થોડા દિવસ પહેલાં આપણા કામણગારા ક્રિકેટરો ફરી એકવાર પરદેશમાં ભૂંડાહાલે હારી ભારત પરત ફર્યા. ઘરઆંગણે ખૂંખાર વાઘ બની ફરનારા વિદેશની ધરતી પર મીંદડી મ્યાંઉં થઈ ગયા હતા. એ હારનું પિષ્ટપીંજણ-પોસ્ટમોર્ટમ તો થયા કરશે, પણ અત્યારે તાત્કાલિક આપણે કંઈક કરવું જ જોઈએ. (આપણે યાનિ કી આપણું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) આપણું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ખૂબ પૈસાવાળું છે. આપણા બોર્ડ યાનિ કી બી.સી.ઈ.આઈની ઈન્ટરનેશનલ ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં જબરી ધાક-આણ પ્રવર્તે છે. પૈસાના જોરે આપણું બોર્ડ ધાર્યું કરાવી શકે છે- કરે છે, તો આપણા આ બી.સી.સી.આઈ.એ ભારતની ટીમ વિદેશમાં રમવા જાય તો હારી ન જાય એ માટે ક્રિકેટના નિયમોમાં જોરદાર-ધરખમ-આમૂલ ફેરફાર લાવી દેવા જોઈએ, પણ આ ફેરફાર કરાયેલા નિયમો માત્ર ભારતીય ટીમ વિદેશમાં રમવા ગઈ હોય એના માટેના જ હોવા જોઈએ. તો ભારતની ક્રિકેટ ટીમ વિદેશમાં રમવા ગઈ હોય ત્યારના ફેરફાર કરાયેલા નિયમો કંઈક આવા હોવા જોઈએ એવું બી.સી.સી.આઈ.ને અમારું સજેશન છે.

- ભારતની ટીમ પરદેશમાં રમવા જાય છે ત્યારે ત્યાંની વિકેટો પર યાનિ પીચ પર ટકી શકતી નથી. આખેઆખી ટીમ ત્રીસ-ચાલીસ ઓવરમાં `ધબાય નમ:' યાનિ કી ઓલ આઉટ થઈ જાય છે. તો નવા નિયમ પ્રમાણે ભારતની ટીમને મિનિમમ દોઢસો ઓવર તો રમવા દેવી જ પડશે. ભારતની દરેક ઈનિંગ 150 ઓવરની તો હશે જ. એમાં જો એ ઓલ આઉટ થઈ જાય તો ફરીવાર દાવ આપી 150 ઓવર પૂરી કરવી પડશે. પછી ભલેને ત્રણ-ચાર વખત બેટિંગ કરવી પડે, પણ વન ફિફટી ઓવર્સ આર મસ્ટ.

 - ભારતના બેટ્સમેનોને એલ.બી. ડબલ્યુ. આપવામાં નહીં આવે.

- પહેલા જ બોલે આઉટ થનાર બેટ્સમેન માટે પહેલો બોલ કાયમ ટ્રાયલ બોલ હશે એટલે એ પહેલા બોલે આઉટ નહીં ગણાય.

- સ્કૂલનાં બાળકો જેમ `સ્ટેચ્યૂ-સ્ટેચ્યૂ'ની રમત રમતાં હોય છે એમ ભારતના બેટ્સમેન પણ `સ્ટેચ્યૂ' રમી શકશે. એ કોઈ પણ પરદેશના ખેલાડીને `સ્ટેચ્યૂ' કહી એને મૂર્તિની જેમ સ્થિર કરી શકશે. એને `ગો' કહીને હલવાની છૂટ આપવાનું ભારતનો બેટ્સમેન જ નક્કી કરશે.

- કોઈ પણ પરદેશના બોલરે ભારતના બેટ્સમેન સામે બે ટપ્પીએ જ બોલ નાખવો પડશે. એક ટપ્પીવાળો બોલ નો બોલ ગણાશે.

- ભારતના બેટ્સમેનની કમરથી ઉપર ઉછળેલો બોલ `નો બોલ' ગણાશે. એના ચાર રન ભારતમાં ઉમેરવામાં આવશે.

- જો કોઈ પરદેશના બોલરે ફેંકેલો બોલ ભારતના બેટ્સમેનના શરીર પર ક્યાંય વાગશે, અથડાશે તો એ બોલરને ડેન્જેરસ બોલિંગ કરવા બદલ બોલિંગ કરતો બંધ કરી દેવાશે. એને બહાર કાઢી મૂકવામાં આવશે.

- ભારતની બેટિંગ વખતે બાઉન્ડ્રી લાઈન અડધે લઈ આવવામાં આવશે અને ભારતીય બેટ્સમેન ફોર મારે તો એની સિક્સ ગણવામાં આવશે અને સિક્સ મારે તો બે ફોર એટલે આઠ રન ગણવામાં આવશે.

- ભારતીય બેટ્સમેનને અમ્પાયરનો નિર્ણય પસંદ ન આવે તો એ નિર્ણય અને અમ્પાયર બંનેને બદલી શકશે. ભારતીય બેટ્સમેન અમ્પાયરને દબડાવી-તતડાવી-ખખડાવી શકશે.

- ભારતીય બેટ્સમેન કેચ આઉટ થાય ત્યારે અેને પૂછીને આઉટ આપવામાં આવશે. જો બેટ્સમેન કહે કે, `કટ નહોતી વાગી હું આઉટ નથી' તો એને નોટ આઉટ ગણવામાં આવશે.

- બોલિંગ કરતી વખતે ભારતના બોલરને `નો બોલ' આપવામાં નહીં આવે. ભારતનો બોલર અડધી પીચ સુધી જઈને પણ બોલિંગ કરી શકશે.

- ભારતનો બોલર આઉટની અપીલ કરે ત્યારે ફાઈનલ નિર્ણય અમ્પાયરનો નહીં, પણ ભારતના બોલરનો જ રહેશે.

- ભારતના બોલરો મન ફાવે ત્યારે કચ્ચી-કચ્ચીને `થ્રો' બોલ નાખી શકશે. અમ્પાયર એને માન્ય રાખશે.

- ભારતીય બોલરો સામે બેટિંગ કરતી વખતે પરદેશના જમોડી બેટ્સમેને ડાબોડી અને ડાબોડી બેટ્સમેને એ જમોડી રમવાનું ફરજિયાત રહેશે અને એમણે હેલ્મેટ વગર જ બેટિંગ કરવા આવવું પડશે.

- ફિલ્ડિંગ કરતી વખતે ભારતના ફિલ્ડર એક ટપ્પીએ કેચ કરશે તો પણ `વન-ટપ-કેચ'માં આઉટ ગણાશે.

- આટઆટલું કરવા છતાંયે ભારતની ટીમ હારવા જેવી થઈ જાય ત્યારે આપણી ટીમવાળા `અમને મૂડ નથી.' કે `બેડ લાઈટ' કહી મેચ પૂરી કરી ગ્રાઉન્ડ બહાર આવી શકશે.

- અને દરેક મેચમાં ભારત કહેશે એ જ `ટોસ' જીતેલું ગણાશે, પણ માર વાલીડા'વ આ બધું કરવા છતાંયે આપણી ભારતની ટીમ હારી બતાડશે. બટ ડોન્ટ વરી. પરદેશની ટૂર પતાવી આપણા શૂરવીર ક્રિકેટર્સ આઈ.પી.એલ. રમશે ને એમાં ફરીથી હીરો બની જશે. આપણે બધું ભૂલી જઈ ફરી એમને `ભગવાન' ગણી એમની પૂજા કરવા માંડીશું. આમેય ક્રિકેટ એ આપણા માટે ધર્મ જ છેને?