જુલિયા રોબર્ટ્સ. પહોળી મોંફાડ ધરાવતો હોલિવૂડનો જાણીતો ચહેરો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ. અડધી દુનિયામાં ને ભારતમાં પણ પ્રચલિત થયેલી ફિલ્મ `પ્રીટિ વુમન' ઘણા શોખીનોની ઓલ ટાઇમ ફેવરિટ ફિલ્મ છે. (પ્રીટિ વુમનનો ચાર્મિંગ હીરો એટલે રિચાર્ડ ગેર જે વર્ષો પહેલાં શિલ્પા શેટ્ટી ઉપર વરસી પડેલો.) જુલિયા આમ તો પત્રકારનું ભણેલી, પણ એની પહોળી ચમકીલી સ્માઇલ તેને ઔર ખૂબસૂરત બનાવતી. ફિલ્મોમાં આવી. ઘણી સારી અને મનોરંજક ફિલ્મો કરી. ખૂબ ગમતી પ્રેમકહાની એટલે `નોટિંગ હિલ'નો એનો ડાયલોગ `આઈ એમ જસ્ટ અ ગર્લ, સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ બોય, આસ્કિંગ હિમ ટુ લવ હર.' આ આઇકોનિક લાઇન જાણે અમર થઈ ગઈ છે. જુલિયા આ લાઇન બહુ સાદગીપૂર્ણ રીતે સહજતાથી બોલી હતી. જોનારના હૃદયને સ્પર્શી જાય એ રીતે. તેની બીજી એક ફિલ્મ `ઇટ પ્રે લવ'નો મોટો ભાગ ભારતમાં શૂટ થયેલો. જેમાં તેનું પાત્ર ભારતમાં આધ્યાત્મિકતા અને સ્વયંની ખોજમાં આવે છે. જોકે, જુલિયા પોતે નીમ કરોલી બાબાની ભક્ત છે. પોતે રૂટિન લાઇફમાં પણ હિન્દુ વિચારધારાને અનુસરે છે અને ભારતના વિચારો સાથે તેને બહુ લગાવ છે.

આ જુલિયા રોબર્ટ્સને આજ સુધી એકમાત્ર ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. એ ફિલ્મનું નામ છે - એરિન બ્રોકોવિચ. આ નામ એક અમેરિકન મહિલા એક્ટિવિસ્ટનું છે, જે પર્યાવરણવાદી છે અને ગ્રાહક સુરક્ષા માટે લડતો ચલાવે છે. અમેરિકાની એક જાયન્ટ કંપની નામે પેસિફિક ગેસ એન્ડ ઇલેક્ટ્રિકની સામે આ મહિલા મેદાને પડી હતી. આ કંપની કેલિફોર્નિયામાં પીવાના પાણીમાં ટોક્સિક કેમિકલ છોડતી હતી. ક્રોમિયમ પીવાના પાણીમાં ભળવાના કારણે ઘણા અમેરિકન નાગરિકોની તબિયત બગડવા માંડેલી. આ આખો કાંડ એરિને ખુલ્લો પાડેલો. તે મસમોટી કંપની સામે લડી. તેની અથાગ મહેનતને કારણે અમેરિકન લૉ-સૂટના ઇતિહાસમાં પર્યાવરણીય સંદર્ભમાં સૌથી મોટું ગણાય એવું સેટલમેન્ટ થયેલું, 333 મિલિયન ડોલર, એ પણ 1996ની સાલમાં. એરિને બહુ મોટું કામ કરેલું. આ સત્યવાર્તા ઉપરથી 2000ની સાલમાં ફિલ્મ આવી, જેનું શીર્ષક એટલે આ મહિલાનું નામ જ. આ ફિલ્મમાં એરિન બ્રોકોવિચનું પાત્ર જુલિયા રોબર્ટ્સે ભજવ્યું હતું. તેનું નામ એકેડેમી એવોર્ડ માટે નોમિનેટ થયું. તેને ઓસ્કાર મળ્યો. અમેરિકન વ્હાઈટ હાઉસ પૉલિટિક્સ ઉપર બનેલી સૌથી વધુ ચોકસાઈ ધરાવતી સીરિઝ જેને ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખો પણ જોતા રહેતા હોય છે એવી `હાઉસ ઓફ કાર્ડ્સ'ના મુખ્ય અભિનેતા કેવિન સ્પેસીએ જુલિયા રોબર્ટ્સના નામની જાહેરાત કરી. ભાવવિભોર થઈને જુલિયા એવોર્ડ સ્વીકારવા માટે સ્ટેજ ઉપર આવી. હવે સ્ટેજ ઉપર આવ્યા પછી જે કંઈ થયું એ મહત્ત્વનું છે. એ સ્ટેજ ઉપર જુલિયાએ શું કર્યું એ કહેવા માટે જ આટલી લાંબી પ્રસ્તાવનાની કથા બાંધી.

જુલિયાએ ઓસ્કારના સ્ટેજ ઉપર કોઈ અશોભનીય કે અણછાજતું વર્તન કર્યું ન હતું. એ બહુ ખુશ હતી, પણ તે સમયે પણ દરેક ઓસ્કાર વિનરને બોલવા માટે પિસ્તાળીસ સેકન્ડથી વધીને એક મિનિટ સુધીનો સમય આપવામાં આવતો હોય. જુલિયાએ પૂરી સાડા ચાર મિનિટથી વધુ સમય લીધો. સ્ટેજ ઉપર માઇક પાસે આવતાવેંત તેણે ઓર્કેસ્ટ્રા કન્ડક્ટરને સંબોધીને કહ્યું કે, `તમે બહુ સરસ કામ કરી રહ્યા છો, પણ તમે બહુ ઝડપથી તમારા હાથમાં રહેલી સ્ટિક ચલાવી રહ્યા છો તો અમને ડિસ્ટર્બ થાય છે. પ્લીઝ, બેસી જાઓને, કારણ કે હું બીજી વખત આ સ્ટેજ ઉપર આવવાની નથી. `ઓડિયન્સે અને પેલા માણસે પણ જુલિયાની આ ટિપ્પણી ખેલદિલીપૂર્વક જ લીધી. બધા હસ્યા. પછી જુલિયાને શું બોલવું એ એને પોતાને નહોતી ખબર, કારણ કે એ એટલી ખુશ હતી. ઓડિયન્સે વચ્ચે વચ્ચે હસીને અને તાળીઓ પાડીને તેને ટેકો આપ્યો. પછી જુલિયાએ બધાનો આભાર માનવાનું શરૂ કર્યું. ફિલ્મના ડિરેક્ટરથી લઈને આખી કાસ્ટ એન્ડ ક્રૂ વગેરે. પોતાના ફેમિલી મેમ્બર, પોતાનો બોયફ્રેન્ડ વગેરે. એની સ્પીચમાં વચ્ચે ઓસ્કાર કમિટીએ ઘડિયાળ બતાવી તો એમાં પણ જુલિયાએ કમેન્ટ કરી કે હું તો મારો પૂરો સમય લઇશ જ. ઓડિયન્સ ફરીથી હસ્યું. છેલ્લે બધાનો આભાર માનીને હરખઘેલી જુલિયા ઓસ્કાર ટ્રોફી લઈને નીચે ઊતરી ગઈ. આમાં એણે શું ભૂલ કરી?

જુલિયા રોબર્ટ્સની સૌથી મોટી ભૂલ એ કે તે એ રિયલ વ્યક્તિનો આભાર માનવાનું જ ભૂલી ગઈ, જેનું પાત્ર ભજવીને તેને આ ઓસ્કાર મળેલો. ફિલ્મનું નામ અને એ પર્સનાલિટીનું નામ - એરિન બ્રોકોવિચ. મીડિયાએ તેને પછી પૂછ્યું પણ ખરું કે તમે એરિનનો આભાર પણ ન માન્યો? જુલિયાએ પોતાની ભૂલ સ્વીકારી. મીડિયાએ જ્યારે એરિન બ્રોકોવિચને પૂછ્યું કે, `તમારી ઉપર બનેલી ફિલ્મમાં બેસ્ટ એક્ટર તરીકે એવોર્ડ તમારું પાત્ર ભજવનારી એક્ટ્રેસને મળ્યો, પણ એને એવોર્ડ સ્વીકારતી વખતે તમારો ઉલ્લેખ ન કર્યો તો તમને કેવું લાગે છે?' ત્યારે એ પાકટ મહિલાએ પીઢ જવાબ આપ્યો કે, `એમાં મને જરા પણ ખોટું નથી લાગ્યું.

ફિલ્મને કોઈ પણ કેટેગરીમાં એવોર્ડ મળ્યો એ જ મોટી વાત છે.' ખાનદાની સ્પોટેડ. વિરાટવાચકો, અહીં એક પોઝ લો અને વિચારો. આપણા વર્તુળમાં એવા કેટલા લોકો છે, આપણા સગાંસંબંધીઓના ગ્રૂપમાં એવા કેટલા માણસો છે જે એક સમયે કઈ ન હતા ત્યારે આપણને બહુ ભાવથી યાદ કરતા અને આજે તેઓ મોટા માણસ બની ગયા છે, તો આપણને યાદ કરવાનું તો દૂર આપણો ઉલ્લેખ પણ ભૂલી જાય છે?

આપણા ટચમાં એવા કેટલા લોકો છે જે એક સમયે આપણી સાથે ચોવીસ કલાક રહેવાનું પસંદ કરતા ને હવે ચોવીસ મહિનાથી તેઓ આપણા ટચમાં રહ્યા નથી. આપણી આત્મકથા જો લખાય તો એવા કેટલા લોકો તેનો હિસ્સો બની શકે જે કેટલું બધું અને કેવું બધું સાવ ભૂલી ગયા છે? એવી કેટલી ઘટનાઓના આપણે સાક્ષી બન્યા હઈશું કે આવી અણીની ક્ષણ ઉપર જે તે માણસ મુખ્ય વ્યક્તિને ભૂલી જાય અને થોડો સેલ્ફ સેન્ટર્ડ બની જાય? દુઃખમાં કે સુખમાં પોતાના ઇમોશનને કંટ્રોલ ન કરી શકે અને એકદમ ઘેલા થઈને વહી જાય એવા કેટલા લોકોને ઓળખીએ છીએ? શું એ અશક્ય છે કે એ યાદીમાં આપણે પણ ન હોઈએ? એવી કેટલી વ્યક્તિઓને જાણતા હોઈશું જેની સાથે અન્યાય થયો હોય તો પણ એ હસતું મોઢું રાખીને જતું કરે અને સમભાવની દૃષ્ટિ રાખીને પરિપક્વતા દાખવે? જાહેર જગ્યા ઉપર થોડી ડિસન્સી ચૂકી ગયા હોય એવા કેટલા પ્રસંગો કે સ્ટેજ પ્રોગ્રામો કે વીડિયો આપણે જોતા હોઈએ છીએ? ટોચ ઉપર પહોંચીને નીચે જવાનો રસ્તો જ ભુલાઈ જાય એ હજુ ચાલે, પણ નીચે જોવાની નજર પણ જતી રહે એવા કેટલા લોકોને આપણે ઓળખીએ છીએ? લોકો આવું કેમ કરતા હશે દોસ્તો?