એક લીડરની કોમ્યુનિકેશન સ્કિલ્સ કેવી હોવી જોઈએ એના પર આપણી વાત થઈ રહી છે ત્યારે એક મહત્ત્વનો મુદ્દો પ્રતિભાવ-પ્રતિક્રિયા અથવા રિસ્પોન્સ પણ છે. આખરે પ્રતિભાવ અથવા પ્રતિક્રિયા પણ કોમ્યુનિકેશનનો જ એક ભાગ છે. વળી, આ પ્રતિભાવ અથવા તો પ્રતિક્રિયાથી જ માણસનાં કામ બનતાં કે બગડતાં પણ હોય છે. આ બાબતે પિતામહ ભીષ્મે ખપમાં આવે એવી સલાહો આપી છે. તેમણે કહ્યું છે કે પ્રતિભાવ કેવો આપવો કે પ્રતિક્રિયા કેવી આપવી એ પણ કળા છે. જો લીડરને એમાં કુશળતા પ્રાપ્ત નહીં થાય તો તે તેના ભલભલાં કામ બગાડી દેશે, કારણ કે પ્રતિભાવ અથવા પ્રતિક્રિયા પર આવેશનું પ્રભુત્વ હોય છે અને આવેશ મોટાભાગે ઉગ્રતા અને ઉચાટ સાથે આવતો હોય છે.

આ કારણે જ પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે કે તેની સામે જ્યારે કોઈ પણ વાત, વ્યક્તિ કે સંજોગ ઉપસ્થિત થાય ત્યારે તેણે તરત જ પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવાનું ટાળવું. ઓન અ સેમ નોટ, લીડરે તેનો પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવામાં એટલું પણ મોડું ન કરવું કે ઘોડા નાસી જાય પછી તબેલાને તાળા મારવાની નોબત આવે. જોકે, ભીષ્મે વધુ ફોક્સ ત્વરિત પ્રતિભાવ પર કર્યું છે. તે કહે છે કે માણસ એ સંવેદનોનું, ભાવોનું પોટલું છે. એટલે સ્વાભાવિક જ એક માણસ તરીકે તેની સામે રજૂ થતી કરુણ બાબતો અથવા તેની સામે રજૂ થતાં છળ કે તેની સામે રજૂ થતાં અપમાનો સામે માનવસહજ પ્રતિભાવો આપે, પરંતુ એક લીડરને એ ન ચાલે.

કારણ કે દરેક પ્રતિભાવ કે પ્રતિક્રિયાની સામે પણ પ્રતિભાવો કે એક્શન્સ આવતા હોય છે. જેના કારણે લીડરને નુકસાન થઈ શકે છે. ભીષ્મ કહે છે કે પ્રતિભાવ આપતી વખતે લીડરની અંદર આક્રોશ, ઉચાટ કે ભાવુકતા ન હોવાં જોઈએ. કોઈ પણ પ્રસંગ કે સંજોગમાં માણસ જ્યારે પ્રતિભાવ આપે છે ત્યારે ક્યાં તો એ કટુવચનો બોલે છે અથવા તો તે કોઈ નકામાં, અશક્ય અથવા તેના માટે નુકસાનકારક હોય એવાં વચનો આપે છે. યાદ છેને દશરથે એક વાર કૈકેયીની આવી જ ભાવુકતામાં વચન આપ્યું હતું. તો દ્રૌપદીએ પણ પાણીમાં ખાબકતા દુર્યોધનને જોઈને ખીખીયાટા કાઢીને કહ્યું હતું કે આંધળાના છોકરા આંધળા જ હોય! આ બંને ઘટનાઓ સૂક્ષ્મ કે પ્રત્યક્ષ રીતે યુદ્ધ અને વિધ્વંશ માટે જવાબદાર હતી અને આ બંને ઘટનાઓ એ પ્રતિભાવ કે પ્રતિક્રિયા જ હતી.

આ માટે ભીષ્મ કહે છે કે ન ગમતી કે કરુણ કે ભાવુક ઘટનાઓ વખતે લીડરે થોડી ક્ષણો જવા દેવાની, તેની અંદર ઉદ્ભવેલા આક્રોશ અથવા તો ભાવુકતાના ઊભરાને શાંત થઈ જવા દેવાના છે અને પછી પોતાના લાભ કે નુકસાનનો થોડો વિચાર કરીને તેણે સંયમિત રીતે તેની પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપવાના છે. બાકી, ધૂધૂધૂ કરી નાંખશો તો ભડકા પણ થશે અને નુકસાન પણ થશે. આવા કિસ્સામાં એમ પણ બની શકે કે તમારી સામે રજૂ થતી કોઈક ઘટના કદાચ સાવ નાની હશે અથવા તો તેનું તમારા જીવનમાં કોઈ મહત્ત્વ નહીં હોય, પરંતુ તમે આક્રોશમાં આવીને કે ભાવુક થઈને જે પ્રતિક્રિયા આપી દો છો એ તમારા જીવનમાં અનેક મોટા પ્રશ્નો, દુશ્મનાવટો કે વેચાતી લીધેલી જવાબદારીઓ લઈને આવે છે.

એટલે આ બાબતે શાણપણ દાખવવાનું થાય છે. આવા કિસ્સામાં જરૂર પડે તો નરો વા કુંજરો વા કરી દેવાનું થાય છે, પરંતુ સ્પષ્ટ, સ્ટ્રોંગ ઓપિનિયન્સ આપવાના થતા નથી. આખરે એક લીડરે લાંબા ગાળાનો વિચાર કરવાનો હોય છે. તેના માટે લીડરશિપ અથવા તેનું કામ કે તેનું પદ મહત્ત્વનું હોય છે. પોતાનાં કામ કે પોતાના પદ કે પોતાની સફળતાઓની યાત્રામાં જો તેનો સ્વભાવ કે યોગ્ય પ્રતિભાવ આપવાની અણઆવડત આડે આવવાની હોય તો તેને માટે એ યોગ્ય નથી. આવા લીડર મીડિયોકર બની જતા હોય છે અને માર્કેટમાં તેમની ઝાઝી વેલ્યૂ નથી હોતી, કારણ કે લોકો તેને તેના પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવાની રીતથી, એ દરમિયાન તેણે કરેલા ઊંબાડિયાથી પારખી ગયા હોય છે. હવે લીડરશિપ વિશેની આટલી ઝીણી વાત કે એ ઝીણી વાતથી થતી મોટી અસરો વિશે આટલી સ્પષ્ટ સમજણો કોઈ ગ્રંથમાં કે પર્સનાલિટી ટ્રેનરે સમજાવી નહીં હોય, પરંતુ આપણે લકી છીએ કે આપણને પિતામહ ભીષ્મે મહાભારતકાળમાં જ `શાંતિપર્વ'માં સમજાવી દીધી છે. એ કંઈ ઓછા ગર્વની વાત નથી.