અતિશય પ્રમાણમાં મળમાર્ગથી જલીય અંશનું સ્રવણ થાય તેવા રોગોને `અતિસાર(ઝાડા)પ્રધાન' રોગ કહે છે. ગરમીના ઝાડા, ઠંડીના ઝાડા, ઉત્તેજક આહારના ઝાડા, આહાર વિષ(ફૂડ પોઈઝનિંગ)થી થતા ઝાડા, મરડો, કોલેરા, સંગ્રહણી વગેરે મળની અત્યધિક પ્રમાણમાં એટલે કે વારંવાર પ્રવૃત્તિ કરાવનારા રોગને `અતિસારપ્રધાન' રોગ કહેવામાં આવે છે.
`અતિસાર'નો અર્થ થાય અતિ પ્રમાણમાં સરણ થવું. એટલે કે ઝાડા(લૂઝ મોશન્સ) એ કોઈ રોગ નહીં, પરંતુ ઉપરોક્ત કોઈ એક રોગનું લક્ષણ ગણાય છે અને અતિસારપ્રધાન રોગોનું `આંતરડાં' એ મુખ્ય સ્થાન ગણાય છે.
અતિસારપ્રધાન ભિન્ન ભિન્ન રોગોની ચિકિત્સા પણ ભિન્ન ભિન્ન હોય છે. આ અતિસારપ્રધાન રોગોની ચિકિત્સાનો ઉદ્દેશ ઝાડાને તરત જ રોકી દેવાનો નથી હોતો, પરંતુ ઝાડા થવાના મૂળ કારણને દૂર કરીને ઝાડાને અટકાવવાનો હોય છે.
આંતરડાંની અંદરની દીવાલ એક મુલાયમ પડથી ઢંકાયેલી હોય છે. આંતરડામાં આહારના પાચન અને શોષણનું કાર્ય સતત ચાલતું હોય છે અને આ કાર્યની સાથે આહાર ધીમે ધીમે આંતરડામાં આગળ ને આગળ ધકેલાતો જાય છે. અતિસારપ્રધાન રોગોના કારણે આંતરડાંની અંદરની દીવાલના મુલાયમ આવરણમાં એક પ્રકારની ઉત્તેજના આવી જાય છે અને તેનું સ્વાભાવિક કાર્ય હોવું જોઈએ તેના કરતાં વધી જાય છે. ઉત્તેજિત થયેલી આવી અંદરની દીવાલના કારણે આંતરડાંમાં આહાર-પાણી ટકી શકતાં નથી અને તે ગુદા માર્ગેથી બહાર ફેંકાય છે.
ગરમીના ઝાડા
ગ્રીષ્મ ઋતુમાં ગરમીની અસર આંતરડાંની અંદરની દીવાલના મુલાયમ પડ ઉપર થવાથી તેમાં ઉત્તેજના આવે છે. આ ઉત્તેજનાથી આહાર અને જળ આંતરડાંમાં ટકી શકતાં નથી. આ ગરમીના ઝાડા કોઈ કીટાણુઓના પ્રભાવથી થતા નથી, પરંતુ ગરમીની આંતરડાં ઉપરની ખરાબ અસરને લીધે જ થાય છે. ગ્રીષ્મમાં નવા ઘઉં, ચણા જેવાં અનાજના અતિ સેવનથી પણ ઝાડા થાય છે. ચૈત્ર માસથી જેઠ માસ સુધીમાં નવા ઘઉં, ચણા બજારમાં આવી જાય છે. તેનું સેવન નવા વર્ષના પ્રારંભ પહેલાં કરવું ન જોઈએ.
ગ્રીષ્મમાં વધારે પડતો આહાર લેવાથી આંતરડાંમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તે ગરમીથી પણ ઝાડા થઇ જાય છે. વધારે પડતાં નવાં અનાજના સેવનથી ઉત્પન્ન થતા ઝાડા મુખ સુધી પણ પોતાનો પ્રભાવ પાડે છે અને તે પ્રભાવથી મોઢામાં ચાંદીઓ પડે છે. ગરમીના ઝાડા થાય ત્યારે પેટમાં ધીમી બળતરા અને દિવસમાં પાંચથી છ વખત મળ પ્રવૃતિએ જવું પડે છે.
ગરમીના ઝાડા થાય તો આટલી બાબતો ધ્યાનમાં રાખજો.
રોટલી, દાળ, શાક વગેરે લેવાનું બંધ કરી તાજું જમાવેલું દહીં અને ખીચડી અથવા ભાતનું મિશ્રણ કરી આહાર રૂપે લેવાં.
લીંબુ, નારંગી, દ્રાક્ષ વગેરેનું શરબત પીવું. પ્રવાહી આહારદ્રવ્યો પ્રયોજવાં. બપોરના સમયે આરામ કરવો. છાતી તથા પેટ ઉપર ભીનું કપડું રાખવું. ગરમીના ઝાડામાં દૂધનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવો જોઈએ.
પાંચ ગ્રામ લવણભાસ્કર ચૂર્ણ તાજા જમાવેલા દહીં સાથે મેળવીને લેવાથી ઉત્તમ ફાયદો થાય છે. બાળકો માટે લવણભાસ્કર વાપરવું નહીં, પરંતુ તેની જગ્યાએ તમે બાલચાતુર્ભદ્ર ચૂર્ણ આપી શકો.