એપ્રિલના અંતિમ દિવસો દરમિયાન જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વધુ એક વાર યુદ્ધની પરિસ્થિતિએ આવીને ઊભા છે. ધારો કે વોર થાય અને એમાં સમયાંતરે ચીન-અમેરિકા સહિતના દેશો પણ કૂદી પડે તો? આ તમામ દેશો પાસે હજારો અણુશસ્ત્રો છે. યુદ્ધની ગરમાગરમીમાં અણુશસ્ત્રોનો મારો થવા માંડે તો આપણે નજીકના ભવિષ્યમાં `ન્યૂક્લિયર વિન્ટર' વેઠવાનો વારો આવે.

 વિશ્વમાં આજની તારીખે 12,000 કરતાં વધુ અણુશસ્ત્રો છે. જે પૈકી અમેરિકા અને રશિયા પાંચ-પાંચ હજાર કરતાં વધુ ન્યૂક્લિયર વેપન્સ ધરાવે છે. બાકીના 7 દેશોમાં બ્રિટન, ફ્રાન્સ, ભારત, ચીન, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયેલનો સમાવેશ થાય છે. ઇઝરાયેલ (90) અને ઉ. કોરિયા(50) ને બાદ કરતાં દરેક દેશ પાસે 100 ઉપરાંત અણુશસ્ત્રો છે. ઇન ધેટ કેસ, ન્યૂક્લિયર વેપન્સ ધરાવતા દેશો વચ્ચે જો ખરેખર ભીષણ યુદ્ધ ફાટી નીકળે અને એ લાંબું ચાલે, તો બે-પાંચ નહિ પણ કદાચ પચ્ચીસ-પચાસ અણુશસ્ત્રોય વપરાઈ જાય. જો આવું થાય તો વિશ્વને પર્યાવરણ બાબતે અનેક વિકટ પરિસ્થિતિઓ વેઠવાનો વારો આવે. આવી જ એક પર્યાવરણીય સ્થિતિ એટલે `ન્યૂક્લિયર વિન્ટર'.

 પરમાણુ વિસ્ફોટોને કારણે વાતાવરણમાં વિશાળ પ્રમાણમાં ધૂળ, રાખ અને ધુમાડો ફેલાય છે, જે દિવસો સુધી સૂર્યપ્રકાશને અવરોધે છે. આનાથી પૃથ્વીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટી જાય. લાંબા સમય સુધી વિસ્ફોટની અસર હેઠળના પૃથ્વીના વિસ્તારોમાં જાણે કાતિલ શિયાળો બેસી જાય! આ ઘટનાને `ન્યૂક્લિયર વિન્ટર' કહેવાય છે. ઘણી જગ્યાએ તો વાતાવરણ ધ્રુવ પ્રદેશોના શિયાળા જેવું દુષ્કર બની રહે. ન્યૂક્લિયર વિન્ટરની બીજી પણ કેટલીક અસરો જોવા મળી શકે છે. જેમ કે, વૈશ્વિક તાપમાનમાં 5થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થાય, જે વર્ષો સુધી ટકી રહે. આનાથી ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર ગંભીર અસર પડે છે. અપૂરતા સૂર્યપ્રકાશને કારણે પાકનું ઉત્પાદન ઘટે, જે વૈશ્વિક ખાદ્ય સંકટ અને દુષ્કાળનું કારણ બને છે.

 બીજી તરફ થોડી જુદી અસરોય જોવા મળી શકે. જેમ કે, પરમાણુ વિસ્ફોટ પૃથ્વીના ઓઝોન સ્તરને નુકસાન કરે તો સૂર્યનાં હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો માણસનું જીવવું હરામ કરી નાખે. સ્કિન કેન્સરથી માંડીને અનેક ઉપાધિઓ ઊભી થાય. ઉપરાંત પૃથ્વીની ઇકોસિસ્ટમ પણ મોટા પાયે ખોરવાઈ જાય. આ બધા ચક્કરમાં સજીવોની અનેક પ્રજાતિઓ લુપ્ત થઇ જાય. આટલું ઓછું હોય તેમ પરમાણુ હુમલાઓમાં બચી ગયેલા લોકો બીજા સુરક્ષિત પ્રદેશોમાં સ્થળાંતર કરે. એમાં ખોરાક-પાણીની અછત, વંશીય સમસ્યાઓથી માંડીને ધંધા-રોજગારને લગતી આર્થિક સમસ્યાઓ સુધીના પ્રશ્નો ઊભા થાય.

 આજ સુધી વિશ્વએ (સદ્નસીબે) ક્યારેય આવી પરિસ્થિતિ જોઈ નથી. તો પછી ન્યૂક્લિયર વિન્ટરની અસરો વિશે આપણને કઈ રીતે ખબર પડી? જવાબ છે TTAPS.

 TTAPS એ એક વૈજ્ઞાનિક ટીમનું સંક્ષિપ્ત નામ છે, જે તેના સભ્યોના નામના પ્રથમ અક્ષરો પરથી પડ્યું. આ સભ્યો એટલે રિચાર્ડ પી. ટર્કો (Turco), ઓવન બી. ટૂન (Toon), થોમસ પી. એકરમેન (Ackerman), જેમ્સ બી. પોલેક (Pollack) અને કાર્લ સેગન (Sagan). આમાં કાર્લ સેગનનું નામ સૌથી વધારે જાણીતું છે. સેગન કોર્નેલ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રોફેસર હતા અને NASAના અનેક મિશન્સ જેમ કે, વાયકિંગ અને વોયેજરમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કાર્યરત હતા. Cosmos નામક પુસ્તક લખીને એમણે અવકાશ વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું. એના ઉપરથી એક લોકપ્રિય ટીવી સીરિઝ પણ બનેલી.

 TTAPS ટીમે 1983માં ન્યૂક્લિયર વિન્ટરની પરિકલ્પનાને વિકસાવી અને લોકપ્રિય બનાવી. તેમનું સંશોધન પેપર Science નામક જર્નલમાં 23 ડિસેમ્બર, 1983ના રોજ પબ્લિશ થયેલું. એમાં પરમાણુ યુદ્ધની પર્યાવરણીય અસરોનું વિગતવાર મોડલિંગ કરવામાં આવ્યું હતું. આ અધ્યયનમાં `ન્યૂક્લિયર વિન્ટર'ને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું તેમજ તેની અસરો વિશે માહિતી અપાઈ. આ મોડલ સમજીએ.

 પરમાણુ યુદ્ધમાં હજારો મેગાટનનાં પરમાણુ શસ્ત્રો વપરાય. પરિણામે શહેરો, ઔદ્યોગિક વિસ્તારો અને જંગલોમાં અનેક વિનાશક વિસ્ફોટો થાય. આ વિસ્ફોટો રીતસરના ફાયર સ્ટોર્મ (આગનાં તોફાનો) પેદા કરે, જેના પરિણામે લાખો ટન ધુમાડો, રાખ અને કાળો કાર્બન પેદા થઈને વાતાવરણમાં ફેલાય જાય. ખાટલે મોટી ખોડ એ છે કે વિસ્ફોટોની ઊર્જા અને આગની ગરમી કાર્બન પાર્ટિકલ્સ, ધુમાડા અને રાખને વાતાવરણના ઉચ્ચ સ્તરો ખાસ કરીને ટ્રોપોસ્ફિયર (પૃથ્વીની સપાટીથી 0-12 કિમી) અને સ્ટ્રેટોસ્ફિયર (પૃથ્વીની સપાટીથી 12-50 કિમી) સુધી પહોંચાડી દે. કાર્બન વજનમાં હળવો હોવાથી એ સ્તરે લાંબો સમય ટકી રહે છે અને પૃથ્વી પર પહોંચતા સૂર્યપ્રકાશને સ્ટ્રેટોસ્ફિયરમાં જ શોષી લે છે. સ્ટ્રેટોસ્ફિયરમાં વરસાદ પણ બહુ ઓછો હોવાનો, એટલે આ પાર્ટિકલ્સ મહિનાઓ કે વર્ષો સુધી ત્યાં જ ટકી રહે છે. ઊલટાના વૈશ્વિક સ્તરે ફેલાતા રહે છે. TTAPS અધ્યયન મુજબ આ ધુમાડાનું સ્તર 50-80 % સૂર્યપ્રકાશને અવરોધી શકે છે,

જેનાથી પૃથ્વીની સપાટી પર `અંધકાર' જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સાથે જ પૃથ્વીનું તાપમાન ઝડપથી ઘટી જાય, જે ગ્લોબલ કૂલિંગની પરિસ્થિતિ પેદા કરી નાખે. ઇન શોર્ટ, પરફેક્ટ ડિઝાસ્ટર.

 હવે આ બધા વચ્ચે સૌથી મજાની વાત એ છે કે કેટલાક ટીકાકારોએ સેગન સહિત TTAPS ઉપર ન્યૂક્લિયર વિન્ટરની અસરોને લઈને અતિશયોક્તિ કરવાનો આરોપ લગાવેલો. સોવિયત ગુપ્તચર અધિકારી સર્ગેઇ ટ્રેટ્યાકોવના દાવા મુજબ ન્યૂક્લિયર વિન્ટરની સંકલ્પના KGBના પ્રચારનો ભાગ હતી. જોકે, આ દાવાને કોઈ અધિકારિક સમર્થન મળ્યું નથી.