મબલખ દોલત, સુખી પારિવારિક જીવન, જગતભરમાં ખ્યાતિ, આ બધું જ મેળવી લીધા બાદ રશિયન લેખક ટોલ્સ્ટોયને 46-47ની ઉંમરે આ બે સવાલો સતાવવા લાગ્યાઃ આ બધું શા માટે? અને હવે પછી શું?

આ અત્યંત અણીદાર સવાલોની સતામણી એટલી તીવ્ર બની કે ટોલ્સ્ટોયને ડર લાગ્યો કે એ આપઘાત કરી બેસશે. આપઘાતથી બચવા માટે એમણે પોતાના કમરામાંનું દોરડું દૂર મુકાવી દીધું (જેથી ગળેફાંસોની ભૂલ ન થઈ જાય) અને શિકારે જતી વખતે સાથે રાઈફલ લેવાનું બંધ કરી દીધું (જેથી જાનવનરને બદલે જાત પર ગોળી છોડવા મન લલચાઈ ન જાય). આગળની વાત એમના શબ્દોમાં...

મારા મનમાં જે ચાલી રહ્યું હતું એનો સાર આ પ્રમાણે હતોઃ દૂર ક્યાંક કોઈ બેઠું બેઠું મારી સાથે એક વાહિયાત અને ગંદી રમત રમી રહ્યું હતું. અલબત્ત, હું આવા `કોઈ'નું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નહોતો, છતાં મારા મનમાં જે ગડમથલ ચાલી રહી હતી એ તો આ જ રીતે વ્યક્ત થઈ શકે તેમ હતી કે આ પૃથ્વી પર મને ફંગોળીને કોઈ મારી વાહિયાત, ગંદી મજાક ઉડાવી રહ્યું હતું.

દૂર બેઠાં બેઠાં મને જોવાની એને મજા પડી રહી હતી. જિંદગીનાં પહેલાં 30-40 વર્ષ સુધી હું ભણ્યો, વિકસ્યો, શરીર-મનથી પુખ્ત થયો. હવે જ્યારે મારું મન પૂરેપૂરું પુખ્ત થઈ ચૂક્યું છે અને હું ખાણની ધારે ઊભો છું ત્યારે જિંદગી મને તેનો અસલી પરિચય આપી રહી છે અને કહી રહી છે કે મારા જીવનમાં કશું છે જ નહીં, અગાઉ પણ કશું નહોતું અને ભવિષ્યમાં પણ કશું નહીં હોય. હું ડોબા જેવો ઊભો છું ખાણની ધારે અને પેલાને બહુ મજા પડી રહી છે આ બધું જોવાની.'

પણ શું ખરેખર દૂર ક્યાંક કોઈ આવી બેઠું છે ખરું? આવો પાયાનો સવાલ મને થવો તો જોઈએ, પણ અસલમાં મને એ સવાલથી કશો ફરક નહોતો પડતો. (એવું કોઈ હોય તોય ભલે ને ન હોય તોય ભલે.) મારી વિકરાળ સમસ્યા એ હતી કે આખેઆખી જિંદગી તો જવા દો, જીવનના (નાનામાં નાના) એક પણ કાર્યમાં મને કોઈ મતલબ અને સાર્થકતા દેખાતાં નહોતાં. મને સૌથી વધારે નવાઈ તો એ વાતની લાગતી હતી કે બાકીના લોકો જે વાતને બહુ જલદી સમજી ચૂક્યા હતા એ સાવ સાદી વાતને હું એકદમ આરંભે જ કેમ નહોતો સમજી શક્યો કે છેવટે તો માંદગી ને મોત જ છે. છેવટે તો કેવળ સડતા દેહની ગંધ અને કીડાઓ સિવાય કંઈ બચવાનું નથી. મેં જે કંઈ પણ કર્યું એ બધું જ વહેલું કે મોડું ભુલાઈ જ જવાનું છે. તો પછી આ જીવતરની આટલી બધી પંચાતો શા માટે? આ મૂળ વાત સમજ્યા વિના માણસ બસ, એમ જ જીવવાનું ચાલુ કઈ રીતે રાખી શકે? એ તો નશાની અવસ્થામાં જ શક્ય છે. જ્યાં સુધી માણસમાં જીવવાનો નશો હોય ત્યાં સુધી જ એ જીવવાનું ચાલુ રાખી શકે. એક વાર નશો ઊતરી ગયા પછી તો આ સચ્ચાઈ દેખાવાની જ છે કે છેવટે તો આ બધું કેવળ એક મજાક જ છે, ગંદી મજાક, જેમાં કંઈ પણ મજાનું કે રમૂજી નથી. જે છે એ બધું ફક્ત ક્રૂર છે, વાહિયાત છે.

પૂર્વની એક દંતકથા એવી છે કે ઉજ્જડ પ્રદેશમાંથી જઈ રહેલા એક પ્રવાસી પર એક વિકરાળ રાની પશુએ હુમલો કર્યો. પેલો માણસ જીવ બચાવવા એક સૂકા કૂવામાં ઊતર્યો. કૂવાના તળિયે એક વિકરાળ ડ્રેગન મોં ફાડીને, એને ખાઈ જવા માટે ટાંપીને બેઠો હતો. બહાર નીકળે તો પેલું રાની પશુ એને ખાઈ જાય. નીચે પડે તો ડ્રેગન એને ખાઈ જાય. એટલે કૂવાની તિરાડોમાંથી નીકળેલી એક ડાળખીને એ માણસ જડની જેમ વળગીને લટકી રહ્યો, પણ ડાળી પકડી રાખવાને કારણે એના હાથ દુખવા લાગ્યા. એને સમજાઈ ગયું કે વહેલું કે મોડું, નીચે પડીને કે કૂવામાંથી બહાર નીકળીને મરવાનું નક્કી છે. આવામાં એ જેમતેમ ડાળીને વળગી રહ્યો હતો ત્યારે આસપાસમાં નજર દોડાવતાં એનું ધ્યાન બે ઉંદર પર ગયું. એમાંનો એક ઉંદર કાળો હતો અને બીજો ધોળો. એ બેય મળીને એ જ ડાળીને કોતરી રહ્યા હતા, જેને વળગીને એ મુસાફર કૂવામાં લટકી રહ્યો હતો. એ બંને મળીને જેવી ડાળીને પૂરતી કોતરશે કે તરત ડાળી તૂટશે અને પોતે નીચે ડ્રેગનના મુખમાં ખાબકશે એ વાત મુસાફરને બરાબર સમજાઈ ગઈ. એટલામાં એણે ડાળખી પર ઊગેલા એક પાંદડા પર મધનાં કેટલાંક ટીપાં પડેલાં જોયા. એણે જીભ લંબાવીને એ ટીપાં ચાટ્યાં.

મારી હાલત એ મુસાફર જેવી જ હતી.

***

કેવળ ટોલ્સ્ટોયની જ નહીં, સાચું પૂછો તો સમગ્ર માનવજાતની આ જ હાલત છે. આપણે સૌ મોતની રાહ જોતાં જોતાં જિંદગીને વળગીને લટકેલાં છીએ અને ક્યાંકથી મધનાં બે-ચાર ટીપાં જેવું સુખ ચાટીને જીવતરની મજા માણવા મથીએ છીએ.

ટોલ્સ્ટોયની એ વાત સાચી જ છે કે એમણે ટાંકેલી આ કથા અસલમાં પૂર્વની એક દંતકથા છે. એ કથા મહાભારતમાં વિદુરજીના મુખે વિગતે કહેવાઈ છે. વિદુરજીએ પણ વળી એમ કહીને ધૃતરાષ્ટ્રને આ કથા સંભળાવી છે કે અગાઉના જ્ઞાનીઓએ કહેલી આ કથા છે. ટોલ્સ્ટોયે આ કથા ટૂંકમાં પતાવી છે, પરંતુ વેદવ્યાસે મહાભારતમાં એ કથા વધુ વિગતો સાથે સમૃદ્ધ રીતે આલેખી છે.

ટોલ્સ્ટોયની આત્મકથાનો પાયો મહાભારતની આ કથાથી રચાયેલો છે. આત્મકથામાં ટોલ્સ્ટોય વાત તો પોતાની જ કરે છે, પરંતુ એમનો મૂળ રસ એ દર્શાવવામાં છે કે માનવજાતની અસલી સ્થિતિ કેવી છે અને આ સ્થિતિ સાથે પનારો પાડવાની સાચી રીત કઈ હોઈ શકે. ટૂંકમાં, વાત ભલે ટોલ્સ્ટોયના જીવનની ચાલી રહી છે, પણ એને વાંચવી-સમજવી એ રીતે કે આ તો જાણે મારા જ જીવનની વાત છે. (ક્રમશઃ)