16એપ્રિલ, 2022. આ તારીખ એક ભાગ્યે જ નોંધાતી ઘટનાની સાક્ષી બની. એ દિવસે રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં બહુ ડરામણું દૃશ્ય ઝિલાઈ ગયું. રીગલ કુમાર સિંઘ નામનો યુવાન પોલીસ વિભાગમાં નોકરી કરતો હતો. એ દિવસે એની ડ્યૂટી આગ્રાના રાજા કી મંડી રેલવે સ્ટેશન પર હતી. 34 વર્ષનો રીગલ દેખાવે સાજોસમો લાગતો હતો. ડ્યૂટી દરમિયાન રાત્રે સ્ટેશન ઉપર ખાસ ચહલપહલ નહોતી. સીસીટીવીમાં રેકોર્ડેડ દૃશ્ય મુજબ રીગલ સિંઘ પ્લેટફોર્મ ઉપર શાંતિથી ઊભેલો દેખાયો. એ જ સમયે પાટા પરથી લાંબીલચક ગુડ્ઝ ટ્રેન તેજ ગતિએ પસાર થઇ રહી હતી. કોણ જાણે શું થયું, પણ શાંતિથી ઊભેલો રીગલ સિંઘ કોઈ કારણ વિના હાથ પહોળા કરીને ફુદરડી ફરવા માંડ્યો. એવું લાગતું હતું કે કોઈ અદૃશ્ય શક્તિ એને ગોળ ગોળ ફેરવી રહી હોય. પછી એથીય વિચિત્ર ઘટના બની. કોઈકે બે ચક્કર ખવડાવીને હાથ છોડી દીધો હોય એ રીતે પ્લેટફોર્મ પર ઊભેલો રીગલ સિંઘ બાજુમાંથી પસાર થઇ રહેલી ગુડ્ઝ ટ્રેન તરફ લથડિયું ખાઈ ગયો. પ્લેટફોર્મના સીસીટીવીમાં એ સમયે રીગલ સિવાય ગણીને બે વ્યક્તિ દેખાઈ, જે પ્રમાણમાં દૂર હતી, એટલે લથડિયું ખાઈ રહેલા રીગલને બચાવનારું કોઈ નહોતું. કમનસીબ કોન્સ્ટેબલ તેજ ગતિએ દોડતી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે પડ્યો. ટ્રેન શરીર પરથી પસાર થઇ ગઈ અને બિચારા રીગલ સિંઘનું કમકમાટીભર્યું મૃત્યુ થયું! આ વીડિયો તાજેતરમાં ફરી એક વાર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
હવે આ સીસીટીવી ફૂટેજ જુઓ તો પહેલી નજરે એવું લાગે જાણે રેલવે સ્ટેશન પર ભટકતી કોઈ `અદૃશ્ય શક્તિ'એ યુવા કોન્સ્ટેબલનો ભોગ લીધો, પણ મેડિકલ કારણ મુજબ આ ઘટના પાછળ રીગલ સિંઘનો વાઈનો (epilepsy) રોગ જવાબદાર હતો. ઈસવીસન 2000 પૂર્વેનાં લખાણોમાં પણ એપિલેપ્સીનો ઉલ્લેખ જોવા મળે છે. એ સમયે તબીબી સંશોધનોના અભાવે લોકો એને અંધશ્રદ્ધા થકી મૂલવતા. હજી આજની તારીખેય અંધશ્રદ્ધાળુઓનો મોટો વર્ગ આ બીમારીને મેલી વિદ્યા કે દુષ્ટ આત્માઓનું કારસ્તાન ગણી લે છે. એટલા માટે જ આ રોગ વિશે દરેક જાગૃત નાગરિકે બેઝિક ઇન્ફોર્મેશન્સ મેળવવી જોઈએ.
આ એક જટિલ માનસિક બીમારી છે, જેને સમજતા પહેલાં ન્યુરલ ઓસિલેશન (Neural oscillation) શબ્દસમૂહ સમજવો પડે. ન્યુરલ શબ્દ મસ્તિષ્ક સાથે જોડાયેલ ચેતાતંત્રનું માળખું સૂચવે છે, જ્યારે ઓસિલેશનનો અર્થ થાય કંપન અથવા દોલન.
ન્યુરલ ઓસિલેશન એ મગજમાં ન્યુરોન્સની (ચેતાકોષો) વિદ્યુતીય પ્રવૃત્તિનું નિયમિત અથવા લયબદ્ધ સ્વરૂપ છે, જે મગજના વિવિધ ભાગોમાં સંકેતોનું સંકલન કરવામાં અને ડેટા એનાલિસિસ કરવામાં મદદ કરે છે. તેને `બ્રેન વેવ્ઝ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વેવ્ઝ પાછા આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને થિટા જેવા વિવિધ તરંગોના નામે ઓળખાય છે. આ તરંગો ઇલેક્ટ્રોનસેફાલોગ્રામ (EEG) દ્વારા માપવામાં આવે છે. આ તરંગો ઊંઘ, જાગૃત અવસ્થા, ધ્યાન અથવા યાદશક્તિ જેવી સ્થિતિઓ સાથે સંકળાયેલા હોય છે. ઉદાહરણ તરીકે, ગામા તરંગો (30-100 હર્ટ્ઝ) ઉચ્ચ માનસિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, જ્યારે ડેલ્ટા તરંગો (0.5-4 હર્ટ્ઝ) ઊંડી ઊંઘ દરમિયાન રેકોર્ડ થતા જોવા મળે છે. આ ઓસિલેશનનું અવલોકન એપીલેપ્સી જેવી સ્થિતિને સમજવામાં પણ મહત્ત્વનું છે. જ્યારે ન્યુરલ ઓસિલેશનમાં કંઈક ગરબડ પેદા થાય, ત્યારે વ્યક્તિ અચાનક એબનોર્મલ વર્તણૂકનો શિકાર બને છે. જેમ કે, શરીર ખેંચાઈ જવું કે પછી રીગલ સિંઘની માફક ગોળ ચકરી ખાઈ જવી. આ વખતે વ્યક્તિને પોતાનેય ભાન નથી રહેતું કે એનું શરીર કઈ રીતે વર્તી રહ્યું છે. અનેક લોકોએ વાઈના હુમલા વખતે પોતાની જ જીભ કચરી નાખી હોવાના દાખલા છે. આવા એટેક સીઝર્સ (Seizure) તરીકે પણ ઓળખાય છે. સાદી ભાષામાં એને ખેંચ આવવી પણ કહેવાય.
લો બ્લડ સુગર, માથામાં ઇજા, તાજેતરમાં આવેલ સ્ટ્રોક જેવાં અનેક કારણોસર ખેંચ આવી શકે છે, પણ કેટલાક લોકોને કોઈ કારણ વિનાય ખેંચ આવી જાય છે. જો આવું એકથી વધુ વાર બને, તો એ વ્યક્તિને એપિલેપ્સી (વાઈનો રોગ) હોવાનું નિદાન થાય. શરૂઆતમાં જેની વાત કરી, એ કમનસીબ પોલીસ કોન્સ્ટેબલ રીગલ સિંઘને Gyratory seizures તરીકે ઓળખાતી સમસ્યા હતી.
ગાયરેટરી સીઝર્સ એ એપિલેપ્સીનો એક દુર્લભ પ્રકાર છે, જેમાં વ્યક્તિનું શરીર તેની ઊભી ધરીની આસપાસ ઓછામાં ઓછું 180 ડિગ્રી ફરે છે. આ સીઝર્સ દરમિયાન માથું, ધડ અથવા આખું શરીર ગોળાકાર રીતે ફરી શકે છે, જે ઊભા, બેઠેલા કે સૂતેલી અવસ્થા દરમિયાન થઈ શકે છે. ગાયરેટરી સીઝર્સ સામાન્ય રીતે થોડી સેકન્ડથી બે મિનિટ સુધી ચાલે છે. ગાયરેટરી સીઝર્સ થાય એ સમયે માથું જબરદસ્ત રીતે ફરવું, હાથ-પગમાં અકળામણ અને બેભાન થઇ જવાની ઘટના બને છે.
અમુક દર્દીઓ એકની એક પ્રવૃત્તિ (જેમ કે હોઠ ચાવવા) કરતા જોવા મળી શકે છે.
મગજની મોટાભાગની બીમારીઓની જેમ જ સીઝર્સ અથવા એપિલેપ્સી પણ જટિલ બીમારી ગણાય છે, પણ એના ઈલાજ માટે દવાઓથી માંડીને સર્જરી સુધીના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. સીઝર્સ મગજના ચોક્કસ હિસ્સાના બ્રેઈન વેવ્ઝ ડિસ્ટર્બ થવાથી પેદા થતી હોય, તો એ ભાગની સર્જરીનો ઉપાય કારગર નીવડે છે. એનાથી દર્દી સંપૂર્ણ સાજો ન થાય તો પણ વાઈના હુમલામાં ઘટાડો તો જોવા મળે જ છે. બસ, એટલું યાદ રાખવું કે આવી બીમારીઓ વખતે સૌથી મહત્ત્વની બાબત હોય છે વૈજ્ઞાનિક અભિગમ.