આરંભ મકરસંક્રાંતિના દિવસથી અને સમાપન મહાશિવરાત્રિના દિવસે. મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, 2025ના રોજ અને મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ, આ 45 દિવસના સમયગાળા દરમ્યાન સમસ્ત બ્રહ્માંડના ચૌદ લોક, સત્યલોક, તપલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, ભુવર/ભૂગર્ભલોક, મૃત્યુલોક આપણે મનુષ્ય રહીએ છીએ તે, અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ (વેદ પ્રમાણે ચૌદ લોક છે) પૃથ્વી પર ઊતરી આવ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. ચૌદે લોકને મહેમાન તરીકે આમંત્રિત કરનાર યજમાન પૃથ્વી નામના ગ્રહના (મૃત્યુલોક) એક દેશ ભારતનું એક રાજ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ નામના એક રાજ્યનો એક પ્રદેશ નામે પ્રયાગરાજ હતો, પ્રયાગરાજ પાસેનો ત્રિવેણી સંગમ એટલે કે, ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ, પ્રસંગ હતો `મહાકુંભ'.
મહાકુંભની રજેરજની, પળેપળની માહિતી છેલ્લા બે મહિનાથી વિવિધ માધ્યમો દ્વારા મળતી જ રહી છે એટલે પુનરાવર્તનની પળોજણમાં પડ્યા-પાડ્યા વગર સમુદ્રમંથનની જેમ જ માનવમંથન દ્વારા પ્રાપ્ત થયેલ અંતિમ ઉપલબ્ધિની જ પાંચ વાત કરીએ.
1) 45 દિવસમાં અંદાજીત 66 કરોડ લોકો જ્યાં પહોંચ્યા હોય તે પૂર્ણ થયેલ મહાકુંભની શાનદાર સફળતા બિરદાવવાને પાત્ર છે. વિશ્વમાં આવું એક પણ સ્થળ નથી જ્યાં માનવ મહેરામણ આ રીતે ધસી ગયો હોય.
2) મોટા પાયે આવું વિશાળ આયોજન કરવું જ ખરેખર હિંમતભર્યું હતું. આ સફળતાને જાદુઈ કહી શકાય. જ્યારે કરોડો ભક્તો એક જગ્યાએ ભેગા થાય, ત્યારે તેમાં મોટાં જોખમો સામેલ છે.
3) સ્વચ્છ, સ્વસ્થ, સુરક્ષિત મહાકુંભ; જ્યારે કરોડો લોકો અમુક જ વિસ્તારમાં સ્નાન કરે છે, ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો હોત અથવા કોઈ મોટી દુર્ઘટના બની શકી હોત. કોઈએ મારામારી કે પથ્થરમારાની ફરિયાદ કરી નથી. નાસભાગની દુઃખદ ઘટના સિવાય બીજી કોઈ અપ્રિય ઘટના ઘટી નહિ.
4) ભારતે આખી દુનિયાને બતાવ્યું છે કે 66 કરોડ લોકોને સુવ્યવસ્થિત રીતે મેનેજ કરી શકાય છે. વિશ્વના કેટલા દેશની વસ્તી 66 કરોડ છે? ભારતે મેનેજમેન્ટ કૌશલ્ય, કાર્યક્ષમતા અને ક્ષમતાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.
અને સૌથી અગત્યની, મહત્ત્વની ઉપલબ્ધિ પાંચમી છે તે...
5) સનાતની હિન્દુઓનો સિંહનાદ; જી હા, આ વિશ્વ સમક્ષ સનાતની હિન્દુઓનો સિંહનાદ જ છે. મોટાભાગના સનાતની હિન્દુઓએ તેમજ કેટલાક દેશ-વિદેશના અન્ય ધર્મીઓએ આ પર્વને માણ્યું જ છે. 66 કરોડ જેટલાએ પ્રત્યક્ષ તો કદાચ બાકીના અમુક તદ્દન નગણ્ય વાંકદેખા પ્રકૃતિના, પ્રવૃત્તિના લોકો સિવાયના લોકોએ (જેઓ ત્યાં નહિ જઈ શક્યા તેમણે) મહાકુંભના સંગમના પાણીથી ઘરે સ્નાન કરી પરોક્ષ રીતે લાભ ઉઠાવ્યો છે. 66 કરોડ લોકોમાંથી એક પણ વ્યક્તિએ ભૂખ્યા કે તરસ્યા રહ્યાની ફરિયાદ નોંધાવી નથી. જાતપાતના ભેદભાવ વગર શ્રીમંત અને ગરીબ બંનેને એકસાથે પવિત્ર ડૂબકી લેવાની છૂટ હતી અને બંનેએ સાથે ભક્તિભાવથી સ્નાન કર્યું.
યાદ રહે લોકો સ્નાનમાત્ર માટે કેટલાક કિલોમીટરથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી પહોંચ્યા હતા. ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમે પહોંચવા આ લોકોએ રેલ, રસ્તા અને હવાઈ એવા ત્રિમાર્ગે આવાગમન કર્યું છે. આ મહાકુંભથી ઓછામાં ઓછું 3 લાખ કરોડનું ટર્નઓવર ઊભું થયું. ત્રિમાર્ગે સંગમસ્થાને પહોંચનારાઓએ સીધી કે આડકતરી રીતે પોતાની આર્થિક, શારીરિક ક્ષમતાનો, શક્તિનો પરિચય પણ આપી દીધો છે અને આ ત્રણ લાખ કરોડના શુદ્ધ ઉપાર્જનમાં શત પ્રતિશત સનાતન હિન્દુ સંસ્કૃતિને માનનારા, પાળનારા લોકોનો જ ફાળો છે. આ જ તો ખરો સિંહનાદ છે, છે વિશ્વપટલ પર એવો કોઈ આયોજનનો દાખલો જ્યાં એક જ ધર્મને પાળનારા/માનનારાઓએ કેટલાય રાષ્ટ્રોને આર્થિક રીતે સમૃદ્ધ કરી દે તેવું અર્થઉપાર્જન કર્યું હોય, તે પણ ફક્ત 45-50 દિવસમાં?
દુનિયાએ સ્વીકાર્યું છે, ભારતે કરી બતાવ્યું છે, અશક્યને પણ હાંસલ કરી શકાય છે. સનાતન ધર્મ માટે સૌથી મોટી સિદ્ધિ છે, સનાતની હિન્દુઓનો આ વૈશ્વિક સિંહનાદ વર્ષો સુધી ગુંજતો રહેશે.