હુંજીવું છું શા માટે? ઝંખનાઓ શા માટે? પ્રવૃત્તિઓ શા માટે? જેમાં છેવટે મરી જવાનું નક્કી જ હોય એવા ક્ષણભંગુર અને આકસ્મિક જીવનમાં સાર્થકતા હોઈ શકે ખરી? અને હોય તો એને ક્યાં શોધવી, કઈ રીતે શોધવી?
આવા બધા સવાલોના જવાબ ટોલ્સ્ટોયે જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાંથી મેળવવાની કોશિશ કરી. આત્મકથામાં તેઓ પોતાની આ તલાશ વિશે આગળ લખે છે,
ગણિતમાં અને પ્રયોગો પર આધારિત વિજ્ઞાનમાં મને પહેલેથી રસ હતો. એમાંથી મેળવેલા જ્ઞાનના આધારે મેં મારા મનમાં આવી એક થિયરી વિકસાવેલીઃ `બધું જ વિકસી રહ્યું છે. વૈવિધ્ય સતત વધતું રહે છે. જે સાદું હોય તે વધુ વિશિષ્ટ, સૂક્ષ્મ અને વિકસિત બનતું જાય. આખી સમગ્રતાની આ જ ગતિ છે અને માણસ છેવટે સમગ્રતાનો હિસ્સો હોવાથી એ પણ આ જ વિકાસની ગતિને અનુસરે છે.'
જુવાનીમાં હું મારી આ થિયરીથી સંતુષ્ટ હતો, કારણ કે ત્યારે હું પોતે વિકસી રહ્યો હતો. મારા સ્નાયુ વિકસી રહ્યા હતા, વધુ મજબૂત બની રહ્યા હતા. વિચારવા-સમજવાની મારી ક્ષમતા વધી રહી હતી. એટલે જગતના વિકાસવાળી થિયરી મને યોગ્ય લાગે અને એમાંથી મને જીવન વિશેના સવાલોના જવાબ જડે એ સ્વાભાવિક હતું, પરંતુ પછી મારો વિકાસ અટકવા લાગ્યો. હું વિકસી નહોતો રહ્યો, સંકોચાઈ-સુકાઈ રહ્યો હતો. મારા સ્નાયુ નબળા પડવા લાગ્યા હતા. મારાં દાંત પડવા લાગ્યા હતા. ત્યારે મને સમજાયું કે અવિરત વિકાસની જે થિયરીમાં હું માનતો હતો એ વાહિયાત હતી. અફાટ-અનંત સમગ્રતામાં બધું સતત વિકસી રહ્યું છે એવી મારી થિયરી ઠાલા શબ્દો સિવાય કશું નહોતી.
(છતાં થાક્યા-હાર્યા વિના) વિજ્ઞાન પાસેથી મેં જીવતરને લગતા સવાલોના જવાબો મેળવવાની કોશિશ કરી. વિજ્ઞાન શાનદાર હતું. વિજ્ઞાન ઝળહળતું હતું. એની નવી નવી શોધખોળો આંજી દેનારી હતી. વૈજ્ઞાનિક શોધખોળો રૂપે માણસનું મન જે રીતે નવાં નવાં શિખરો સર કરી રહ્યું હતું એ અહોભાવ જગાવનારું હતું. વિજ્ઞાન જાણે કહેતું હતું: પ્રકાશના નિયમો, રાસાયણિક કોમ્બિનેશન્સ, શરીરનો વિકાસ, મગજમાં ચાલતી ગતિવિધિ. આ બધી બાબતે અમારી પાસે સ્પષ્ટ, ચોક્કસ અને નકારી ન શકાય એવા જવાબો છે.
બીજી તરફ હું જીવું છું શા માટે? આ સવાલના જવાબમાં વિજ્ઞાન કંઈક આવું કહેતું હતું: અનંત સ્થળ-કાળમાં કેટલાક સૂક્ષ્મ કણો (અણુ-પરમાણુ)નો જે એક આકસ્મિક અને કામચલાઉ રાસાયણિક ગઠ્ઠો રચાય છે એ છે માણસનું શરીર અને એ જ છે જીવન. આ ગઠ્ઠામાં જ્યાં સુધી અનંત કોમ્પ્લેક્સિટી સાથે પ્રક્રિયાઓ ચાલતી રહે ત્યાં સુધી માણસ જીવે. એ પ્રક્રિયાઓ બંધ થઈ જાય ત્યારે એ મરી જાય. શરીરની આ ક્રિયાઓ અને સમગ્રતા સાથેની એની આંતરક્રિયાઓને જો તમે સમગ્રપણે સમજી શકો તો તમે શા માટે જીવી રહ્યા છો એ સવાલનો જવાબ મળી જાય (આ તો ઉકેલ સૂચવવાને બદલે વધુ ગૂંચવવા જેવી વાત થઈ).
ટૂંકમાં, જીવન સિવાયના સવાલોના વિજ્ઞાન પાસે એકદમ સ્પષ્ટ, સચોટ, અફર જવાબો હતા, પરંતુ જીવતરને લગતા સવાલોનો જવાબ આપવાનો આવે ત્યારે વિજ્ઞાન ધૂંધળું અને ગોટાળિયું બની જતું હતું. વિજ્ઞાનના કાર્યક્ષેત્ર, અધિકાર ક્ષેત્રમાં જીવનનો સમાવેશ થતો નહોતો. એવી જ સ્થિતિ ન્યાયશાસ્ત્ર, સમાજવિજ્ઞાન જેવા અર્ધ-વિજ્ઞાનની હતી. એની પાસે પણ માનવજીવનની સાર્થકતાના સ્પષ્ટ જવાબો નહોતા. ટૂંકમાં, વિજ્ઞાન અને અર્ધવિજ્ઞાન પોઝિટિવ-હકારાત્મક અને ઉત્સાહી તો હતા, પણ જીવનની સાર્થકતાને લગતા પ્રશ્નો ઉકેલવામાં એનો પનો ટૂંકો પડતો હતો.
આવા સવાલોનો ફિલોસોફી અને અધ્યાત્મના ક્ષેત્રમાં સ્વીકાર થતો હતો ખરો. `હું કોણ છું? બ્રહ્માંડ શું છે? મારું અને બ્રહ્માંડનું અસ્તિત્વ શા માટે છે?' આ બધા સવાલોનો ફિલોસોફી-અધ્યાત્મના ક્ષેત્રમાં ન કેવળ સમાવેશ થતો હતો, બલકે એવું મનાતું હતું કે આ સવાલોના જવાબ આપવા એ જ તો ફિલોસોફીનો મુખ્ય હેતુ છે.
પરંતુ ફિલોસોફી-અધ્યાત્મમાંથી પણ મને મારા સવાલોના સંતોષજનક જવાબો નહોતા મળી રહ્યા. આ શાસ્ત્રો પણ ગોથાં જ ખાતાં હતાં. આ શાસ્ત્રોને પૂછો કે હું શું છું? બ્રહ્માંડ શું છે? તો એ કહેશેઃ બધું જ છે અને કશું જ નથી હોતું. તમે એને પૂછો કે જીવનનો હેતુ શો છે? તો એ કહેશેઃ કશો જ હેતુ નથી. એને પૂછો કે સંસારનો આ આખો હોબાળો છે શા માટે? તો એ કહેશેઃ એ તો છે એટલે છે. (આ તે કંઈ જવાબ થયા?)
વિજ્ઞાન હકારાત્મક અને પ્રકાશિત હતું. ફિલોસોફી નકારાત્મક અને અંધકારમય હતી.
મારી હાલત જંગલમાં ભૂલા પડેલા માણસ જેવી હતી. વિજ્ઞાન મારા માટે એક વૃક્ષ હતું, જેની ટોચે ચડીને હું દૂરદૂર સુધી ઝળહળતો પ્રકાશ અને સુંદર ક્ષિતિજો જોઈ શકતો હતો, પણ એમાં ક્યાંય પેલું ઘર દેખાતું નહોતું જેની મને તલાશ હતી.
અને વિજ્ઞાનના ઝાડ પરથી ઊતરીને હું ફિલોસોફીની ઘનઘોર ઝાડીઓમાં ભટકતો ત્યારે પણ મને જડતો વનનો અંધકાર. ઘર તો એમાં પણ મને નહોતું જડી રહ્યું.
હા, ફિલોસોફીમાં બે ફાંટા હતા. એમાંના એક ફાંટાને (વિખ્યાત જર્મન ફિલોસોફર) શોપનહોઅર વ્યાવસાયિક ફિલોસોફી તરીકે ઓળખાવતા હતા. આ વ્યાવસાયિક ફિલોસોફી મુખ્યત્વે જૂના પ્રશ્નોને નવા વાઘા પહેરાવવામાં અને નવાં નામો આપવામાં રચીપચી રહેતી હતી.
અને બીજો ફાંટો હતો અસલી ફિલોસોફીનો. આ અસલી ફિલોસોફીનું ધ્યાન (જીવનની સાર્થકતા જેવા) મૂળભૂત અને અનિવાર્ય પ્રશ્નો તરફ કેન્દ્રિત રહેતું. આ અસલી ફિલોસોફીના ક્ષેત્રના સોક્રેટિસ, શોપનહોઅર, સોલોમન અને બુદ્ધ જેવા મહારથીઓ (લગભગ) એકસરખી વાત કહેતા.
જેમ કે, સોક્રેટિસ જ્યારે (સજારૂપે મળેલા) મોતના આરે હતો ત્યારે એણે કહેલું, `આપણે જેટલી હદે (આપણા વ્યક્તિગત, સંકુચિત) જીવનથી દૂર જઈએ એટલી હદે સત્યની વધુ નજીક જઈ શકીએ. આપણામાંથી જેને ખરેખર સત્યની ખેવના હોય એ જીવનમાં શું ઝંખે? આ જ ઝંખેઃ શરીરથી અને શારીરિક જીવન સાથે સંકળાયેલી તમામ અશુભ બાબતોથી મુક્તિ, એટલે કે મોત (નિર્વાણ). આવું જ હોય તો પછી મોત નજીક આવી રહ્યું હોય ત્યારે એને આવકારવાનું જ હોય, એનો ઉત્સવ જ મનાવવાનો હોય. શાણો માણસ જિંદગીભર મોતની રાહ જોતો હોય છે અને એટલે, મોત નજીક આવે ત્યારે એ ડરતો નથી.'
***
ટોલ્સ્ટોય પછી એમની આત્મકથામાં શોપનહોઅર, સોલોમન અને બુદ્ધ જેવા પ્રબુદ્ધોની ફિલોસોફી ઉજાગર કરીને છેવટે એવા મતલબનું તારણ કાઢે છે કે સંસાર અને જીવન છે તો દુઃખમય જ. સવાલ એ છે કે આ દુઃખોથી બચવું કઈ રીતે? એનો મુકાબલો કરવો કઈ રીતે? એ બધી વાતો હવે પછી.
