હિન્દી સિનેમાના દર્શકોની આજની પેઢી જે પ્રકારે છાતીઓ ઠોકતા, ચીસો પાડતા અને બાવડાં ફુલાવતા રાષ્ટ્રપ્રેમને જોઇને મોટી થઇ રહી છે, તેને એ અંદાજ પણ નહીં હોય કે એક જમાનામાં ઉદાર, સમાવેશી અને ઈન્સાનિયતથી ભરેલો રાષ્ટ્રપ્રેમ હિન્દી ફિલ્મોમાં ચરમસીમાએ હતો અને તેની શરૂઆત હરિકિશનગીરી ગોસ્વામી ઉર્ફે મનોજ કુમારે કરી હતી.
છેલ્લાં પચાસ વર્ષથી દરેક સ્વતંત્રતા દિવસે અને ગણતંત્ર દિવસે અથવા ભારત-પાકિસ્તાનનો મેચ હોય ત્યારે એક ગીત અચૂક વાગે છે, મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી. આ ગીત જે ફિલ્મનું હતું તે 1967માં આવેલી `ઉપકાર' ફિલ્મથી મનોજ કુમારના રાષ્ટ્રપ્રેમની યાત્રા શરૂ થઇ હતી. આ જ ફિલ્મથી તેમનું નામકરણ `ભારત કુમાર' પણ થયું હતું.
મનોજ કુમારનો રાષ્ટ્રપ્રેમ હિંસક નહોતો. તેમનો રાષ્ટ્રપ્રેમ વાસ્તવમાં સંસ્કૃતિનો પ્રેમ હતો. ચાહે તે `ઉપકાર'નો કુટિલ ભાઈ (પ્રેમ ચોપરા) હોય કે `પૂરબ ઔર પશ્ચિમ'ની મિનિ સ્કર્ટ પહેરેલી, સિગારેટ ફૂંકતી છોકરી (સાયરા બાનુ) હોય, `ભારત'નું મિશન હતું કે પશ્ચિમની સંસ્કૃતિમાં બગડી ગયેલાઓને પાછા લાવવા.
`ઉપકાર' પહેલાં મનોજ કુમાર દિલીપ કુમારની નબળી નકલ કરીને ઘર ચલાવતા હતા, પરંતુ 1965માં એસ. રામ શર્માની સ્વાતંત્ર્યસેનાની ભગત સિંહના જીવન પરની ફિલ્મ `શહીદ'થી મનોજ કુમારને પોતાનો રંગ મળ્યો અને બે વર્ષ પછી તેમણે `ઉપકાર' ફિલ્મથી નવો અવતારલીધો, નિર્માતા-નિર્દેશક તરીકે અને ભારત તરીકે.
`ઉપકાર' તે વર્ષની સૌથી વધુ (સાડા ત્રણ કરોડની) કમાણી કરનારી ફિલ્મ હતી. તેણે સાત ફિલ્મફેર એવોર્ડ અંકે કર્યા હતા. શ્રેષ્ઠ ફિલ્મ (વીઆઈપી ફિલ્મ્સ), શ્રેષ્ઠ નિર્દેશક (મનોજ કુમાર), શ્રેષ્ઠ સહાયક અભિનેતા (પ્રાણ), શ્રેષ્ઠ ગીતકાર (ગુલશન બાવરા - મેરે દેશ કી ધરતી), શ્રેષ્ઠ કહાની (મનોજ કુમાર), શ્રેષ્ઠ સંવાદ (મનોજ કુમાર) અને શ્રેષ્ઠ એડિટિંગ (બી. એસ. ગૌડ).
`ઉપકારે' મનોજ કુમારને તો ફિલ્મ નિર્માણની એક નવી દિશા આપી જ, સાથે અભિનેતા પ્રાણની કારકિર્દીનો માર્ગ પણ બદલી નાખ્યો. પ્રાણ સિકંદ ખલનાયક તરીકે એક ખોખામાં બંધ થઇ ગયા હતા. `ઉપકાર'માં દર્શકો પ્રાણની લંગડા મલંગ ચાચાની ભૂમિકા પર ઓવારી ગયા હતા. પ્રાણ પર ફિલ્માવાયેલું `કશ્મે વાદે પ્યાર વફા સબ, બાતેં હૈં બાતોં કા ક્યા' શ્રોતાઓનું તો ગમતું ગીત છે, જે તેના ગાયક મન્ના ડેનું પણ ફેવરિટ છે.
યુદ્ધમાં એક પગ ગુમાવનારા મલંગ ચાચાના કિરદાર અંગે મનોજ કુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, `ગાંધીટોપી બદનામ થઇ ગઈ હતી અને મોંઘવારી આસમાન પર હતી. એટલે મારે એક એવું કેરેક્ટર ઊભું કરવું હતું, જે તે સમયના ભારતની આલોચના કરે.' એ અવાજ મલંગ ચાચાનો હતો.
એક ઠેકાણે મનોજ કુમારે કહ્યું હતું, `મને બહુ લોકોએ પ્રાણને હકારાત્મક અને તે પણ પ્રમુખ ભૂમિકામાં લેવા સામે ચેતવ્યો હતો. નિર્દેશક તરીકે તે મારી પહેલી ફિલ્મ હતી અને મારા હિતેચ્છુઓને લાગ્યું હતું કે બેટા, બુરી તરહ ફસોગે. હું તો બહુ સ્પષ્ટ હતો કે પ્રાણ જ મલંગ ચાચાની ભૂમિકા ભજવે.'
મનોજ કુમારનો દાવ છતો પડ્યો. પ્રાણનો કિરદાર સૌથી આશ્ચર્યજનક હતો. લોકોએ તેને બહુ પસંદ કર્યો હતો. આજે પણ લોકો મલંગ ચાચાને યાદ કરે છે. પ્રાણની કારકિર્દીએ એવો નાટ્યાત્મક વળાંક લીધો તેની વાતો આજે પણ થાય છે.
હિન્દી સિનેમાએ `ઉપકાર'માં એક ખલનાયકને ગુમાવ્યો, તો એમાંથી જ બીજા ખલનાયકની ભેટ મળી. પ્રેમ ચોપરા ત્યારે હીરો બનવા ફાંફાં મારતા હતા. તેમની પંજાબી ફિલ્મ `ચૌધરી કરનૈલ સિંહ' વખણાઇ હતી, પણ હિન્દી ફિલ્મોમાં ગજ વાગતો ન હતો.
મનોજ કુમાર તેમના વિદેશ જઈને બગડી ગયેલા ભાઈ પૂરન કુમારના કિરદાર માટે ચોકલેટી અભિનેતાને ઇચ્છતા હતા. તેના માટે રાજેશ ખન્ના સાથે તેમણે વાત કરી હતી, પરંતુ ખન્નાની તે જ વખતે ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટમાં પસંદગી થઇ એટલે તેમણે `ઉપકાર' છોડવી પડી.
એટલે મનોજ કુમારે તેમના સોહામણા ભાઈ તરીકે પ્રેમ ચોપરાને ભૂમિકા ઓફર કરી. ચોપરા દેખાવડો હતો અને ફિલ્મોમાં હીરો તરીકે બ્રેક લેવા ચપ્પલ ઘસતો હતો. હીરોના ભાઈ તરીકે તેણે આ કિરદાર સ્વીકારી લીધો.
એમાંય એક પેચ છે. `ઉપકાર' અડધી પૂરી થઇ ત્યારે ચોપરાને સમજ પડી કે તેમની ભૂમિકા તો નેગેટિવ છે. એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે, `અડધી ફિલ્મ છોડીને હું ક્યાં જાઉં? એટલે હું એને વળગી રહ્યો.' દર્શકોએ પૂરનની ભૂમિકા વખાણી. એમાંથી જ હિન્દી ફિલ્મોના બીજા ખતરનાક ખલનાયકનો જન્મ થયો.
`ઉપકાર'ના જન્મ સાથે `શહીદ'નો સંબંધ છે. `શહીદ'ને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ પુરસ્કાર મળ્યો હતો અને દિલ્હીમાં તેનું પ્રીમિયર યોજાયું હતું. મનોજ કુમારે તેમાં તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને આમંત્રણ આપ્યું હતું. શાસ્ત્રીજીએ થોડી વાર હાજરી આપવા માટે હામી ભરી હતી, પણ તે આખી ફિલ્મ જોવા માટે બેસી રહ્યા.
બીજા દિવસે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી મનોજ કુમાર પર ફોન આવ્યો. શાસ્ત્રીજી ચા પીવા માટે બોલાવે છે. મનોજ કુમાર એક ઇન્ટરવ્યૂમાં કહે છે, `બાબુજીએ મને એ મુલાકાતમાં જય જવાન જય કિસાન સૂત્ર પર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. મને પૂછ્યું, તમે કરશો? મેં કહ્યું, મારે તમારા આશીર્વાદ જ જોઈએ છે.'
તે ભારત-ચીનના યુદ્ધનો સમય હતો અને દેશમાં અન્નનું પણ સંકટ હતું. એ રાત્રે દિલ્હીથી મુંબઈની ટ્રેન યાત્રા દરમિયાન મનોજ કુમારે `ઉપકાર'ની વાર્તા ઘડી કાઢી. મનોજ કુમારે તેમાં પહેલીવાર તેમના પાત્રનું નામ `ભારત' રાખ્યું હતું.
મનોજ કુમાર કહે છે, `હીરોનું મૂળ નામ તો રામ હતું, કારણ કે તેનામાં ભગવાન રામના ગુણ હતા, પણ ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે અસલી ભારત ગામડાંમાં જીવે છે, એટલે એક ભારતીય નાગરિકના પ્રતિનિધિ તરીકે મેં તેનું નામ ભારત કરી નાખ્યું. મેં તેમાં આ દેશના ખેડૂત પર ફોકસ કર્યું હતું. એ જો ખેતી ન કરે તો દેશના ધનવાન લોકો પણ ભૂખે મરે.'
મનોજ કુમારની `ઉપકાર' ભારત અને ઇન્ડિયા વચ્ચેના વિરોધાભાસનું જ ઉદાહરણ હતી. તેમાં એક ખેડૂત પરિવારના `ગામડિયા' અને બીજા `વિદેશી' ભાઈનાં મૂલ્યોનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. 1970માં મનોજ કુમારે આ જ વિષયનો વિસ્તાર કરીને ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિના ટકરાવ પર `પૂરબ ઔર પશ્ચિમ' બનાવી હતી. આ બંને ફિલ્મોએ મનોજ કુમારની `મિસ્ટર ભારત'ની ઈમેજ પર થપ્પો લગાવી દીધો.
