પ્રાચીન સમયમાં દુનિયામાં અનેક સભ્યતાઓએ જન્મ લીધો અને સમયની સાથે તે ભૂતકાળમાં ખોવાઈ ગઈ. એમાંની એક હતી માયા સભ્યતા કે જેને માયન સંસ્કૃતિ પણ કહે છે, જે મેક્સિકોની એક મહત્ત્વપૂર્ણ સભ્યતા હતી. પ્રાચીન માયા સભ્યતા ગ્વાટેમાલા, મેક્સિકો, હોંડુરાસ અને યુકાટન ઉપદ્વીપમાં સ્થપાયેલી હતી. માયા સભ્યતાની શરૂઆતથી લઇને તેના અંત સુધીની સફર રહસ્યમય છે, જેને હજુ પણ વધારે જાણવાનું કામ સંશોધકો કરી રહ્યા છે. સંશોધકોને અત્યાર સુધી મળેલી રહસ્યમયી અને રસપ્રદ જાણકારી પ્રસ્તુત છે.

માયા સભ્યતાનો આરંભ

આ સભ્યતાની શરૂઆત 1500 ઈ. પૂર્વેથી થઇ હોવાનું મનાય છે. 250થી 900 ઈ.સ.ની વચ્ચે માયા સંસ્કૃતિ પોતાની ચરમસીમા પર હતી. આ સભ્યતામાં ખગોળશાસ્ત્ર, ગણિત અને કાળચક્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હતું. મેક્સિકો આ સભ્યતાનો ગઢ હતું. આજે પણ અહીં આ સભ્યતાના અનુયાયી રહે છે. આમ તો આ વિસ્તારમાં ઇ.સ. પૂર્વે 10 હજાર વર્ષ પહેલાંથી વસવાટ શરૂ થવાનાં પ્રમાણ મળે છે. 1800 વર્ષ ઈ. પૂર્વેથી પ્રશાંત મહાસાગરના કિનારાના વિસ્તારોમાં ગામડાં વસવા લાગ્યાં હતાં, પણ પુરાતત્ત્વવેત્તાઓનું માનવું છે કે ઇસુથી આશરે 1000 વર્ષ પહેલાં માયા સભ્યતાના લોકોએ વિશેષ અનુષ્ઠાન માટે ઇમારત બનાવવાનું શરૂ કરી દીધું હતું. 600 વર્ષ સુધી અનેક ઇમારત બનાવી દેવામાં આવી હતી.

પિરામિડ

એવું કહેવાય છે કે મેક્સિકોમાં ચીચેન ઇટ્જા નામની જગ્યા માયા સભ્યતા દ્વારા બનાવવામાં આવી હતી, જે એક મોટું શહેર અને મુખ્ય કેન્દ્ર મનાતું હતું. જેનો સમાવેશ યુનેસ્કોની વિશ્વ ધરોહર સભ્યતામાં કરાયો છે. ચીચેન ઇટ્જામાં આકર્ષણનું કેન્દ્ર પિરામિડ `એલ કેસ્ટિલો' છે. પહેલાં પર્યટક એના ઉપર ચડતા હતા, પરંતુ પછીથી એના ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો. હાલમાં અહીં આશરે 42 મીટર ઊંચો નોહચ મૂળનો એકમાત્ર માયા પિરામિડ છે, જેના પર પર્યટકોને ચડવાની અનુમતિ છે.

માયા શાસનવ્યવસ્થા

માયા સભ્યતાની શાસનવ્યવસ્થામાં કોઇ ખાસ માહિતી હજુ સુધી મળી નથી. તેમ છતાં એવું કહેવાય છે કે, માયા શાસક પુરુષો હતા. ક્યારેક રાણીઓ પણ શાસન કરતી હતી એવા પુરાવા પણ મળ્યા છે. રાજાનું પદ પૈતૃક હતું. તેમના મૃત્યુ પછી મોટો દીકરો સિંહાસન પર બેસતો હતો. રાજા બહાદુર હોય એ અગત્યનું હતું.

કલાત્મક વિકાસનો યુગ

માયા સભ્યતાના લોકો કલા, ગણિત, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને લેખનના ક્ષેત્રમાં કુશળ હતા, તેથી તેને કલાત્મક વિકાસનો સ્વર્ણયુગ પણ કહેવામાં આવે છે. આ દરમિયાન ખેતી અને શહેરનો વિકાસ થયો હતો. આ સભ્યતાની ઉલ્લેખનીય ઇમારત પિરામિડ છે, જે ધાર્મિક કેન્દ્રના રૂપમાં બનાવી હતી.

માયન કેલેન્ડર

માયા સભ્યતાનું કેલેન્ડર વિશ્વ વિખ્યાત છે. જેનું પંચાંગ લગભગ 3400 ઈ. પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં દર 394 વર્ષ પછી બાકતુન નામના એક કાળનો અંત થાય છે. જેમાં વર્ષ 2012માં ધરતીનો અંત થવાની ભવિષ્યવાણી માયન કેલેન્ડરના આધારે કરાઈ હતી. જેની ચર્ચા ચારેકોર એટલી થઈ રહી હતી કે 2012 નામની ફિલ્મ પણ બની હતી, પરંતુ વાસ્તવમાં દુનિયા નહીં, પણ માયન કેલેન્ડર વર્ષ 2012માં પૂરું થતું હતું. આ સભ્યતાના લોકો ખોગોળ જ્ઞાનમાં નિપુણ હતા એવું માનવામાં આવે છે. માયા સભ્યતાએ જે કેલેન્ડર બનાવ્યું હતું એમાં વિવિધ ધાર્મિક તહેવારો અને ખગોળીય ઘટનાઓનું વર્ણન મળે છે. વૈજ્ઞાનિકોએ માયા સભ્યતા સાથે જોડાયેલ કુલ 478 અવશેષો શોધ્યા છે, જે ગ્વાટેમાલા અને દક્ષિણી મેક્સિકોમાં ફેલાયેલ છે. તેને જોતાં લાગે છે કે, સૂરજનું પહેલું કિરણ તેના ઉપર પડે એ રીતે બનાવવામાં આવ્યા હશે. એમાં 20 સંખ્યાનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે. માયા કેલેન્ડરમાં પણ 20 અંકનો ઉપયોગ વધારે વખત કરવામાં આવ્યો છે.