ફરવાના શોખીન લોકોએ અમુક જગ્યાની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ એવું લિસ્ટ તૈયાર કરવામાં આવે તો તેમાં મહાબળેશ્વર અચૂક આવે.
આજકાલ લોકો વિદેશ ફરવા જવાનો ક્રેઝ વધારે સેવી રહ્યા છે, પણ ખરું પૂછો તો ભારતમાં જ એવી કેટલીયે જગ્યા છે જ્યાં ફરવા જવાનું ચૂકીને વિદેશની પહેલી પસંદગી કરવી એ મૂર્ખામી ગણાશે. આપણાં દેશમાં દિવસેને દિવસે જનસંખ્યા વધી રહી છે, હવે જનસંખ્યા વધશે તેમ દેશની બચી રહેલી સુંદર જગ્યા પણ ગીચ અને ગંદકીવાળી બનતી જશે. આવું થાય એ પહેલાં આપણા દેશનાં સારાં સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. વળી, ગુજરાતીમાં તો કહેવત છે કે ઘરઆંગણે જ ગંગા વહેતી હોય તો શું કામ બીજે હાથ ધોવા જવું જોઇએ? ખેર, ગરમીનો માહોલ છે અને મહારાષ્ટ્રનો પટ્ટો અહીં જેટલો ગરમ નથી હોત્તો. દરિયો હોવાને કારણે ત્યાં પ્રમાણમાં ઓછી ગરમી હોય છે, એટલે સુંદર હિલ સ્ટેશન મહાબળેશ્વરની સુંદરતા વિશે જ વાત કરી લઈએ. મહાબળેશ્વર માત્ર વરસાદી માહોલમાં જ નહીં, પણ ઉનાળામાં પણ ફરવા માટે સારું ડેસ્ટિનેશન છે. ઉનાળામાં બીજે બધે ધોમધખતી ગરમી હોય ત્યારેય મહાબળેશ્વરનું વાતાવરણ માપસરનું જ હોય છે. અહીંની ખાસિયત એ છે કે અહીં લગભગ રોજ એક વાર વરસાદ આવી જાય છે એટલે પ્રમાણમાં આ જગ્યાએ ઓછી ગરમી હોય છે. મહાબળેશ્વરને પાંચ નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. જો તમે મહાબળેશ્વર જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો ત્યાં કઇ કઇ જગ્યાએ ફરવા જઇ શકો છો તે વિશે થોડું જાણી લઇએ.
મહાબળેશ્વરમાં ફરવાલાયક સ્થળો
મહાબળેશ્વરનાં પ્રસિદ્ધ ઝરણામાંથી એક ઝરણું એટલે ધોબી ઝરણું. આ ઝરણું મહાબળેશ્વરથી ત્રણ કિલોમીટરના અંતરે છે. તેની સુંદરતા આંખને ઠંડક પહોંચાડે છે. આર્થરની સીટ મહાબળેશ્વરના સારા ટ્રેકિંગ પોઇન્ટમાંથી એક છે. આ જગ્યા સમુદ્રના તળિયેથી 1470 કિમી. ઉપર આવેલી છે. અહીં પર્યટકો અનેરી શાંતિનો અનુભવ કરી શકે છે. તે પછી મહાબળેશ્વરની ફરવાલાયક જગ્યામાં શિવશંકર મંદિરનું નામ આવે છે. શિવજીનું આ મંદિર મહાબળેશ્વરના નામથી જાણીતું છે. તેની વાસ્તુકળા અને ભવ્યતાને નિહાળવા દૂર દૂરથી પર્યટકો આવતા હોય છે. મહાબળેશ્વર મંદિર ચોથી શતાબ્દીનું ગોકર્ણનું મંદિર છે. આટલું જૂનું હોવા છતાં તેની ભવ્યતા યથાવત્ છે. જો તમે આ મંદિરે શાંતિથી દર્શન કરવા જવા માંગતા હોવ તો રાત્રે 8 વાગ્યા પછી જવું, કારણ કે રાત્રિના સમયે અહીં માનવમહેરામણ નથી જોવા મળતો. મહાબળેશ્વરના સૌથી પ્રસિદ્ધ વોટર ફોલમાંનો એક વોટર ફોલ ચાઇનામેન વોટર ફોલ છે. એ સિવાય લિંગમાલા વોટર ફોલ પણ ફરવા માટે સુંદર જગ્યા છે. ચોમાસાની સીઝનમાં આ જગ્યાઓનાં ઝરણાં વધારે સુંદર રૂપ ધારણ કરી લેતાં હોય છે. કનોટ પીક મહાબળેશ્વરની બીજા નંબરની પહાડી ટોચ છે. અહીં પર્યટકો ટ્રેકિંગ માટે ખૂબ આવે છે. આ સિવાય કોયના ઘાટી, માનવનિર્મિત વેન્ના ઝીલ, કૃષ્ણબાઈ મંદિર, બોમ્બે પોઇન્ટ, પ્રતાપગઢ કિલ્લો, પંચગીની, તપોલા, લોડવિક પોઇન્ટ વગેરે જગ્યા પણ ઘણી પ્રસિદ્ધ છે.
મહાબળેશ્વર ફરવા જવાનું વિચારતા લોકોએ જુલાઈ મહિનાથી ઓક્ટોબર એન્ડ સુધીમાં અહીં ફરવા જવાનો પ્લાન બનાવવો. આ મહિનાઓ મહાબળેશ્વર ફરવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.