`લાઈફ ઇઝ નથિંગ બટ અ કોમ્પિટિશન ટુ બી ધ ક્રિમિનલ રાધર ધેન ધ વિક્ટિમ' એનિમલ રિલીઝ થયાને મહિનાઓ વીતી ગયા પછી પણ આલ્ફા મેનના નામે રડતા રહેતા રુદાલીઓને ક્રૂર લાગે એવું સટીક સત્ય કહેનાર બર્ટ્રાન્ડ રસેલના આ જાણીતા ક્વોટનો સાદો ભાવાનુવાદ થાય કે, `જિંદગી એટલે પીડિત નહિ પણ ગુનેગાર બનવાની સ્પર્ધા'. ડાર્વિનના સિદ્ધાંતને જ માનવજાતના સંદર્ભમાં વધુ ચોકસાઈપૂર્વક આ વિધાનમાં નોબેલ પ્રાઈઝ વિનરે કહ્યો. બર્ટ્રાન્ડ રસેલને સાહિત્યની કેટેગરીમાં નોબેલ મળ્યું હતું, તો શું તેઓ લેખક હતા? ના. તે હતા તર્કશાસ્ત્રી, ફિલસૂફ, વિચારક. આજની રાઈટ-વિંગર લોબી જેને બુદ્ધિજીવી કહીને વખોડી નાખે છે તેવો બૌદ્ધિક માણસ આજથી એક સદી પહેલાં થઇ ગયો. સુષ્ઠુ ફિલસૂફીમાં એણે એનાલિટિક ફિલસૂફીની શાર્પ શાખાનાં બીજ રોપ્યાં. દેખીતાં તથ્યોનું પૃથક્કરણ કરતાં તેણે શીખવાડ્યું. માટે એમના પરિચયમાં જ એવું કહેવાતું કે આ બ્રિટિશર પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ છે, પણ અત્યારે તો વાત બર્ટ્રાન્ડ રસેલને પણ ચડી જાય એવી એક વ્યક્તિની છે. એ વ્યક્તિ `કોણ?' એવો સવાલ ન પૂછતાં એ `વાત શું?' એ સવાલ વધુ યોગ્ય રહેશે.

આ રહ્યો સવાલનો જવાબ, થયું એવું કે એક વખત વિજ્ઞાનના પ્રખર હિમાયતી એવા બર્ટ્રાન્ડ રસેલે બ્રહ્માંડ-સૃષ્ટિ-દુનિયા જેવા વિષય ઉપર ગહન વ્યાખ્યાન આપ્યું. તેમનું વક્તવ્ય હજુ ચાલુ હતું ત્યાં ઓડિયન્સમાંથી એક બહેન ઊભાં થયાં. એ બહેનને માસી કહી શકાય એવડી એમની ઉંમર હશે. એ માસી બર્ટ્રાન્ડ રસેલને કહે કે, `તું ભાઈ બહુ બકવાસ કરી રહ્યો છે. આ પૃથ્વી ખરેખર તો સીધી સપાટ ડિશ જેવી છે અને તે ડિશનો ભાર એક વિશાળ કાચબાએ ઉપાડ્યો છે.' પ્રત્યેક પીઢ અને જ્ઞાની માણસની અદામાં રસેલે સ્મિત કર્યું અને બહુ નમ્રતા સાથે હકારાત્મક અંદાજમાં પૂછ્યું કે, `તો બહેન, મને એ કહી શકો કે તે કાચબો ક્યાં ઊભો છે?' પેલા માસીનો સણસણતો ઉત્તર: `તું તો બહુ બુદ્ધિશાળી છે ને કંઈ, તો એટલી ખબર નથી પડતી શું? દરેક કાચબો બીજા કાચબાની પીઠ ઉપર ઊભો હોય ભઈલા.' બર્ટ્રાન્ડ રસેલે ફરીથી સ્મિત કર્યું અને પોતાની હાર સ્વીકારી લીધી. બર્ટ્રાન્ડ રસેલ કરતાં પણ ચડિયાતી વ્યક્તિ કોણ? એ વ્યક્તિ એટલે આ માસી. એ ચડિયાતી વ્યક્તિ એટલે તમારા ફેસબુકમાં રહેલા ને યુવાન બનતા થનગનતા પેલા પચાસ વર્ષના ઢગા. તે વ્યક્તિ એટલે તમારા એકાદી પાડોશી. એ વ્યક્તિ એટલે ફેમિલી વોટ્સએપ ગ્રૂપમાં રાખવા પડેલા દૂરના એક સગા. એ વ્યક્તિ એટલે તમારા ઇન્સ્ટાગ્રામની દરેક સ્ટોરી ચૂપચાપ જોઇને અમારી પંચાત કરનારા તમારા નજીકના કહેવાતા હિતેચ્છુ. ભલભલો ભેજાબાજ માણસ જ્યાં હાર સ્વીકારી લે એવા અનેકાનેક અદ્ભુત ભેજાગેપ હસ્તીઓની વચ્ચે તો આપણે રહીએ છીએ. મજાની વાત એ છે કે આ લોકોની તાદાદ વધતી જાય છે.

દર દસકે વસ્તી ગણતરી કરનારા આ દેશમાં છેલ્લાં પંદર વર્ષથી કેમ વસ્તી ગણતરી થઇ નથી એ ખબર નથી. જેન ઝીને કદાચ હવે ખબર પડશે કે વસ્તી ગણતરીમાં ફક્ત નાગરિકોની સંખ્યા ન ગણે. સેક્સ (એટલે કે જાતિ), નાત, ઉંમર, આવક, કોમ, ધર્મ, ઘરની પ્રોપર્ટી, ભાષા, શિક્ષણ, શારીરિક ચેલેન્જ વગેરે ખાનાં પણ ભરાય. હવે વસ્તી ગણતરી કરવાની ગણતરી ક્યારે છે એ તો આપણને ખબર નથી, પણ હવે એક ખાનું ખાસ ઉમેરવું જોઈએ, મૂર્ખતા. મૂર્ખતા માપવા માટે કોઈએ મૂર્ખતા મીટર ઈજાદ કરવું જોઈએ. જેમ કોઈ વાચક આ ઉર્દૂ ઈજાદ શબ્દ સામે વાંધો ઉઠાવશે એમ વાતે વાતે વાંધો ઉઠાવનારાઓ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સાથે છૂટે હાથે વેરાયેલા મળી આવશે. ક્ષિતિજ સામે ધ્યાનથી છેલ્લે ક્યારે જોઈ હતી? ચારેબાજુ જે ક્ષિતિજ છે એટલા વિશાળ વિસ્તારમાં સાદી સમજણ અને જ્ઞાન ભરેલું છે, પણ મૂર્ખતાની શરૂઆત તો ક્ષિતિજને પેલે પારથી થાય. અનંત બ્રહ્માંડ પણ ટૂંકું પડે. સ્ટુપિડિટી અને ઇડિયોક્રેસી વચ્ચેની આ ઇડિયોસિન્ક્રેસીનું બોન્ડિંગ મજબૂત થતું જાય છે. હવે ફરક એટલો આવ્યો છે કે પહેલાં મૂર્ખતા શરમનો પાલવ ઓઢતી હવે તો અડધા બેવકૂફો દુનિયા ચલાવી રહ્યા છે!

છેલ્લા વાક્ય પરથી યાદ ઇન્ફ્લ્યુઅન્સર યાદ આવ્યા. અપવાદને બાદ કરતાં મોટાભાગના સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર એટલે જગતનો સરેરાશ આઈક્યૂ નીચે લઇ જવા માટે દિવસ-રાત મચી પડતા હોશિયાર મૂઢમતિઓ. દાનથી કે ડાન્સથી, ગાળથી કે વાળથી સતત પોતાનું ધ્યાન ખેંચવા માટે આ ઇન્ફ્લ્યુઅન્સર્સ કંઈ પણ કરી રહ્યા છે. કોમેડી એટલે શું એ કેટલા કોમેડિયનોને ખબર છે એ સવાલ છે. એમાં પણ સ્ટેન્ડઅપ કોમેડી તો આખું અલગ જ જોનર. એ જોનરની પેટા બ્રાન્ચ એટલે વડવાઈમાંથી વટવૃક્ષ બની ગયેલું રોસ્ટિંગ કલ્ચર. એ અમર્યાદ કલ્ચરની કોઈ સીમા હોતી નથી તો પણ એક લિમિટ હોય છે. વળી, એમાં કોઈ પોડકાસ્ટર પોતાની માઈનસની અક્કલનું પ્રદર્શન કોમેડીના નામે કરે તો આપણી નામદાર સુપ્રીમ કોર્ટ સહિત અડધો દેશ એમાં સમય બગાડે. સમય કે રણવીર પહેલાં ઉદિત નારાયણ ચર્ચામાં હતા. એની પહેલાં પણ આવા જ નોનસેન્સ વિષયો. માણસની ચર્ચાના ટોપિક બતાવે કે એ માણસનું સ્તર શું છે. એન્ડ માઈન્ડ યુ, આ દેશના લોકોના મગજનું સ્તર કે આ દેશના શેરબજારનો ઇન્ડેક્ષ બંને ગગડતા જાય છે.

વાત ઇન્સ્ટાગ્રામની નથી, વાત શિઅર સ્ટુપિડિટીની છે. ઠોઠ હોવું વાંક નથી, પણ પોતાની અક્કલહીનતાનું પ્રદર્શન બિનજામીનપાત્ર ગુનો હોવો જોઈએ. આવા ગુનેગારો અને ઉંમરને કોઈ સંબંધ નથી. એકદમ નવીનક્કોર પેઢી તો હજુ બરાબર છે, મિલેનિયલથી લઈને આધેડવયના લોકો ત્રાસ ફેલાવે છે. એ દુવર્ચની લોકોની જડતા પ્રગાઢ છે. તેમને પોતાની અણસમજ ઉપર અહંકાર છે. કુંભથી લઈને કામચોરી સુધીના વિષયોમાં તેઓ કમઠાણ કરતા રહે છે. અવગણી ન શકાય એવી સંખ્યામાં આ મુષકરાજ સ્થપાયેલું છે ને સિકંદર પણ એને જીતી શકે એમ નથી. અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલા આવા મહાન અબુધ લોકો સાથે રોજ પનારો પડશે. એવા સમયમાં પોતાની માનસિક સ્થિરતા જાળવી રાખવા શું કરવું?