આપણે જેને ગુજરાતીમાં `બરોળ' કહીએ છીએ, તેને અમે વૈદ્યો `પ્લીહા' અને ઈંગ્લિશમાં તેને `સ્પ્લીન' કહે છે. આ બરોળ પેટમાં ડાબી બાજુ છેલ્લી પાંસળી નીચે આવેલી હોય છે.

આ બરોળ જો તેની નોર્મલ અવસ્થામાં હોય તો પેટ પર દબાવવાથી તે જાણી શકાતી નથી, કારણ કે તે પાંસળીઓની પાછળ નીચે રહેલી હોવાથી સ્પર્શી શકાતી નથી, પરંતુ એ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે તેને પાંસળી નીચે તેના સ્થાને દબાવવાથી સ્પર્શી શકાય છે.

આપણા શરીરમાં ઉત્પન્ન થતા એવા ઘણા રોગો છે કે જેને લીધે બરોળનું કદ હોવું જોઈએ તે કરતાં વધી જાય છે. આમાંથી કયા રોગને લીધે બરોળ વધી છે, એ મૂળભૂત કારણોને ધ્યાનમાં રાખીને જો ઉપચાર કરવામાં આવે તો વધી ગયેલી બરોળને તેની સામાન્ય-નોર્મલ અવસ્થામાં લાવી શકાય.

આપણા દેશમાં બરોળ વધી જવા માટેનું સૌથી મૂળભૂત કારણ મેલેરિયા છે. મેલેરિયાને આયુર્વેદમાં `વિષમ જ્વર' કહેવામાં આવે છે. વિષમ જ્વર વિશે અહીં નિરૂપણ કરતો નથી, પરંતુ વધી ગયેલી બરોળ તેની મૂળ નોર્મલ અવસ્થામાં આવે એવો આયુર્વેદિક ઉપચાર જણાવું છું.

વકરી ગયેલી બરોળને શાંત કરનાર ઉત્તમ ઔષધ છે, `શરપંખો'. આ શરપંખો ગુજરાતમાં સર્વત્ર થાય છે. આ શરપંખાના`પ્લીહારિ' અને `પ્લીહશત્રુ' એવાં સંસ્કૃતમાં બે નામ છે. જે એવું સૂચન કરે છે કે એ વકરી ગયેલી બરોળનો શત્રુ છે. આ કારણથી જ અને તેના પ્રત્યક્ષ ફળદાયી પરિણામને લીધે જ હજારો વર્ષથી આપણા દેશમાં વૈદ્યો તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

મૂળ સંસ્કૃત નામ `શરપુંખ' પરથી શરપંખો શબ્દ ઊતરી આવ્યો છે અને ચોમાસામાં તો એ પુષ્કળ ઊગી નીકળે છે. આ શરપંખાનું પાંદડું વચ્ચેથી તોડવામાં આવે તો તે સીધું તૂટતું નથી. તીરના બે છેડાની જેમ તૂટે છે, તેથી તેને શરપુંખ કહે છે.

વધી ગયેલી અથવા વકરી ગયેલી બરોળને અમે વૈદ્યો `પ્લીહોદર' કહીએ છીએ. જો આ રોગને જલદી મટાડવામાં ન આવે તો તેમાંથી `જળોદર' થઈ શકે છે. બરોળ ઉપરાંત આ શરપંખાનો ઉપયોગ કંઠમાળ અને અંડવૃદ્ધિમાં પણ ઉત્તમ લાભ આપે છે.

આવી વૃદ્ધિ પામેલી બરોળ માટે આ પ્રમાણે આયુર્વેદીય ઉપચાર કરી શકાય કે જેથી તે સામાન્ય અવસ્થામાં આવે.

શરપંખાનાં મૂળિયાં સારી રીતે ગરમ પાણીમાં ધોઈને સૂકવી લેવાં. સુકાયેલાં આ મૂળિયાંનું બારીક ચૂર્ણ બનાવી લેવું. પા ચમચી જેટલું આ ચૂર્ણ તાજી મોળી એક ગ્લાસ છાશમાં નાખી, સવારે અને સાંજે પીવું. આ પ્રયોગ દોઢ-બે મહિના કરવાથી ભયંકર વૃદ્ધિ પામેલી બરોળ પણ શાંત થાય છે અને નોર્મલ બને છે.

મહાસુદર્શન ઘનવટી બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી.

સંશમનીવટી બે-બે ગોળી સવારે અને રાત્રે લેવી.

આરોગ્યવર્ધિની બે-બે ટેબ્લેટ બપોરે અને રાત્રે જમ્યા પછી લેવી.

દર ત્રીજા કે ચોથા દિવસે એક હળવો જુલાબ લેવો.