આમ તો નર્મદા પરિક્રમા એ 4000 કિમીનો મોટો રૂટ છે. 4000 કિમીની આ પરિક્રમા ટોટલ 18 દિવસની હોય છે અને તે ઓમકારેશ્વર અને અમરકંટકથી શરૂ થાય છે, પણ ગુજરાતવાસીઓ નાની નર્મદા પરિક્રમા પણ કરી શકે છે. આ સમયે રોજ અઢળક લોકો વડોદરાથી આગળ રામપુરાથી નાની નર્મદા પરિક્રમા કરવાનો લાભ લે છે. ચાલો તો આજે ગુજરાત આંગણે થતી નર્મદા પરિક્રમા વિશે વાત કરી લઇએ.
ઇતિહાસ
એવું કહેવાય છે કે એકવાર ગંગા મૈયા અને નર્મદા મૈયા બંને તપ કરવા બેઠાં હતાં. એમાંથી ગંગા મૈયાનું તપ પહેલાં પૂરું થયું. એમણે શિવજી પાસે પોતાને એમની જટામાં સમાવી લેવાનું વરદાન માંગ્યું. શિવજીએ એમને પોતાની જટામાં સ્થાન આપ્યું. થોડીવાર બાદ નર્મદા માતાનું તપ સમાપ્ત થયું એટલે એમણે ભગવાન પાસે પોતાના દેવતાઓને લઇને એમની અંદર સમાઇ જવાનું વરદાન માંગ્યું. શિવજીએ એમની ઇચ્છા પૂર્ણ કરી અને એ તમામ દેવતાઓને લઇને નર્મદામાં સમાઇ ગયા. એટલે શાસ્ત્રોમાં નર્મદાની પરિક્રમાનું માહાત્મ્ય વિશેષ છે, કેમ કે નર્મદાની પરિક્રમા મતલબ કે સમગ્ર દેવતાઓની પરિક્રમા. શાસ્ત્રોમાં નર્મદા તટે અનેક દેવતાઓ અને ઋષિ-મુનિઓએ તપસ્યા કરી હોવાનું કહેવાય છે. એટલે અહીંના દરેક પથ્થરને શિવ તરીકે પૂજાય છે.
નર્મદા પરિક્રમાની ઝાંખી
વડોદરાથી આગળ રામપુરાથી શરૂ થતી પરિક્રમા મૂળ 18 કિમીની હોય છે. ગુજરાતમાંથી કોઇ પણ જગ્યાએથી આવતા લોકોએ સૌપ્રથમ વડોદરા પહોંચવાનું હોય છે. ત્યાંથી પ્રાઇવેટ વાહન થકી રામપુરા રણછોડરાયના આશ્રમ સુધી પહોંચી શકાય છે. રણછોડરાયના આશ્રમથી કીડી-મકોડી ઘાટથી નર્મદાની પરિક્રમા શરૂ થાય છે. પરિક્રમા પહેલાં રણછોડરાય આશ્રમમાં દર્શન કરવાનો લહાવો ચોક્કસ લેવો. અહીં ભગવાન રણછોડરાયની મૂર્તિ અયોધ્યામાં સ્થિત રામ ભગવાન જેવી જ એક પથ્થરમાંથી બનેલી છે. કીડી-મકોડી ઘાટ આગળ જેને સ્નાન કરવાની ઇચ્છા હોય એના માટે ખાસ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે જાણીએ જ છીએ કે એ તરફ મગરનો ભય રહે છે, એટલે જ લોકોની સુરક્ષા માટે નર્મદાનું પાણી આવે એવા ફુવારાઓ અહીં રાખવામાં આવ્યા છે, જેથી ઘાટ ઉપર નહાવાથી કોઇ જોખમ ન રહે.
કીડી-મકોડી ઘાટથી રેંગણ ગામ ઘાટ સુધીનાં મંદિરો
નર્મદા પરિક્રમા દરમિયાન થોડા થોડા અંતરે નાનાં-મોટાં મંદિરો અને આશ્રમો આવતાં રહે છે. કીડી-મકોડીથી તમે શરૂઆત કરશો તો સૌપ્રથમ રામપુરા ગામમાં દશાવતારમ મંદિર આવશે. એ પછી ધનેશ્વર મહાદેવ મંદિર, ત્યાંથી આગળ માંગરોલ ગામ પાસે મંગલેશ્વર મહાદેવનું મંદિર, તપોવન આશ્રમ, મારુતિ મંદિર, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ અને છેલ્લે સીતારામ આશ્રમ આવે છે. આ રૂટ દક્ષિણ તટનો છે. દક્ષિણ તટ તરફ તમને રસ્તામાં આટલાં મંદિરો અને આશ્રમ જોવા મળશે. એ પછી પોન્ટુન બ્રિજને ક્રોસ કરવાનો રહેશે. બ્રિજ ક્રોસ કર્યા પછી મારુતિ ધામ, નર્મદેશ્વર, નર્મદા મંદિર તેમજ તિલકેશ્વર મંદિર આવે છે. ઉત્તર તટ ઉપર આગળ મણિનારેશ્વર, રેવા આશ્રમ, વાસણ ગામ, વાસુદેવ આશ્રમ અને છેક છેલ્લે રેંગણ ગામ ઘાટ આવે છે. અહીંથી હોડીમાં બેસીને ફરી કીડી-મકોડી ઘાટ ઉપર આવશો એટલે 18 કિમીની તમારી પરિક્રમા પૂર્ણ થઇ ગણાશે.
કેટલો સમય લાગે?
માત્ર 18 કિમીનો જ રસ્તો હોવાથી મોટાભાગે 3થી 4 કલાકમાં એ પરિક્રમા પૂરી થઇ જતી હોય છે, પણ રસ્તામાં થોડા થોડા અંતરે આરામ માટે સુવિધા, ભોજનની તેમજ પાણીની સુવિધાઓ વિશેષરૂપે છે. એટલે એનો લાભ લઇને શાંતિથી ચાલો, બધાં મંદિરોનાં દર્શન કરતાં કરતાં ફરો તો 5થી 7 કલાકનો મેક્સિમમ સમય લાગી શકે છે.
આ પરિક્રમા કરતાં કરતાં સમજાશે કે રસ્તામાં મંડપ બાંધીને લોકોને આરામ માટે તો સુવિધા પૂરી પડાઇ જ છે, સાથે સાથે રસ્તામાં આવતાં આશ્રમોમાં પણ ચોવીસ કલાક ભોજનથી લઇને સૂવાની વ્યવસ્થા પણ છે, જેથી યાત્રાળુઓને મુશ્કેલી ન થાય. પરિક્રમાનો રૂટ નાનો છે એટલે ચાલતી વખતે સામાન સાથે રાખવાની કોઈ જરૂર નથી. રસ્તામાં તમામ સુવિધાઓ મળી રહે છે તેથી વધારે સામાનના ભારથી બચવું હોય તો સામાનને વાહન ઉપર જ છોડી દેવો. બીજું કે ચાલવા માટે આરામદાયક ફૂટવેરની જ પસંદગી કરવી.
