`જ્યાં જ્યાં નજર મારી ઠરે, ત્યાં ત્યાં મને તો મોલ મળે.' યસ, આજકાલ શહેરોમાં ચારેબાજુ મોટા મોટા મોલ ઊભા થઈ ગયા છે. ખેતરોમાં આ બધા `મોટામસ મોલ'માં લોકોની ભીડ પણ જોવા મળતી હોય છે, પણ મોલમાં જનારા આટલા બધા લોકો શું ખરેખર `ખરીદી કરવા' જતાં હોય છે? આ પ્રશ્ન તમે જો મોલમાં પોતાની દુકાન ખડકીને બેઠેલા વેપારીને પૂછો તો એ માથું હલાવી `હા' જેવી `ના' પાડશે અથવા તો `ના' જેવી `હા' પાડશે. ટૂંકમાં, મોલમાં લોકો શું કરવા જતાં હોય છે એની કોઈનેય ખબર નથી, પણ મોલમાં મહાલતા મહાનુભાવોની પ્રવૃત્તિ ખૂબ જોવાલાયક અને માણવાલાયક હોય છે.

અમુક વ્યક્તિઓ મોલમાં માત્ર અને માત્ર ફરવા, ટાઈમ પાસ કરવા આવતી હોય છે. મોટાભાગના મોલ `સેન્ટ્રલી એ.સી.' હોવાથી એ હરવા-ફરવાનું સ્થળ બની ગયા છે. પહેલાં લોકો બાગબગીચામાં ફરવા જતા હતા, હવે લોકો મોલમાં `આંટાફેરા ને આશીર્વાદ' કરવા જતા હોય છે. મોલ `ટૂરિસ્ટ સ્પોટ' જેવા બની ગયા છે. અમુક જણા કે જણીઓ મોલમાં મહાલવાની સાથે સાથે ત્યાંની દુકાનોમાં પણ `ડોકિયું' કરી લેતાં હોય છે. દુકાનદાર પણ ગ્રાહકને જોઈ ઉત્સાહમાં આવી જાય છે. એ પોતાના `સેલ્સમેન' કે `સેલ્સગર્લ'ને `છૂ' કહી એમની પાછળ છોડી મૂકે છે.

દુકાનમાં ફરનારા ગ્રાહક હોવાનો દેખાવ કરનારા દુકાનની બધી વસ્તુઓ જુએ છે, ઉતારીને ચેક કરે છે, એની કિંમત જુએ છે, સાથે આવેલા સાગરિતો જોડે `ગુસપુસ' કરે છે, દુકાનનો માણસ તરત `અલ-મદદગાર' બની એમને એ વસ્તુની માહિતી આપવા માંડે છે. ખોટા ગ્રાહકો અેને સાંભળ્યો ન સાંભળ્યો કરે છે. બે-ચાર વસ્તુઓ સિલેક્ટ કરી હોય એવો આભાસ ઊભો કરે છે અને પછી અચાનક વાયવ્ય દિશા તરફ જોતાં-જોતાં દુકાનમાંથી બહાર નીકળી જાય છે. દુકાનનો માલિક અને એનો `મુલાજીમ' એમને મનમાં ગાળો દઈ પાછા પોતપોતાની જગ્યાએ બેસી જાય છે.

ઘણા માણસો મોલના મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ટ્રોલી લઈ નીકળી પડે છે. ઘણા એ ટ્રોલીની જાળીવાળી બાસ્કેટમાં પોતાના ટેણિયાને બેસાડી બાબાગાડી ધકેલતા હોય એમ ફરવા માંડે છે. એમને કોઈ જ વસ્તુ લેવી નથી હોતી. એ સ્ટોરના બધા જ સેક્શનમાં ટ્રોલી સહિત ફરી વળે છે. દરેક સેક્શનમાં દરેક વસ્તુ પર નજર ફેરવે, ઉપાડીને જુવે, કિંમત વાંચે, મજબૂતાઈ ચેક કરે, ખૂબ ધ્યાનથી એનું અવલોકન કરે. પછી એ મૂકી આગળ ધસી જાય. આવી રીતે કલાક-બે કલાક આંટાં મારી, છોકરાને ટ્રોલીમાંથી ઉતારી ઘરભેગા થઈ જાય. હરામ બરાબર જો એક વસ્તુ પણ ખરીદતા હોય તો! એમનો ઉદ્દેશ ખરીદવો કરતાં સમય પસાર કરવાનો જ હોય છે.

અમુક મહાનુભાવો ચીજવસ્તુઓના ભાવ જોયા વગર ધડાધડ ખરીદવા જ માંડતા હોય છે. એમની ટ્રોલી કે બાસ્કેટ છલોછલ ભરેલી હોય તો જ એમને આનંદ આવતો હોય છે. આવા લોકો જરૂર વગર, કારણ વગર ખરીદી કરતા હોય છે. મોટા મોલમાં જઈ આડેધડ ખરીદી કરવી એ એક મનોરોગ છે. આવા લોકોને `શોપોહોલિક' કહેવામાં આવે છે. આ ગાંડપણને `ઓનિયોમેનિયા' પણ કહે છે. આ આડેધડ ખરીદીના મનોરોગની દવા કરવી પડે છે. નહીંતર બિલ આપનારના માથે ટાલ પડી જતી હોય છે.

છેલ્લે માત્ર પાંચ જ ટકા કેટેગરીમાં એવા લોકો આવતા હોય છે, જે ખરેખર ખરીદી કરવા જ આવ્યા હોય છે, જે ઘરેથી વસ્તુઓનું લિસ્ટ બનાવીને આવ્યા હોય છે. નક્કી કરેલી વસ્તુઓ લઈ લિસ્ટમાં ટિક કરતા જતા હોય છે અને પછી `ખરીદીનું લક્ષ્યાંક' પૂરું થતાં બિલ ચૂકવી સીધા ઘરે જતા રહેતા હોય છે, પણ આવા લોકો ખૂબ `અલ્પસંખ્યક' હોય છે. મોટાભાગના મોલના મુલાકાતીઓ મોલમાં `મટરગસ્તી' કરવા, ટહેલવા, `કુદરતી દૃશ્યો નિહારવા', થોડું ઘણું ખાઈ-પી મોજ કરવા આવતા હોય છે અને એટલે જ મોટા મોટા મોલમાં માણસો ખૂબ હોય છે, પણ માલ વેચાતો નથી. ચાલો તો હું પણ મોલમાં જઈ આવું. આંટો મારવા...