કટાઈ ગયેલા તાળાને ખોલવા ઊંઝણ આપવું પડે. ગામના ચોરા આગળથી પસાર થતા વજેસંગને ભારે સોખમણ થઈ. થયું, કોઈ ઓળખી જશે તો દુઃખ સાથે નવાઇ પામીને કહેશે: `અરે! વજેસંગ તમારી આ હાલત થઇ?' અંગ ઉપરનાં મેલાં ને જર્જરિત કપડાંને સરખા કરતો તે ચોકમાં ઊભો રહ્યો, પણ ચોરા વાંઝણીના ખોળા જેમ સાવ ખાલી હતો. કોઈ માણસ બેઠું નહોતું. `હાશ, કોઈ મનેખ જ બેઠું નથી તે ઓળખે કોણ?' વજેસંગ ઉચાટના બદલે હાશકારો અનુભવતા આગળ વધ્યા. ત્યાં એકાએક ઊગી આવ્યું: `ભલે કોઈ માણસો નથી, પણ ચોરા સામેનો ચોક તો તને ઓળખે છેને?' પછી સ્વગત સ્વીકારી લેવાયું: `હા, એ ખરું હો!'
જ્યારે નવરાત્રિ દરમિયાન ભવાઈવેશમાં દેવરો, નવઘણ ને રાજા ભરથરીનું પાત્ર ભજવતો તે કોણ ભૂલી શકે? વજેસંગથી ઊભા રહી જવાયું. પછી ચારેબાજુ ઓશિયાળી નજરે જોઈ લીધું. સઘળું બદલાઇ ગયું હતું પોતાના જેમ. ઊંડો નિસાસો નાખી ભારે હૈયે આગળ વધ્યા. પાછા તો વળી શકાય એવું નહોતું.
વજેસંગ રોડ પરના બસસ્ટેન્ડે ઊતર્યો ત્યારે ઉનાળાનો ધોમ ધખ્યો હતો. વૈશાખી વાયરા તનને ભૂંજી નાખે એવા વાતા હતા. દૂર ભાસતો વગડો અને ગામનું પાદર સૂનકાર ઓઢીને ઊભાં હતાં. આ બધું જોઈ એવું થઇ આવ્યું, પોતે ક્યાંક કોઈ ભળતા ગામમાં તો આવી ચઢ્યા નથીને?
`ભાઈ, ભૂલો તો હું આ ભવાટવીમાં પડ્યો છું.' બળબળતા નિસાસા સાથે કહે: `પણ હવે કે'વું કોને?'
વજેસંગ ગામડું છોડી વર્ષોથી સુરતમાં વસવાટ કરતા હતા, પણ પુત્રના પરિવાર સાથે ફ્લેટમાં રહેવું ફાવતું નથી. વળતી ને ઢળતી અવસ્થા વતનમાં ગામડે પસાર કરવા આવ્યા હતા.
વહુ ને દીકરો વજેસંગને અછોઅછોવાના કરે છે, આદરભાવથી સાચવે છે, પણ પત્નીના ગયાં પછી તેમને ક્યાંય ગોઠતું નથી, સાવ એકલવાયું લાગે છે. ખરું કહો તો સંસાર પરથી મન ઊઠી ગયું હતું!
અવાવરું ને સાવ હવડ થયેલા ઘરની ઓસરી ચઢીને વજેસંગ ઊભા રહ્યા. ત્યાં એક આધેડ વટાવીને પ્રૌઢના પગથારે ઊભી હોય એવી સ્ત્રી સામે આવીને ઊભી રહી.પછી મોં મરકાવીને બોલી: `તમે વજેસંગ છોને?' તે બાઘાની જેમ સ્ત્રી સામે જોઈ રહ્યો. ત્યાં તે વણનોતરી વરસી પડી: `ઘરની ચિંતા નો કરતા, એ ઝાપટઝૂપટ કરી ચોખ્ખુંચણક કરી દે'શ!' પછી નેણ નચાવી, આંખો ઉલાળીને બોલી ગઈ: `મારી હાજરી હોય અને આણલદેના મનનો માનેલો માણિગર દેવરો હાથ સાવરણી લે એ કેમ બને?' તે વણથંભી આગળ વધી ગઈ: `દેવરાના હાથમાં તો એયને પ્રીતના સૂર છેડતો પાવો શોભે, સમજ્યા?'
`પ્રીતનો પાવો..!' આવું બોલી વજેસંગ આંખનું મટકું મારવું વીસરી જઈ ટગર ટગર જોતો રહ્યો.
`મને ક્યાંથી ઓળખો?' પછી ઓસરીનું પગથિયું ઊતરતા કહે: `એ... પાછી આવીને ઓળખાણ પાડું!' તે સ્ત્રી પાછી આવવાની ઉતાવળે ઝડપથી ગઈ હોય એવું લાગ્યું. વજેસંગ તેની લચકા લેતી પીઠને તાકી રહ્યો. તેને થયું, ઢળતી ઉંમરે પ્રીતના પાવા વગાડવાનું કહેવાવાળી આ ગાજવીજ વગરની વાદળી જેવી બાઈ એકાએક ક્યાંથી આવી ચઢી! પણ સારું લાગ્યું. તે ઊભો થઇ, ખિસ્સામાંથી ચાવી કાઢી કમાડ પર ટીંગાતા તાળાને ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યાં કાન પર કાંકરીચાળો થયો: `એ કટાઈ ગયેલા તાળાને ખોલવા ઊંઝણ આપવું પડે.' ઉરાઉર આવી આંખમાં આંખ પરોવીને કહે: `એકલી ચાવી બિચારી શું કરે?'
વજેસંગ સજ્જડબંબ થઇ થાંભલી જેમ ખોડાઈ રહ્યા. તે દરમિયાન આવતલ સ્ત્રીએ ચીવટ રાખી તાળામાં તેલ પૂરી, આમતેમ ચાવી ફેરવીને તાળું ખોલી નાખ્યું. પછી કમાડ ઉઘાડ્યાં. અવાવરું ગંધ આળસ મરડી બહાર ધસી આવી. બેઉનાં મોં બગડી ગયાં. ત્યાં તે મર્માળું બોલી: `ઘડીક એવું લાગે, પછી સાફસૂથરું થઇ જાય!' વજેસંગને ગુસ્સો આવ્યો. થયું આ સ્ત્રી જરૂર વગરનું વધારે પડતું બોલી રહી છે.
`હું આવવાનો છું એવું અગાઉથી કહી દીધું હોત તો ઘર સાફસુથરું કરી રાખત.' પછી સાડીનો છેડો કેડમાં ખોસતાં કહે: `મને પોતાની માની જ ક્યાં છે તે કહે, આ તો હું એવી આફૂરડી છું તે હરખપદુડી થઇને વગર બોલાવ્યે આવી ગઈ!'
વજેસંગને થઇ આવ્યું, તારી જીભડી તાળવે ઘાલી બોલવાનું બંધ કર ને આવી એ પગલે ચાલતી થા. મારે કોઈની જરૂર નથી, પણ સ્ત્રીની લાગણી ને સાલસતા સામે તે સમસમીને ચૂપ રહ્યા.
`તમારા સમાચાર મને મળતા'તા.' સંજવારી કાઢતાં તે બોલી: `એક તો કાળઝાળ મોંઘવારીમાં બાર સાંધો ત્યાં તેર તૂટે. એમાં દીકરા પણ શું કરે? વળી, કામધંધા ભાંગી પડ્યા છે!' સ્ત્રીનું સોના જેવું નગદ સત્ય કહેવું સાંભળી વજેસંગ તાજ્જુબ થઇ ગયા. સ્ત્રીનો રૂપાની ઘંટડી જેવો મૃદુલ રણકો, સંભારણાંની સાંકળ ખખડાવે છે, પણ ઓળખ જેવું કંઈ હૈયે છે પણ હોઠે આવતું નથી. પછી જાતે બોલી ગયા: `નબળા દિવસોમાં માણસ ભલભલું ભૂલી જાય!'
ઘરવખરી ઠીકઠાક કરી સ્ત્રી વજેસંગ સામે ઊભી રહી. મનમાં ઘણું ભરેલું હતું, પણ એટલું જ બોલી : `તમારામાંથી દેવરો ભલે મરી પરવાર્યો હોય, પણ મારામાં હજી આણલદે જીવે છે હોં!'