બૉ ક્સિંગના બે સુવર્ણ નિયમ છે : પ્રોટેક્ટ યોરસેલ્ફ. કોઈ પણ ભોગે તમારી સામેવાળો તમને નૉક આઉટ ન કરી નાખે એનું દરેક સેકન્ડ ધ્યાન રાખો. એ માટે લિટરલી તમારે જે કંઈ લોહી-પરસેવો પાડવાં પડે તે પાડો. લોહી સામેવાળાનું, પરસેવો તમારો. હતાશ થઈને ગેમ છોડી નહીં દેવાની. છેવટ સુધી ઝઝૂમવાનું.

અને બીજો ગોલ્ડન રૂલ : બી અનપ્રેડિક્ટેબલ. કોઈને અંદાજ ન આવવો જોઈએ કે કઈ ઘડીએ તમે કેવી પલટી મારશો, કયો દાવ ખેલશો. તમારું ફૂટવર્ક, હેન્ડવર્ક અને હેડવર્ક - આ ત્રણેય કોન્સ્ટન્ટ બદલાતાં રહેવા જોઈએ. પગ, હાથ અને માથું એક જગ્યાએ ન જોઈએ, પણ આ મૂવમેન્ટ્સ કરવા ખાતરની નહીં જોઈએ, એની પાછળ કોઈ પરપઝ જોઈએ.

પ્રોટેક્ટ યોરસેલ્ફ અને બી અનપ્રેડિક્ટેબલ - આ બે વાતમાં બૉક્સિંગની રમતની બધી સમજદારી આવી ગઈ. `પ્લે બોય' મેગેઝિનના પ્રથમ ઈન્ટરવ્યૂના સાત મહિના પહેલાં ફેબ્રુઆરી, 1964માં કેશ્યસ ક્લે સની લિસ્ટનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. એ પહેલાં 1960ની ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 100 એમેટર ફાઈટ્સમાં અને 18 પ્રોફેશનલ બાઉટ્સમાં વિજેતા બન્યો હતો, પણ ફેબ્રુઆરી 1964માં માયામિ બીચ ક્ન્વેન્શન હોલની મેચમાં સની લિસ્ટનની વર્લ્ડ ચેમ્પિયનશિપ છીનવી લીધા પછી એને જે ગ્લોરી મળી તે અત્યાર સુધીની દરેક સફળતાને ઝાંખી પાડી દે એવી હતી. લિસ્ટનને હરાવ્યા પછી `આઈ એમ ધ ગ્રેટેસ્ટ! આઇ એમ ધ કિંગ!' બોલતાં બોલતાં એ આખી રિંગના ચારેય ખૂણા ફરી વળ્યો હતો. આ ભવ્ય જીતના 24 કલાકમાં એણે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે હવેથી પોતે માત્ર મુહમ્મદ અલીના નામે જ બૉક્સિંગ કરશે.

`પ્લે બોય'ના ઈન્ટરવ્યૂમાં એલેક્સ હેલીએ પહેલો જ સવાલ પૂછ્યો. `તું ખરેખર આટલો લાઉડમાઉથ અને દેખાડુ છે કે પછી માત્ર પબ્લિસિટી માટે આ બધા ધમપછાડા કરે છે?' મુહમ્મદ અલીએ કહ્યું હતું: `હું જ્યારથી બોલતો થયો, ચાલતા શીખ્યો ત્યારથી લોકોનું અટેન્શન ગ્રેબ કરવાની મને મજા આવતી રહી છે. સાવ નાનો હતો ને સ્કૂલમાં જતો ત્યારથી હું જોતો આવ્યો છું કે કોઈ જરા જુદી રીતે વર્તે તો એને જોવાનું બધાને બહુ ગમતું હોય છે. હું સ્કૂલબસમાં બેસીને સ્કૂલમાં જતો નહીં, સ્કૂલબસની સાથે સાથે દોડીને સ્કૂલમાં પહોંચતો. મને જોઈને બીજા છોકરાઓને મજા પડતી, એ તાળીઓ પાડતા, મને ગાંડિયો પણ કહેતા. મને સારું લાગતું. રિસેસમાં હું ટોળું ભેગું કરવા માટે કોઈની પણ સાથે પંગો કરીને ફાઈટ શરૂ કરી દેતો. ટોળું ભેગું કરવાની મને બહુ મજા આવતી. મેં જ્યારે બૉક્સિંગ મેચ રમવાનું શરૂ કર્યું ત્યારે જોયું કે મોટા લોકો, ફાઈટિંગ જોવાના શોખીન લોકો પણ સ્કૂલના છોકરાઓની જેમ જ વર્તે છે. મારી પહેલી જ ફાઈટથી હું આટલો ભડભડિયો છું. મારી આ બોલબચ્ચનગીરીને કારણે બૉક્સિંગના કોઈ પણ પ્રોગ્રામની એડમાં મારું નામ પ્રોમિનન્ટલી લખાતું. બીજા બૉક્સરો હારે કે જીતે, એમના ફેમિલીઝ અને ફ્રેન્ડ્ઝ સિવાય બીજા કોઈને ઝાઝો ફરક પડતો નહીં, પણ હું રિંગમાં પગ મૂકું એટલે જોનારાઓમાં દેકારો મચી જતો. લોકો મને પાનો ચડાવતા. `સાલાનું નાક તોડી નાખ', `એનો હોઠ ચીરી નાખ' એવું કહીને મારી સામેવાળા બૉક્સરનો ખીમો બનાવી દેવા માટે લોકો મને ચડાવતા.'

પોલીસ અફસર જૉ માર્ટિને બાર વર્ષના કેશ્યસ ક્લેને બૉક્સિંગ શીખવાની પ્રેરણા આપી હતી. આ પોલીસમેને એને બૉક્સિંગ શીખવાડીને છ જ અઠવાડિયાંમાં એની જ ઉંમરના વ્હાઈટ છોકરા સાથે એક મેચ રમાડી. કેશ્યસ જીતી ગયો. એક વરસમાં તો એ ટીવી માટે બૉક્સિંગ કરતો થઈ ગયો. જૉ માર્ટિને કેશ્યસને એક સુવર્ણ સલાહ આપી હતી. નોર્મલી બૉક્સરો ક્લબમાં રમતા થાય, પછી પ્રીલિમિનરીઝમાં રમે અને વર્ષો પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકે. જૉ માર્ટિને કેશ્યસને કહ્યું હતું કે આ રસ્તે આગળ નહીં જતો, બહુ વાર લાગશે અને પિટાઈ જઈશ. એના બદલે ઓલિમ્પિક્સ માટે તૈયારી કર. જીતી જઈશ તો ઓટોમેટિકલી તને નંબર ટેનનું પ્રૉ રેટિંગ મળી જશે. કેશ્યસ કહે છે કે બૉક્સિંગ કરતી વખતે કોઈ પણ ફાઈટર એવું ન માની શકે કે મને માર પડવાનો જ નથી. માર તો ખાવો પડે, પણ સતત ધ્યાન રાખવાનું કે એટલો બધો માર ન પડે કે તમે નૉક આઉટ થઈ જાઓ.

છાપાંઓમાં તે વખતે આવતું કે કેશ્યસ ક્લે બહુ ટ્રેનિંગ નથી લેતો, લક બાય ચાન્સ જીતી જાય છે. કેશ્યસ એલેક્સ હેલીને કહે છે કે આવી છાપ હું જાણી જોઈને ફેલાવતો. મારી ટ્રેનિંગ જોવા માટે રિપોર્ટરો આવે ત્યારે હું જાણી જોઈને રમતરોળિયાં પર ઊતરી આવતો. સિરિયસ તાલીમ કોઈ દેખતું ન હોય ત્યારે જ લેવાની. આને લીધે તમારા ઓપોનન્ટ્સ અંધારામાં રહે.

કેશ્યસ ક્લે મુસ્લિમ બની ગયો છે એવી જાહેરાત થયા પછી અમેરિકાના નેશનલ બૉક્સિંગ એસોસિએશને એના પર પ્રતિબંધ મૂકવાની વિચારણા ચાલી રહી છે એવી ઘોષણા કરી હતી. જોકે, વખત જતાં વાત હવાઈ ગઈ. મુહમ્મદ અલી દારૂ પીતો નહીં, સિગારેટ પીતો નહીં. સેક્સ વિશે કહેતો કે બૉક્સિંગની ટ્રેનિંગની વાતો તમારા દિમાગ પર ચડી ગઈ હોય કે મેચ રમવાની હોય તે ગાળામાં સેક્સનો વિચાર આવશે તો પથારી જ યાદ આવશે અને તમારું કોન્સન્ટ્રેશન રિંગમાંથી હટીને બેડરૂમ તરફ જતું રહેશે. 1960ની રોમની ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી કેશ્યસ ક્લેએ ઈસ્લામ અપનાવ્યો. દારૂ- સ્ત્રીસંગ વગેરે પરિવર્તન ધર્મ બદલ્યા પછી આવ્યાં. મુહમ્મદ અલી બન્યા પછી એને લાગ્યું કે પાંચ વર્ષ પહેલાં જ મુસલમાન બની જવાનું હતું.

 કેશ્યસ ક્લે નામનો અમેરિકન બ્લેક મુસલમાન બને એ ઘટનાનો ખૂબ વિરોધ થયો હતો એ જમાનામાં. મુહમ્મદ અલીએ આ વિરોધ સામે ઝૂકી જવાને બદલે અડીખમ રહીને લાગતાવળગતા સૌ કોઈને જડબાતોડ જવાબ આપીને આખીય પરિસ્થિતિને પોતાની તરફેણમાં કરી લીધી. કરિયરનાં બેસ્ટ ત્રણ વર્ષ મુહમ્મદ અલીએ ગુમાવ્યા હોવા છતાં પ્રતિબંધ ઊઠી ગયા પછી એ ફરી એક વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યો. અલીની લોકપ્રિયતા સર્વવ્યાપી હતી. બ્લેક અમેરિકન્સ પર તો એની જબરજસ્ત છાયા હતી જ, ઓવરઓલ અમેરિકન્સ પણ એને પોતાની જનરેશનનો હીરો માનતા. એ ભડભડિયો હતો અને પોતાના વિશે સુપરલેટિવ વિશેષણો સિવાય વાત નહોતો કરતો અને એને પૂરો હક્ક હતો એ રીતે વર્તવાનો, પણ એ બીજાને ઉતારી નહોતો પાડતો એટલે સૌને ગમતો. આમાં અપવાદ બૉક્સિંગની રમતના એના હરીફો. જેની સામે લડવાનું હોય એને જાહેરમાં મગતરાની જેમ ઉતારી પાડતો. આ એની સાયકોલોજિકલ ગેમ હતી. હરીફને પહેલો પંચ મારતાં પહેલાં જ હતોત્સાહ કરી દેવાનો. એનો આત્મવિશ્વાસ તોડી નાખવાનો. કદાચ પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરવાનો પણ આ તરીકો હતો. હરીફો માટે એ ભૂંડામાં ભૂંડાં વિશેષણો શોધી લાવતો.

4 જુલાઈ, 1776ના દિવસે અમેરિકાને ઈંગ્લેન્ડથી આઝાદી મળી. આઝાદી મળ્યાનાં પોણા બસો વર્ષ પછી પણ 1960ના અરસામાં અમેરિકામાં બ્લેક-અમેરિકનો સાથે ઓરમાયું વર્તન થતું રહેતું. અમેરિકન પ્રજાની આ પછાત મેન્ટાલિટીને જોતાં લાગે કે એ લોકોને તો ભારત વિશે કમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી. આઝાદીના અલમોસ્ટ સો વર્ષ પછી 1861થી 1865 દરમ્યાન અમેરિકન પ્રજા આપસમાં લડતી-સિવિલ વોર કરતી. આઝાદી મળ્યાના અલમોસ્ટ સો વર્ષ સુધી અમેરિકનો ગુલામો રાખતા, વેચતા-ખરીદતા.

મુહમ્મદ અલી 1964, 1974 અને 1978 - ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યો. એનાં પરદાદી સેલી ઍન ક્લે મડાગાસ્કરની વતની હતી. ક્લે પરિવાર ગુલામોનો વંશજ હતો. મુહમ્મદ અલીની માતા કહેતી કે એ નાનો હતો ત્યારે એક વખત એક સ્ટોરમાં એને તરસ લાગી તો પાણી પીવા દીધું નહીં, કારણ કે અમે બ્લેક હતાં. આની એના પર ઊંડી અસર પડી. કૅશ્યસ ક્લેમાંથી મુહમ્મદ અલી બનતી વખતે એણે કહ્યું હતું કે મારી ગુલામીની સરનેમ `ક્લે'ને મેં પડતી મૂકી છે. નાનપણથી એ અમેરિકાના કેનટકી રાજ્યના લુઈવિલ શહેરમાં રહેતો. બાર વર્ષની ઉંમરે કૅશ્યસ ક્લેની સાઈકલ કોઈ ચોરી ગયું. પોલીસમાં ફરિયાદ કરતી વખતે એ બોલી ગયો, `એ ચોર સાલો પકડાશે તો હું એને બરાબરનો ઠોકીશ.' પોલીસ ઓફિસર જૉ માર્ટિને એને સલાહ આપી કે ઠોકતા પહેલાં તું બરાબર બૉક્સિંગ કરતા શીખી જા. જો માર્ટિન પોતે બૉક્સિંગ કોચ હતો. એણે કૅશ્યસને શરૂનાં વર્ષોમાં ટ્રેઈન કર્યો. એમેટર તરીકે 1954માં અને પ્રોફેશનલ તરીકે 1960માં એણે પહેલવહેલી બૉક્સિંગ મેચમાં ભાગ લીધો. એનો જન્મ 1942માં થયો હતો એ યાદ હશે તમને. વતન લુઈવિલમાં એના અંતિમ સંસ્કાર થયા. એના કોફિનને વિલ સ્મિથે પણ ખભો આપ્યો. વિલ સ્મિથે મુહમ્મદ અલી પર 2001માં બનેલી વન ઓફ ફિલ્મ્સ `અલી'માં આ બૉક્સિંગ ચેમ્પિયનનો રોલ કરેલો. ઈન્સિડેન્ટલી વિલ સ્મિથની બૉક્સિંગના સબ્જેક્ટ પરની નહીં, પણ એક જુદા જ વિષય પરની ફિલ્મ `પર્સ્યુટ ઓફ હેપિનેસ' જિંદગી સામે ઝઝૂમવાની ફિલ્મ છે. મુહમ્મદ અલી પર નહીં પણ બીજા એક જાણીતા અમેરિકન બૉક્સર જેમ્સ બ્રેડોક વિશેની રસેલ ક્રોના અભિનયવાળી ફિલ્મ `ધ સિન્ડ્રેલામૅન' પણ લાઈફના અપ્સ એન્ડ ડાઉન્સ વિશેની ફિલ્મ છે. આમાં ઉમેરવાની એન્થની હોપકિન્સની `ધ વર્લ્ડ્સ ફાસ્ટેસ્ટ ઈન્ડિયન'. આ ત્રણેય ફિલ્મો એકબીજા કરતાં સાવ જુદી છતાં કોઈ એક તંતુ આ ત્રણેયને જોડી રાખે છે. જિંદગી જીવવાની હામ પાછી મેળવવી હોય તો આ ત્રણેય ફિલ્મો બેક ટુ બેક જોઈ લેવી. મુહમ્મદ અલી વિશેની બાકી રહેલી વાત આવતા અઠવાડિયે પૂરી કરીશું.

સાયલન્સ પ્લીઝ!

સવારે ઊઠીને કોઈ એક પોઝિટિવ વિચાર સાથે પથારીમાંથી બહાર નીકળો, આખો દિવસ સારો જશે.