ગયા અઠવાડિયે આવેલા ભીષણ ભૂકંપને કારણે મ્યાનમાર ચર્ચામાં રહ્યું છે. ભારતનું એક ગામ એવું છે કે જેનો કેટલોક હિસ્સો ભારતમાં આવે છે, તો કેટલોક હિસ્સો મ્યાનમારમાં. એ ગામના ઘણા લોકો ખાવા-પીવાનું અને કામ કરવાનું ભારતમાં હોય છે, જ્યારે સૂવા માટે મ્યાનમારમાં જાય છે. એ ગામ એટલે નાગાલેન્ડનું લોંગવા ગામ.
સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા આપણાં પૂર્વોત્તરનાં રાજ્યો તેમના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતાં છે. એ સાત રાજ્યોમાંના એક નાગાલેન્ડમાં તો એક ગામ સાવ અલગ જ પરંપરા ધરાવે છે. નાગાલેન્ડના લોંગવા ગામમાં કેટલીય અનોખી પરંપરા રહી છે. સદીઓથી વસેલા આ ગામમાં દુશ્મનને માથું વાઢીને સજા કરવાનો રિવાજ ચાલતો રહ્યો છે. જોકે, દેશ આઝાદ થાય એ પહેલાં જ 1940માં અંગ્રેજોએ એ પરંપરા બંધ કરાવી દીધી હતી. મોન જિલ્લો મ્યાનમારની સરહદે આવેલો છે. લોંગવા એ જિલ્લાનું ભારતનું છેલ્લું ગામ છે. એ ગામમાં કોંયાક આદિવાસીઓ રહે છે. તેઓ ખૂબ જ ખૂંખાર પ્રજા છે. હજુ પણ કબીલાનો રિવાજ ત્યાં જોવા મળે છે.
દરેક કબીલો પોતાની સત્તા તથા કબ્જા માટે પડોશી ગામ સાથે લડાઈ લડતો રહે છે. એ જ આદિવાસીઓ કબીલા અને તેમની જમીન પર કબ્જા માટે દુશ્મનોનાં માથાં વાઢી નાંખતા હતા. એ કારણે જ કોંયાક આદિવાસીઓને હેડ હંટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોંયાક આદિવાસીઓના ગામ પહાડની ટોચ પર જ વસેલાં હોય છે, જેથી દુશ્મનો પર નજર રાખી શકાય. 1940માં દુશ્મનનું માથું કાપી નાંખવા ઉપર પ્રતિબંધ ફરમાવાયા પછી પણ ક્યાંક માથુ કાપી નાંખવામાં આવતું હતું, પરંતુ છેલ્લે એવી ઘટના 1969માં નોંધાઈ હતી. હવે તો દેશના વિકાસનાં ફળ આદિવાસીઓના જીવનમાં પણ જોવા મળી રહ્યાં છે, તેથી જ હિંસક ગણાતી આ પ્રજા પણ હવે ધીમે ધીમે વિકસિત જીવન જીવતી થઈ છે. લોંગવાનું કુદરતી સૌંદર્ય મનોહરી છે. આ વિસ્તારની હરિયાળીથી આકર્ષાઈને સંખ્યાબંધ લોકો ફરવા માટે આવે છે. પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત બીજાં અનેક સહેલાણીઓનાં સ્થળ છે. લોકો એ તમામ સ્થળોએ ફરવા માટે આવતા હોય છે. ડોયાંગ નદી, શિલોઈ સરોવર, નાગાલેન્ડ સાયન્સ સેન્ટર અને હોંગકોંગ માર્કેટ પ્રવાસીઓના આકર્ષણનાં મુખ્ય કેન્દ્રો છે. અહીં ફરવા માટે ભાડે કાર મળે છે, એ કાર લઈને સહેલાણીઓ કુદરતી સૌંદર્ય માણતા હોય છે.
ભારત અને મ્યાનમાર બે અલગ દેશ છે, પરંતુ લોંગવા ગામ સરહદે એવું વસેલું છે કે તેના બે હિસ્સા કરવા મુશ્કેલ હતા. લોંગવાના બે ભાગ કેવી રીતે કરવા એ ન સૂઝતા બંને દેશો વચ્ચેની સરહદ ગામની વચ્ચોવચ અંકિત કરાઈ છે. બંને હિસ્સાને અલગ કરતી એ સરહદ પર એક તરફ હિન્દીમાં સંદેશો લખેલો છે, તો બીજી તરફ બર્મીઝ ભાષામાં સંદેશો લખેલો છે. જોકે, એવી સરહદ સાથે લોકોને શું લાગેવળગે?
કોંયાક આદિવાસીઓને એ સરહદની કોઈ ચિંતા જ નથી!
એમ તો પાકિસ્તાનની સરહદે આવેલાં અનેક ગામોમાં સાસરું ભારતમાં હોય અને એ જ ઘરમાંથી પાકિસ્તાનમાં વસેલાં પિયરિયાં દેખાતા હોય છે. વાતચીત પણ કરતા હોય છે, છતાં એકબીજાના ઘરે જવું જોખમથી ઓછું હોતું નથી. એવી કોઈ જ સમસ્યા કોંયાક આદિવાસીઓને સતાવતી નથી. એ કારણે જ કેટલાય કોંયાક આદિવાસીઓ સવારે ભારતમાં કામ કરતા હોય છે અને રાત પડે એટલે મ્યાનમારના હિસ્સામાં આવેલા ઘરે જતા હોય છે. તેમને ભારત અને મ્યાનમારની એમ બેવડી નાગરિકતા મળી હોવાને કારણે રોજિંદી જિંદગીમાં તેમને સરહદ નડતી નથી. તેઓ પાસપોર્ટ વિના જ બંને દેશમાં ફરી શકે છે. એ કારણે જ ભારતમાં આવીને કામ કરીને તેઓ રાત્રે ઘરભેગા થાય ત્યારે મ્યાનમારના ગામમાં પહોંચી ગયા હોય છે. કોંયાક આદિવાસીઓ માટે એ સહજ જીવન છે. તેઓ બંને દેશની નાગરિકતા સાથે સરહદનો ભાર રાખ્યા વિના જીવતા આદિવાસીઓ છે.