સદીઓથી ભારત કે ભારતીય લોકો એવી શોધ કરતા આવ્યા છે જે ખરેખર ગર્વ કરવા લાયક હોય છે, પરંતુ આપણે એવું જ મનોમન માની લઈએ છીએ કે મોટાભાગની શોધો વિદેશોમાં જ થઈ છે, પરંતુ એવું નથી. ભારત કે ભારતીય લોકોએ કરેલી શોધો આજે દુનિયાભરમાં ઉપયોગમાં લેવાય છે (જેમ કે, બટન). જેના વગર દુનિયાભરમાં કેટલાંય કામ અટકી જાય. જોકે, આપણે આ શોધોથી અજાણ છીએ. જાણીએ દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતી એવી શોધો વિશે જેની શોધ ભારતમાં થઈ છે કે પછી કોઈ ભારતીયએ જ કરી છે

શેમ્પૂ

ઘાટ્ટા કાળા વાળ માટે કે પછી વાળને સ્વચ્છ કરવા માટે શેમ્પૂ બહુ જરૂરી છે. પ્રસંગોમાં જતા પહેલાં પણ યુવતીઓ શેમ્પૂ કરવાનું ભૂલતી નથી. બજારમાં વિદેશી બ્રાન્ડના શેમ્પૂ જોઈને લાગે કે તેની શોધ વિદેશમાં થઈ હશે, પરંતુ ખરેખર એવું નથી. શેમ્પૂ ભારતની જ દેણ છે. 15મી શતાબ્દીમાં ભારતમાં પ્રાકૃતિક તેલ, આમળાં અને અન્ય જડીબુટ્ટી મેળવીને શેમ્પૂ તૈયાર કરવમાં આવ્યું હતું. જોકે, તે સમયે શેમ્પૂ શબ્દનો બહુ ઉપયોગ થતો નહોતો કે તેનો મોટા પાયે ઉપયોગ પણ થતો નહોતો. વાસ્તવમાં શેમ્પૂ શબ્દ `ચંપૂ' કે `ચંપી'માંથી બન્યો છે જેનો અર્થ થાય છે માલિશ. પ્રાચીન કાળથી ભારતમાં વાળની સફાઈ માટે પ્રાકૃતિક જડીબુટ્ટીઓ તથા ઔષધીય પદાર્થોનો ઉપયોગ થતો આવ્યો છે. જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેમણે આ શેમ્પૂને જોયું અને તેનો ઉપયોગ કર્યો. તેમને શેમ્પૂ ખૂબ જ ગમ્યું. તેમને ભારતીયોની આ હર્બલ ફોર્મ્યુલા એટલી પસંદ આવી કે તેઓ શેમ્પૂને પોતાના દેશમાં લઈ ગયા. એક માહિતી પ્રમાણે બ્રિટનમાં શેમ્પૂને લોકપ્રિય બનાવવાનું શ્રેય બંગાળના રહેવાવાળા સાકે ડીન મોહંમદને જાય છે. તેમણે ઈ.સ. 1814ની આસપાસ બ્રિટનમાં હર્બલ શેમ્પૂનો ઉપયોગ અને તેના ફાયદા વિશે લોકોને જણાવ્યું હતું. જોકે, યુરોપની સામાન્ય જનતા સુધી શેમ્પૂને પહોંચતા વર્ષો લાગી ગયાં. ભારતમાં લાંબા વાળ રાખવાનું ચલણ હતું અને આજેય છે. કેમ ન હોય? જ્યાં શેમ્પૂ શોધાયું હોય ત્યાં લાંબા વાળ રાખવાનો શોખ હોય તે સ્વાભાવિક જ છે!

યુએસબી

યુએસબી ન હોત તો આજે પણ તમે સીડી કે ફ્લોપી લઈને ફરતા હોત, પરંતુ યુનિવર્સલ સીરિયલ બસે એટલે કે યુએસબી પોર્ટે આપણું જીવન ખરેખર સરળ કરી દીધું છે. પેનડ્રાઈવ ડેટાની બાબતમાં ગાગરમાં સાગર સમાવવા સમાન સાબિત થઈ છે. એક હાથના અંગૂઠા જેટલી પેનડ્રાઈવમાં આપણે હજારો ગીતો, ફિલ્મો કે મહત્ત્વની ફાઈલ કે ડેટા સ્ટોર કરી શકીએ છીએ જેનું શ્રેય અજય ભટ્ટને જાય છે. 90ના દશકામાં ભટ્ટ અને તેમની ટીમે એક એવા ઉપકરણ પર કામ કરવાનું શરૂ કર્યું હતું જે દશકના અંત સુધી કમ્પ્યૂટર કનેક્ટિવિટી માટે એક મહત્ત્વનું સાધન બની ગયું. ભટ્ટ વર્ષ 2009માં ઇન્ટેલ કંપનીની જાહેરાતમાં પણ જોવા મળ્યા હતા, સાથે જ તેમણે વર્ષ 2013માં બિનયુરોપીય દેશોની શ્રેણીમાં યુરોપિયન ઇન્વેન્ટર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ફાઈબર ઓપ્ટિક્સ

આજે જે ઝડપી ઇન્ટરનેટ આપણને મળી રહ્યું છે તેમાં મહત્ત્વનો ફાળો ફાઈબર ઓપ્ટિક્સનો છે. ફાઈબર ઓપ્ટિક્સ વાસ્તવમાં કાચ અથવા તો કોઈ પારદર્શી સોલિડના લચીલા ટુકડા છે, જે માથાના વાળ જેટલા પાતળા હોય છે. દૂરસંચાર ક્રાંતિમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. એટલે સુધી કે શરીરની અંદરની તપાસમાં પણ ફાઈબર ઓપ્ટિક્સ બહુ કામ આવે છે. પંજાબના નરિંદર કપાનીને ફાઈબર ઓપ્ટિક્સના જનક કહેવામાં આવે છે. ઈ.સ. 1955-1965 વચ્ચે ભૌતિકશાસ્ત્રી કપાનીએ એવા ટેક્નિકલ પેપર તૈયાર કર્યા હતા જેને દુનિયાભરની મુખ્ય જર્નલમાં જગ્યા મળી હતી. ઈ.સ. 1960માં સાયન્ટિફિક અમેરિકનમાં છપાયેલા તેમના એક પેપરે ફાઈબર ઓપ્ટિક્સ નામ રાખવામાં મદદ કરી હતી અને આ રીતે રિસર્ચ કરવાનું શ્રેય કપાનીને આપવામાં આવ્યું હતું.

સાપસીડી

કમ્પ્યૂટર ગેમ્સ અને હવે મોબાઈલ ગેમ્સની ભીડમાં કાર્ડબોડ પર રમાતી ગેમ્સની લોકપ્રિયતા થોડી ઘટી છે, પરંતુ વર્ષોથી જે સાપસીડીએ આપણું મનોરંજન કર્યું તે વાસ્તવમાં ભારતની દેન જ છે. કોઈ એક જમાનામાં તેને ઇંગ્લેન્ડની મનપસંદ ગેમ પણ કહેવામાં આવતી. પૌરાણિક સમયમાં તેનો મોભપતમ કહેવામાં આવતી હતી, જેના દ્વારા બાળકોને `અચ્છાઈ-બુરાઈ' વિશે પણ શીખવવામાં આવતું હતું.

સીડીઓ અચ્છાઈ એટલે કે સારપની પ્રતીક હતી અને સાપ બુરાઈનો. જ્યારે આ ગેમ તૈયાર કરાઈ ત્યારે તેનો અંત 100 નંબર પર પહોંચીને જ થતો હતો જેનો અર્થ વૈકુંઠ પહોંચવું તેવો કરાતો હતો. જોકે, 19મી શતાબ્દીમાં યુરોપિયન બજારમાં સાપસીડી વેચાવા લાગી ત્યારે તેની સાથે જોડાયેલાં નૈતિક પાસાંઓને લગભગ હટાવી દેવાયાં, પરંતુ તેને રમનારા તો આજે પણ તેમાં રહેલી શીખ શોધી જ લે છે. ઉલ્લેખનીય છે કે શતરંજ એટલે કે ચેસની શોધ પણ ભારતમાં જ થઈ હતી.