મુહમ્મદ અલીને 11 વર્ષ પછી `પ્લે બોય' ફરીથી મળ્યું. આ બીજો ઈન્ટરવ્યૂ લોરેન્સ લિન્ડરમેને લીધો. પહેલો જ સવાલ એવો કર્યો કે હજુ પણ તું કેશ્યસ ક્લે જ હોત તો અત્યારે શું કરતો હોત?
મુહમ્મદ અલીએ જે જવાબ આપ્યો એનો સાર એવો હતો કે: જલસા કરતો હોત, બૉક્સિંગ પ્રત્યે કે ઓવર ઓલ લાઈફ પ્રત્યે બેધ્યાન થઈ ગયો હોત. મુહમ્મદ અલીએ કહ્યું: `કેશ્યસ ક્લે અત્યારે ફ્રાન્સમાં પેરિસ જઈને ટ્રેનિંગ આપતો હોત અથવા તો પ્રમોટર્સે કોઈ બીચ સાઈડ હોટલમાં મારા માટે રૂમો બુક કરાવી હોત ને હું ત્યાં હોત. નહીં તો પછી જમૈકાની કોઈ પોશ હોટલમાં ટ્રેનિંગ આપતો હોત. અત્યારે હું કોઈ લેડીને મળું તો હું એની સાથે ઈસ્લામ ધર્મના ઉમદા સિદ્ધાંતો વિશે ચર્ચા કરીને એની જિંદગીમાં કોઈક રીતે હેલ્પફુલ થવાની કોશિશ કરતો હોઉં છું. કેશ્યસ ક્લે એને કોઈ હૉટલની રૂમમાં લઈ જઈને યૂઝ કરતો હોત. અત્યારે હું કેશ્યસ ક્લે હોત તો ફ્લોઈડ પેટર્સન જેવો હોત.'
પેટર્સન પણ બ્લેક બૉક્સિંગ ચેમ્પિયન હતો. મુહમ્મદ અલી કરતાં સિનિયર. 1952ની હેલસિંકી ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિનર, પણ એકદમ નોન કોન્ટ્રોવર્શિયલ. મુહમ્મદ અલીને એ હંમેશાં કેશ્યસ ક્લે તરીકે જ બોલાવતો રહ્યો અને 1965માં અલીએ એને હરાવ્યો હતો.
મુહમ્મદ અલી `પ્લે બોય'ને કહે છે: `પેટર્સનની જેમ મેં પણ ગોરી છોકરી સાથે લગ્ન કરી લીધાં હોત અને અત્યારે હું બ્લેક પીપલને રિપ્રેઝન્ટ ન કરતો હોત. પેટર્સન જ શું કામ બીજા એવા કેટલાય બ્લેક પીપલ છે જે સેલિબ્રિટીઝ છે, પણ કોન્ટ્રોવર્સીમાં પડવા નથી માગતા એટલે બ્લેક લોકોના રાઈટ્સ વિશે ચૂપ રહે છે. કેશ્યસ ક્લે એવો જ હોત. વિવાદ ઊભો કરીને પોતાનું સ્થાન જોખમમાં ન મૂકતો હોત. આજે પણ હું કેશ્યસ ક્લે હોત તો ન્યૂ યોર્કની કોઈ મોટી હોટલમાં રહેતો હોત અને ગોરી છોકરીઓથી છલોછલ એવા ડિસ્કોથેકમાં જઈને ત્યાંની સૌથી ચીકની છોકરી જોડે આખી રાત મજા કરતો હોત.'
ઈન્ટરવ્યૂઅર અલીને એક ઈન્ટરેસ્ટિંગ સવાલ પૂછે છે: `સામેવાળો તગડો બોક્સર તારા મોઢા પર એક જોરદાર મુક્કો મારે ત્યારે તને ફિઝિકલી કેવું સેન્સેશન થાય?'
અલી સરસ સમજાવે છે : `ઝાડની એક મજબૂત ડાળી હાથમાં લઈને જમીન પર પછાડી જુઓ. તમારા આખા હાથમાં જે ઝણઝણાટી થશે તેવી જ લાગણી એ વખતે આખા શરીરમાં થતી હોય છે અને એ સેન્સેશન દૂર કરવા તમને ઓછામાં ઓછી 10થી 20 સેકન્ડ્સ જોઈએ, પણ જો એની પહેલાં જ ફરી તમારા શરીર પર ઔર એક મુક્કો પડે તો ફરી બોઇંઇંઇંઇંગ...'પ્રશ્નકર્તા પૂછે છે કે, `આવો જોરદાર મુક્કો પડ્યા પછી તું જે કરવા માગે તે પ્રમાણે તારું બોડી રિસ્પોન્ડ કરતું હોય છે?'
`ના', મુહમ્મદ અલી કહે છે, `કારણ કે તમારું માઈન્ડ તમારા બોડીને કંટ્રોલ કરતું હોય છે અને શરીરના કોઈ પણ હિસ્સા પર એક જોરદાર મુક્કો પડ્યા પછી માઈન્ડની વિચારશક્તિ ખોરવાઈ જતી હોય છે. તમે નમ્બ થઈ જાઓ છો. તમને ખબર નથી હોતી કે તમે ક્યાં છો. પેઈન નથી હોતું, જસ્ટ ઝણઝણાટી હોય છે. (કારણ કે પેઈન તો આ એક્સાઈટમેન્ટ શમી ગયા પછી ઊભરતું હોય છે) પણ તે વખતે મને ઓટોમેટિકલી ખબર હોય છે કે આવું થાય ત્યારે મારે આવું કરવાનું. કોઈ જગ્યાએ ફાયર લાગે ને તરત જ સ્પ્રિન્કલર સિસ્ટમ કેવી ઓટોમેટિક રીતે શરૂ થઈ જાય, એવું જ કંઈક. મુક્કો વાગે ને હું સ્ટન થઈ જઉં ત્યારે મારામાં એવી કોઈ કોન્શિયસનેસ નથી હોતી કે હું એક્ઝેક્ટલી ક્યાં છું ને શું થઈ રહ્યું છે, પણ હું રિંગમાં કોન્સ્ટન્ટ મારી જાતને કહ્યા કરતો હોઉં છું કે મારે ડાન્સ કરવાનો છે, દોડવાનું છે, સામેવાળાને ભીંસમાં લેવાનો છે, માથું નીચું રાખીને મુક્કાથી બચવાનું છે. હું જ્યારે કોન્શિયસ હોઉં છું ત્યારે સતત મારી જાતને આવું કહ્યા કરતો હોઉં છું એટલે શરીર પર જોરદાર પ્રહાર આવે ત્યારે ઓટોમેટિકલી હું એ વિચારો મુજબ જ વર્તન કરી શકું છું. માર તો પડે. બૉક્સિંગમાં કોઈને પણ માર પડે. મને પણ બહુ માર પડ્યો છે. બધા જ ગ્રેટ ફાઈટર્સે માર ખાધો છે. શ્યુગર રે, જો લુઈ, રોકી માર્ચિયાનો. બધા જ, પણ આ ગ્રેટ ફાઈટરોમાં એવી ક્વોલિટી હોય છે જે બધામાં નથી જોવા મળતી. એ લોકોને ટકી રહેતા આવડે છે, સ્વસ્થતા પાછી ન આવે ત્યાં સુધી ટકી રહેતા આવડે છે. હારીને બેસી જતા નથી, રિંગ છોડીને જતા નથી રહેતા. મારામાં પણ આ ક્વોલિટી છે. એટલે જ હું ગ્રેટ ડિફેન્સિવ ફાઈટર ગણાઉં છું.'
`પ્લે બોય' એને પૂછે છે, `જ્યોર્જ ફોરમેન જેવા બોક્સરોને તું ફાઈટ પહેલાં ગમે તેવી ગાળો આપતો હોય છે. એમાં તને શું ફાયદો થાય?'
મુહમ્મદ અલીનો જવાબ વાંચવા જેવો છે: `યુ મીન મેં એને `મમ્મી' કેમ કહ્યું એમ? અરે ભાઈ, એની ચાલ જ એવી છે (પ્રેગ્નન્ટ સ્ત્રી જેવી!) લિસન, તમને કોઈ ગાળો આપે અને તમે તમારો પિત્તો ગુમાવી બેસો, ગુસ્સે થઈ જાઓ તો તમારું જજમેન્ટ ઓફ માર્ક થઈ જવાનું. પછી તમારું થિન્કિંગ હોવું જોઈએ એટલું શાર્પ નથી રહેતું!'
મુહમ્મદ અલીમાં અને બૉક્સિંગમાં તમને ઇન્ટરેસ્ટ હોય કે ન હોય, સમજવાનું એ છે કે જિંદગીમાં જે કંઈ તમને જોઈએ છે તે મેળવવા માટે કષ્ટ ઉઠાવ્યા વિના છૂટકો નથી. તમારા ઘરની ચાર દીવાલો વચ્ચે સુરક્ષિત ફીલ કરતાં કરતાં કે તમારા કામના કમ્ફર્ટ ઝોનમાં મહાલ્યા કરીને તમે કોઈ ઊંચી સિદ્ધિ પામી શકવાના નથી. પડવું પડશે, આખડવું પડશે, મુક્કાઓ સહન કરવા પડશે. બોઇંઇંઇંઇંવાળી ઝણઝણાટી ફીલ કરતા રહીને પણ સામે આવતા સંજોગોને મુક્કાઓ મારવા પડશે. રિંગમાં પ્રવેશતા પહેલાં ટ્રેનિંગ વખતે પરસેવો જેટલો પાડ્યો હશે એટલું લોહી ઓછું વહેશે તમારું, પણ પેઈન તો સહન કરવું જ પડશે તમારે. જો જિંદગીમાં કંઈક એવું અસાધારણ પ્રાપ્ત કરવું હશે તો.
મુહમ્મદ અલીની જિંદગી પરથી જે સૌથી મોટી વાત શીખવાની તે એ કે દુનિયા તમને ન જોતી હોય ત્યારે તમારે પીડા સહન કરવાની છે. તમારી સહનશીલતાની મર્યાદા આવી ગયા પછી જ તમારી ખરી તાલીમ શરૂ થતી હોય છે. સક્સેસ ક્યારેય, કોઈનેય તાસક પર ન મળે. તૈયાર ભાણે જમવા બેસી જવાનાં ખ્વાબ જોનારાઓ ભૂખે મરતા હોય છે. દરેક ઝળહળતી સફળતા પાછળ ટેલેન્ટ ઉપરાંત આકરો પરિશ્રમ હોય છે.
3 વર્ષ અને 7 મહિનાના વનવાસ પછી 28 વર્ષની ઉંમરે મુહમ્મદ અલીએ તે વખતના નંબર વન હેવીવેઈટ ચેમ્પિયન સામે લડીને પોતાનું સ્થાન પાછું મેળવવાનું હતું. એની પાસે તૈયારી કરવા માટે માત્ર 6 જ અઠવાડિયાં હતાં.
ટ્રેનિંગ દરમ્યાન એના નાનપણના મિત્ર અને ભૂતપૂર્વ હેવીવેઈટ ચેમ્પિયન જિમી એલિસનો મુક્કો વાગતાં અલીની એક પાંસળી તૂટી ગઈ હતી. પાંસળીના ફ્રેક્ચર સાથે અલી એ મેચ રમ્યો અને ત્રીજા જ રાઉન્ડમાં જીતી ગયો.
42 વર્ષની ઉંમરે અલીને પાર્કિન્સન્સ ડિસીઝ છે એવું નિદાન થયું. આ રોગમાં શરૂમાં તમારી શારીરિક ક્રિયાઓ મંદ પડતી જાય, હાલવાચાલવાની તકલીફ પડવા માંડે. પાછળથી દિમાગ પર અસર પડે. તમારું થિન્કિંગ ખોરવાઈ જાય, તમારું વર્તન અનનેચરલ બની જાય અને આ રોગ આગળ વધે એમ યાદદાસ્ત તમે ગુમાવતા જાઓ, ડિપ્રેશનમાં સરી પડો. મુહમ્મદ અલી જિંદગીના છેલ્લા ત્રણ દાયકા આ રોગ સાથે જીવ્યો.
મુહમ્મદ અલીની લોકપ્રિયતા માત્ર એની સફળતાને આભારી નહોતી, કે નહોતી એને મળેલી પબ્લિસિટી એના ભડભડિયાપણાને આભારી. બૉક્સિંગના ફિલ્ડની સફળતા અને એનું બેફામ બોલવાનું તો એની લોકપ્રિયતાનું ઉપરછલ્લું લક્ષણ હતું. બ્લેક, વ્હાઈટ તમામ અમેરિકનોને પ્રેરણા મળી એના મક્કમ મનોબળમાંથી. શારીરિક તાકાતની એક સીમા હોય છે. દરેક વ્યક્તિમાં એ સીમા ઉપર નીચે હોવાની, પણ દરેક વ્યક્તિ પોતાની આ સીમા ઓળંગીને શારીરિક સહનશક્તિને વધારી શકે છે. માનસિક બળ દ્વારા મુહમ્મદ અલી પોતાનાં બૉક્સિંગ યર્સ દરમ્યાન સતત આ વાત પુરવાર કરતો રહ્યો. એની લોકપ્રિયતાનું ખરું કારણ આ હતું. નાનામાં નાના માણસને પણ, જેણે બૉક્સિંગની રમતમાં ક્યારેય જરા સરખો રસ લીધો નથી એને પણ મુહમ્મદ અલીના જીવનમાંથી પ્રેરણા મળતી રહી.
1999માં `ટાઈમ' સાપ્તાહિકે વીસમી સદીના 100 મોસ્ટ ઈમ્પોર્ટન્ટ લોકોની યાદીમાં મુહમ્મદ અલીનું નામ મૂક્યું હતું. ઈનામ-અકરામો અને માન-સન્માનનો તો ઢગલો. ખૂબ લોકોએ એને પ્રેમ કર્યો અને કેટલાય લોકોના ધિક્કારને, અણગમાને પાત્ર પણ રહ્યો. સવાલ એ નથી કે કેટલા લોકોને તમે નથી ગમતા. સવાલ એ પણ નથી કે કેટલા લોકોને તમે ગમો છો. સવાલ એ છે કે તમે તમને ગમો છો કે નહીં. જિંદગીમાં તમે જે કંઈ કર્યું છે, કરી રહ્યા છો અને કરવા માગો છો તે તમારું ગમતું છે કે નહીં. આ જ સૌથી અગત્યનો સવાલ છે, કારણ કે તમે જો તમને ગમતા હશો તો ભગવાનને પણ તમે ગમવાના છો અને એક વખત ભગવાનને તમે ગમતા થઈ ગયા તો બીજું કોઈ તમારી દરકાર કરે કે નહીં, એ ઉપર બેઠાં બેઠાં તમારી ચિંતા જરૂર કરવાનો, જેવી રીતે એણે મુહમ્મદ અલીની કરી.
સાયલન્સ પ્લીઝ!
ઘરમાં હું બહુ જ ભલો માણસ છું, પણ મારે દુનિયાને જણાવવું નથી કે હું કેવો છું.
મને ખબર છે કે ભલા માણસોને દુનિયા આગળ આવવા નથી દેતી.
