નેપાળમાં જબરી રાજકીય ઊથલપાથલ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં મોટાં પ્રદર્શનો થયાં છે, જેમાં દેશમાં રાજાશાહી પાછી લાવવાની માંગ જોર પકડી રહી છે. રાજાશાહી તરફી સંગઠનો હવે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ દરમિયાન તેમણે સરકારને એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો નિર્ધારિત સમયમાં તેમની માંગણીઓ પર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સંયુક્ત જન આંદોલન સમિતિના બેનર હેઠળ ચલાવવામાં આવી રહેલા આ આંદોલનમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક વિશાળ રેલીનું એલાન કરવામાં આવ્યું હતું. આ આંદોલનકારીઓએ કહ્યું, `અમે સરકાર અને તમામ પ્રજાસત્તાક પક્ષોને એક અઠવાડિયાનો સમય આપી રહ્યા છીએ. અમે શાંતિપૂર્ણ રીતે અમારી માંગણીઓ રજૂ કરી રહ્યા છીએ, પરંતુ જો અમને સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો અમને વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બનાવવાની ફરજ પડશે. અમારું આંદોલન અમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.' સામે પક્ષે લોકશાહી સમર્થકો પણ પ્રતિ-વિરોધની તૈયારી કરી રહ્યા છે.

અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મને લગતા સિલેબસને લઇને વિવાદ

અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીના સિલેબસને લઈને વિવાદ વકર્યો છે. આ સિલેબસમાં હિન્દુ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય મૂળના એક અમેરિકન વિદ્યાર્થીએ આ સિલેબસને લઈને વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીએ સિલેબસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમાં હિન્દુત્વને ઇસ્લામ સામે ઉપયોગમાં લેવાતું હથિયાર કરાર કરવામાં આવ્યું છે. આ સાથે જ તેના પ્રાચીન હોવાની વાતને પણ નકારી દીધી છે. આ મુદ્દે યુનિવર્સિટીએ કહ્યું કે, અમે વિદ્યાર્થી વસંત ભટ્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની સમીક્ષા કરી રહ્યા છે. યુનિવર્સિટીના `લિવ્ડ હિન્દુ રિલિજન' સિલેબસ ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે હાજર છે, જેમાં પ્રોફેસર આરોન માઇકલ ઉલરીના વીડિયો લેક્ચર સાપ્તાહિક રૂપે આપવામાં આવે છે. વસંત ભટ્ટ આ યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનનો વિદ્યાર્થી છે. તેણે કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ સોશિયલ સાયન્સના ડીન પાસે એક ફરિયાદ નોંધાવી છે. ભટ્ટ અનુસાર પ્રોફેસર ઉલરીએ કથિત રૂપે કહ્યું કે, હિન્દુ ધર્મ પ્રાચીન અને જીવિત ધર્મ નથી, પરંતુ આ રાજકીય ઉપકરણ છે. હિન્દુ રાષ્ટ્રવાદીઓ દ્વારા હથિયારના રૂપે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ લઘુમતીઓનું દમન કરવાની પ્રણાલી છે. રિપોર્ટ અનુસાર ભટ્ટે આ માટે પુરાવા પણ આપ્યા, જેમાં સિલેબસમાં કહેવામાં આવ્યું હતું કે, હિન્દુ શબ્દ આધુનિક છે અને આ શાસ્ત્રોમાં નથી જોવા મળતું.

ચીનમાં ડુક્કરની કિડનીનું માનવમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું

ચીનમાં સંશોધકોએ કરેલા દાવા અનુસાર પ્રાણીઓના અંગનું માનવ શરીરમાં પ્રત્યારોપણ કરવાના મામલે નવી દિશા સાંપડી છે. ચીનમાં ડોક્ટરો ડુક્કરની કિડની માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે અને હવે ડુક્કરનાં લીવર્સ પણ ભવિષ્યમાં માનવને ઉપયોગી બનશે તેવા સંકેત આપ્યા છે. આ ચીની દર્દી દુનિયામાં ત્રીજી વ્યક્તિ છે જે જનીન દ્વારા સંપાદિત ડુક્કરની કિડની સાથે જીવી રહી છે. આ જ સંશોધક ટીમે બ્રેઈન ડેડ વ્યક્તિના શરીરમાં ડુક્કરના લિવરને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પણ પ્રયોગ કર્યો છે. વૈજ્ઞાનિકો આ સિદ્ધિ હાંસલ કરવા માટે ડુક્કરનાં અંગોને માનવ સમાન બનાવવા માટે જિનેટિકલી તેમાં ફેરફાર કરી રહ્યા છે. તેમને આશા છે કે આમ કરી તેઓ ભવિષ્યમાં અંગોની અછતને નિવારી શકશે. અગાઉ યુએસમાં ડુક્કરના હૃદયને અને કિડનીઓને માનવ શરીરમાં બેસાડવાના અખતરા થઈ ચૂક્યા છે, પણ આ ચારે દર્દીઓ લાંબું ન જીવી શક્યા. પણ ડુક્કરની કિડની ધરાવતા બે દર્દીઓ જીવી રહ્યા છે. અલાબામાની એક મહિલામાં નવેમ્બરમાં અને ન્યૂ હેમ્પશાયરમાં જાન્યુઆરીમાં એક પુરુષમાં ડુક્કરની કિડનીઓ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. યુએસમાં આ મામલે ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાની છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ પડકારજનક છે, કેમ કે માનવ લીવર શરીરમાંથી કચરો દૂર કરવાનું, પોષકતત્ત્વો અને દવાઓનું વિભાજન કરવાનું, ચેપ સામે લડવાનું કામ કરે છે.

બ્રિટિશ રાજવી પરિવારનું સ્વાગત કરવા `ધૂમ મચા લે' આઇકોનિક બોલિવૂડ ટ્રેકની જમાવટ

તાજેતરમાં બ્રિટિશ રાજવી પરિવાર વાર્ષિક કોમનવેલ્થ ડે સમારોહ માટે ભેગા થયા હતા, જેમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજવી પરિવારનું નેતૃત્વ કર્યું હતું આગમન પર, એક હિન્દુ સ્કોટિશ પાઇપ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ દ્વારા `ધૂમ મચાલે'ની વિશિષ્ટ ધૂન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂથે ઇંગ્લેન્ડના રાજા અને રાણીનું સ્વાગત કરવા માટે આઇકોનિક બોલિવૂડ ટ્રેક પસંદ કર્યો, જેનાથી ભારતીય દર્શકો અચંબામાં મુકાઇ ગયા હતા. આ એક એવી ક્ષણ હતી જે પહેલી વાર બની. જોકે, શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર `ધૂમ મચાલે' પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો હતો અને તે વાઇરલ થઈ ગયો. ઘણા દર્શકોને તરત જ `ધૂમ 2' યાદ આવી ગઈ, જ્યાં રિતિક રોશન નાયક તરીકે રાણી એલિઝાબેથનો વેશ ધારણ કરીને એક લૂંટ મચાવે છે.