`જરૂરિયાત સંશોધનની જનની છે.' આ કહેવત દુનિયામાં ફેલાયેલી મહામારીઓ અને તેની વેક્સિન પર બરાબર બંધ બેસે છે. જ્યારે પણ કોઈ મહામારી ફેલાઈ છે ત્યારે વેક્સિન શોધાઈ છે. કોરોના વાઈરસ સહિત અનેક વાઈરસ સામે બચવા માટે માત્ર વેક્સિન જ એક આધાર છે. કોરોના પહેલાં પણ દુનિયાએ પ્લેગ, શીતળા (ચેચક), ટાઈફોઈડ, ટિટનેસ, રેબીજ, ટીબી, પોલિયો વગેરે જેવી મહામારીનો પ્રકોપ સહન કર્યો છે. આ સંક્રામક (ચેપી) બીમારીઓને કારણે લાખો-કરોડો લોકાએ જીવ ગુમાવ્યા છે. સદીઓથી કરવામાં આવી રહેલા અધ્યયન અને શોધ જણાવે છે કે આ મહામારીઓથી છુટકારો અપાવવા માટે વૈજ્ઞાનિકોએ વેક્સિનની શોધ કરી છે. વેક્સિનનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે.
1796માં આવી દુનિયાની પહેલી વેક્સિન
દુનિયામાં ઘણા દશકાઓ સુધી શીતળા(ચેચક)નો પ્રકોપ રહ્યો હતો. તેને કારણે અનેક લોકો મૃત્યુનો શિકાર બની ગયા. આ દુનિયાની પહેલી એવી બીમારી હતી કે જેની વેક્સિનની શોધ થઈ. ઈ.સ. 1796માં અંગ્રેજ ચિકિત્સક એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી હતી. આ શોધથી આજે કરોડો લોકો શીતળા જેવી બીમારીમાંથી પાછા સાજા થઈ ચૂક્યા છે. શીતળાની રસી દુનિયા માટે કોઈ ચમત્કારથી ઓછી નહોતી. અમેરિકામાં પહેલીવાર વેક્સિનને લઈને કાયદો ઘડવામાં આવ્યો હતો. અમેરિકામાં શીતળા કે જેને સ્મોલપોક્સ કહે છે તેની વેક્સિન આપવાનું ફરજિયાત કરાયું હતું. ઈ.સ. 1898માં આ કાયદાને અપડેટ પણ કરવામાં આવ્યો હતો.
ઝટપટ જાણી લો
1923: ડિપ્થેરિયાની બીમારીથી બચવા માટે વેક્સિન બનાવાઈ.
1926: ટિટનેસની બીમારીથી બચવા માટે વેક્સિનની શોધ થઈ.
1936: મેક્સ થેલર અને તેમના સહયોગીએ પહેલીવાર યલો ફીવરથી બચવા માટેની વેક્સિન બનાવી.
1944: જાપાની ઇનસેફેલાઈટિક ફીવરથી અનેક લોકોનાં મૃત્યુ થયાં અને પછી તેની વેક્સિન શોધાઈ.
1945: પહેલીવાર ફ્લૂ વેક્સિન કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું.
1960: આલ્બર્ટ સેબિનને પોલિયો વાઈરસની વેક્સિન માટે અમેરિકામાં લાઈસન્સ મળ્યું. આ વેક્સિનથી ટાઈપ-1 પોલિયો વાઈરસથી સુરક્ષા મળી. પછી પોલિયો વાઈરસના ટાઈપ-2 અને ટાઈપ-3ને પણ લાઈસન્સ મળી ગયું. વર્ષ 1963માં બનાવેલી વેક્સિનમાં ઉપરોક્ત ત્રણે પ્રકારનો સમાવેશ થઈ જતો હતો.
1963: ઓરીની વેક્સિનનું લાઈસન્સ મળ્યું. ઓરીની વેક્સિનનો સૌથી પહેલાં વાંદરા અને પછી મનુષ્યો પર પ્રયોગ કરવામાં આવ્યો. જોન એન્ડર્સ અને તેમના સહકર્મીઓએ ઓરીની વેક્સિનની ઘોષણા કરી. અમેરિકામાં ઈ.સ. 1963માં ઓરીની વેક્સિનનું લાઈસન્સ મળ્યું અને પછીના 12 વર્ષમાં આશરે 19 મિલિયન લોકોને વેક્સિન અપાઈ. ત્યારબાદ ઈ.સ. 1969માં રુબેલા વાઈરસની વેક્સિનને પણ માન્યતા આપી દેવામાં આવી.
1971: અમેરિકાની સરકારે ઓરી, ગાલપચોળિયાં અને રુબેલાની સંયુક્ત રસી એમએમઆરને લાઈસન્સ મળ્યું. આ વેક્સિન ત્રણે રોગોને રોકવામાં ખૂબ જ પ્રભાવશાળી સાબિત થઈ.
1977: ન્યૂમોકોકલ વેક્સિનને મંજૂરી મળી ગઈ. આ એક મલ્ટિ-સેરોટાઈપ વેક્સિન હતી, જેને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના એમડી રોબર્ટ એસ્ટ્રિઅને (1916-2007) વર્ષો સુધીના સંશોધન પછી તૈયાર કરી હતી. આ વેક્સિનની સાથે જ સ્વાઈન ફ્લૂની વેક્સિન માટે પણ અમેરિકામાં કામ શરૂ થઈ ગયું.
1986: હિપેટાઈટિસ-બીની રિકમ્બિનેન્ટ વેક્સિનને લાઈસન્સ આપવામાં આવ્યું. આ વેક્સિન DNA પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલી પહેલી વેક્સિન હતી.
2002: સમગ્ર યુરોપને પોલિયોમુક્ત ઘોષિત કરવામાં આવ્યું.
2009: H1N1 વિરોધી વેક્સિન બનાવવામાં સફળતા મળી.
2020-ઓગસ્ટ: સમગ્ર આફ્રિકન મહાદ્વીપને પોલિયોમુક્ત ઘોષિત કરવામાં આવ્યો.
2020-ડિસેમ્બર: કોરોના વાઈરસ વિરોધી વેક્સિન બનાવવામાં ઓક્સફોર્ડ સહિત ભારતીય તથા અન્ય કંપનીઓને સફળતા મળી.
1885માં ફેન્ચ વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચરે કમાલ કરી ઈ.સ.1885માં આખી દુનિયા રેબીજ વાઈરસ સામે ઝઝૂમી રહી હતી.
આ એક ચેપી બીમારી હતી. રેબીજ કૂતરાના કરડવાથી થતો હતો. આવી સ્થિતિમાં પ્રસિદ્ધ ફેન્ચ વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચરે રેબીજની વેક્સિનનું સફળ પરીક્ષણ કર્યું. આ શોધે મેડિકલની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી અને માનવતાને એક મોટા સંકટથી બચાવી લીધી. તેમણે ડિપ્થેરિયા, ટિટનેસ, કોલેરા, ટાઈફોઈડ, પ્લેગ, ટીબી સહિત ઘણી બીમારીઓની વેક્સિન વિકસિત કરી હતી.
1921માં ટીબીની વેક્સિન શોધાઈ
ક્ષય રોગ (ટીબી) એક એવી બીમારી છે, જે માયક્રો બેક્ટેરિયમ ટ્યૂબર્ક્યુલોસિસ નામના જીવાણુને કારણે થાય છે. ઈ.સ. 1921માં ટીબીની બેસિલસ કેલ્મેટ-ગુએરિન (BCG)ની વેક્સિન વિકસિત કરવામાં આવી. ત્યારબાદ ટીબી અસાધ્ય બીમારી ન રહી. આ વેક્સિન શરીરની ઇમ્યૂન સિસ્ટમ એટલે કે પ્રતિરોધક ક્ષમતાને એક ખાસ સંક્રમણથી બચાવવા માટે તૈયાર કરતી હતી. બીસીજીની વેક્સિન પશ્ચિમ આફ્રિકાના દેશ ગિની બિસાઉમાં નવજાતોના મૃત્યુ દરને 38 ટકા સુધી ઓછો કરવામાં સફળ રહી.