત્યારે જીતેન્દ્ર સાથે ગૂંચવાડો ન થાય તે માટે પોતાનું નામ રાજેશ ખન્ના રાખી દીધું હતું.
`જીને કી રાહ' તે વર્ષની ચોથી સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ હતી. પહેલા ત્રણ ક્રમે હતી, આરાધના, દો રાસ્તે, એક ફૂલ દો માલી (સાધના-સંજય ખાન) અને પ્રિન્સ (શમ્મી કપૂર- વૈજયંતી માલા). તે સમયે જીતેન્દ્રની ફિલ્મે 1 કરોડ 60 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન મૂળ આંધ્રપ્રદેશના પણ મુંબઈમાં કારોબાર જમાવનાર ફિલ્મનિર્માતા, નિર્દેશક, બિઝનેસમેન એલ. વી. પ્રસાદે કર્યું હતું. `જીને કી રાહ' મૂળ તેલુગુ ફિલ્મ `બ્રતુકુ તેરુવુ'ની હિન્દી રિમેક હતી.
`ઇન્ડિયન આઈડલ'માં જીતેન્દ્રએ કહ્યું હતું કે આ ફિલ્મ તેમના જીવનમાં નિર્ણાયક હતી. પ્રસાદે આ ફિલ્મ માટે સંપર્ક કર્યો ત્યારે જીતેન્દ્રએ તરત જ હા પાડી દીધી હતી. એ જ વખતે સુબોધ મુખર્જીએ `અભિનેત્રી' ફિલ્મ માટે જીતેન્દ્રને ઓફર કરી હતી. આ ફિલ્મ ઘણી મોટી હતી, કારણ કે તેમાં તે વખતની ડ્રીમગર્લ હેમા માલિની માટે મુખ્ય ભૂમિકા હતી.
જીતેન્દ્રને આ ફિલ્મ કરવી હતી, પણ તારીખો નહોતી, એટલે તેમણે પ્રસાદજીને વિનંતી કરી કે `જીને કી રાહ'માંથી તેને મુક્ત કરે. મોટા દિલના પ્રસાદે જીતેન્દ્રને આશીર્વાદ સાથે રજા આપી. મુખર્જીએ હેમાને મનાવવાનું કામ જીતેન્દ્રને સોપ્યું હતું. એટલે જીતેન્દ્ર જાતે જઈને હેમાની મંજૂરી લઇ આવ્યા.
વિધિની વક્રતા કહો કે આંતરિક ખટપટ, `અભિનેત્રી' ફિલ્મની જાહેરાત થઇ તેમાં હેમા માલિનીની સાથે શશીકપૂરનું નામ હતું, જીતેન્દ્રનું નહીં. ટૂંકમાં, જીતેન્દ્રને `અભિનેત્રી'માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમને જાણ પણ કરવામાં આવી નહોતી.
`અભિનેત્રી' માટે થઈને તેમણે `જીને કી રાહ' છોડી હતી અને હવે તેમના હાથમાંથી એ પણ જતી રહી હતી. જીતેન્દ્રની સ્થિતિ `ના ઘરના ના ઘાટ'ના જેવી થઇ ગઈ. તે પાછા પ્રસાદજી પાસે ગયા અને આખી વાત કહી અને વિનંતી કરી કે તેમને પાછા `જીને કી રાહ'માં લેવામાં આવે. વિશાળ હૃદયના પ્રસાદે જીતેન્દ્રને આવકાર્યા અને એવી ફિલ્મ બનાવી કે બોક્સ ઓફિસ પર હિટ ગઈ અને જીતેન્દ્રની કારકિર્દીને ધક્કો મારતી ગઈ. એ કહેવાની જરૂર નથી કે હેમા માલિનીની `અભિનેત્રી' પિટાઈ ગઈ હતી!
