નવી પેઢીને લગ્ન પરથી જ નહીં પ્રેમ પરથી પણ વિશ્વાસ ઊઠી રહ્યો છે. એટલું જ નહીં જીવનમાં પ્રેમને અગ્રસ્થાને પણ તેઓ મૂકતા નથી. પ્રેમમાં ખર્ચાવાની અને ઘસાવાની તેઓની તૈયારી નથી, તો ક્યાંક અસલામતી અને ડર પણ છે.

વિજાતીય વ્યક્તિ સિવાયના અન્ય લોકો સાથેના પ્રેમસંબંધનું પોત પણ મજબૂત નથી રહ્યું, પરંતુ પ્રેમ-રોમાન્સ એ યુવા દિલની જ નહીં, પરંતુ માનવ મનની જરૂરિયાત છે. પ્રેમ એ ભલે જિંદગી નથી, પરંતુ જિંદગીનું બહુ મોટુ ચાલકબળ છે. વિજાતીય પ્રેમની એક અલગ દુનિયા છે. એમાં આકર્ષણ, લાગણી, માંગણી, શરીર, મનથી લઇને દો જિસ્મ એક જાનની કલ્પના પણ છે. જ્યારે બીજી બાજુ પેરેન્ટ્સથી લઇને દોસ્ત સુધીની પ્રેમની એક નોખી દુનિયા છે. જ્યાં લાગણી-માંગણી છે, પરંતુ શરીર નથી.

પ્રેમ એટલે એકબીજા માટે મરી ફીટવું એ આદર્શ વાત છે, પરંતુ જ્યાં પ્રેમ હોય ત્યાં ઘસાઈ છૂટવું તો ફરજિયાત હોવું જ જોઈએ. નિઃસ્વાર્થ પ્રેમ તો ભગવાન સાથેનો પણ નથી, તો માણસ સાથે તો ક્યાંથી હોવાનો? હા, પ્રેમ કરનાર બે વ્યક્તિમાં જેની આપવાની વૃત્તિ વધુ બળવત્તર એ પ્રેમ વધુ બળૂકો હોઈ શકે. પ્રેમમાં આપવું એટલે શું? સામી વ્યક્તિને ખુશ રાખવાના દિલથી પ્રયત્નો કરવા. એમની ખુશીમાં ખુશ રહેવું અને દુઃખે દુઃખી થવું. એની ઇચ્છાઓને માન આપવું અને વિચારો તથા વ્યક્તિત્વ બંનેનું સન્માન કરવું. નાની નાની વાતની કાળજી રાખવી, પ્રેરણા અને પ્રોત્સાહન આપવા, સાથે હસવું, સાથે રડવું અને સાથે વિકસવું એ પ્રેમ. અગર કોઇના માટે એકવાર પ્રેમની લાગણી બંધાય તો હંમેશાં માટે એવી ને એવી જ રહે? ના, સમય, સંજોગો અનુસાર એ લાગણીમાં વધ-ઘટ થાય, એનું સ્વરૂપ બદલાય, પરંતુ એ સર્વથા નાશ ન પામે. દાખલા તરીકે બે યુવક-યુવતી એકબીજાનાં પ્રેમમાં પડે, હરે-ફરે પછી લગ્ન કરે. લગ્નમાં આર્થિક, સામાજિક, પારિવારિક સમસ્યાઓ આવતા ઝઘડાઓ થાય, અપેક્ષાઓ પૂરી ન થતાં છેતરાવાની લાગણી જન્મે. એકબીજાના ગુણને ભલે અવગુણ દેખાય, પરસ્પર આક્ષેપો થાય અને ઘણીવાર આ વિખવાદ નફરત અને ધિક્કારમાં પરિણમે. મતલબ કે પ્રેમનું નફરતમાં રૂપાંતર થાય, પરંતુ એ વ્યક્તિ સાથેની સ્મૃતિ નાશ ન પામે. એ દિલોદિમાગમાંથી દૂર ન થાય.

પ્રેમ રડાવે કે હસાવે, પણ એ સ્મૃતિરૂપે નફરતરૂપે કે સન્માનની રીતે ક્યાંક ને ક્યાંક જીવે. અન્ય સાથે જોડાવામાં અડચણરૂપ બને કે ન બને, પણ હૃદયના એક ખૂણામાં પડ્યો રહે, પણ આ પ્રેમ જ એવી બાબત છે કે જે જીવનને જીવવા જેવું બનાવે છે. પ્રેમ સિવાય પૈસો, પ્રતિષ્ઠા, પદ માણસને સુખ-સંતોષ આપે, પણ પ્રેમ વિના ક્યાંક અધૂરપ રહેવાની જ. કોઇને ગમવું કે કોઇ આપણને ગમે, એના વિચારોમાં ખોવાયેલા રહેવું, એના માટે સઘળું ન્યોછાવર કરવું, જીવનનો નવો અર્થ પામવો અને પોતાના કંઇક હોવાની, મહત્ત્વની સતત અનુભૂતિ કરવી એ લાગણી જ અલગ છે. એનો અહેસાસ જ સંપૂર્ણતાની અનુભૂતિ આપે છે, પરંતુ સો મણની વાસ્તવિકતા એ છે કે આ અહેસાસ, આ અનુભૂતિ હંમેશાં એમની સામે રહેતી નથી. જીવનની વાસ્તવિકતાના વાવાઝોડા સામે એ ઝાંખી પડી શકે છે અને એ જ જીવન છે. એમાં કોઇ ગણિત, કોઇ તર્ક, કોઇ ફોર્મ્યુલા કે મોટિવેશન કામ કરતું નથી.

અગર કોઇના માટે પ્રેમ છે તો એને વ્યક્ત કરો, પામવાની-જોડાવાની ઝંખના છે તો એ માટે પણ પ્રયાસ કરો. સાથે જીવવા-મરવાના વાયદા અવાસ્તવિક છે. સમયની થપ્પડ કઇ બાજુએથી વાગશે એ કહેવું મુશ્કેલ છે. સો, ભવિષ્યના પ્લાનિંગમાં વર્તમાનને વેડફવાની જરૂર નથી. વર્તમાનમાં પ્રિય પાત્રની ઝોળી પ્રેમથી છલકાવી દો. અપેક્ષાઓના વજનથી એને સંકોચવા ન દેશો. જેટલું માન, સન્માન, સલામતી, પ્રેરણા, વિશ્વાસ અપાય એટલું આપો. ક્ષણોને એટલી ખૂબસૂરત રંગોથી સજાવો કે હંમેશાં એ સ્મૃતિરૂપે જીવનનું બળ આપતી રહે. પ્રેમ અને વ્યક્તિ બંને ન રહે તો પણ એ સ્મૃતિ, એ ક્ષણો, એ મધુરતા જીવનમાં સુમધુર સંગીત ફેલાવતાં રહે. ઝંઝાવાતો સામે લડવાનું બળ એમાંથી મળતું રહે. પ્રેમ વિના સાથે જીવવું એના કરતાં પ્રેમ સાથે અલગ જીવવું એ પણ ચોઇસ હોઈ શકે. આખર પ્રેમ એ સ્વને ભૂલીને પરને પામવાની એક સુંદર ઝંખના છે, જે નસીબદારને ફળે છે અને ફળ્યા પછી નસીબ અને પુણ્ય બંને હોય તો લાંબા સમય સુધી ટકે છે. પ્રેમનો રંગ જીવનના અનેક રંગોની ઓળખ આપે છે. એટલે એનાથી રંગાવુ જરૂરી છે.