હોળીનો તહેવાર નજીક આવવા માંડે ત્યારે પ્રદીપ ઉર્ફે પદિયાના દિલની ધડકન તેજ થવા માંડતી. હોળીનો તહેવાર પદિયા માટે કાયમ `આફ્ટર ઈફેક્ટ્સ' મૂકીને જતો હતો. વાત એવી હતી કે પ્રદીપ યાને કી પદિયાના દોસ્તોને હિંસક હોળી રમવાનો ગાંડો શોખ હતો. એ લોકો કાયમ એવા એવા રંગોથી હોળી રમતા હતા, જેને શરીર પરથી જવામાં, ઊતરવામાં મિનિમમ અઠવાડિયું લાગતું.

આવા રંગોથી રંગાયેલો બાહુક એક અઠવાડિયા સુધી `કાબરચીતરા ગલૂડિયા' જેવો બની ગામમાં ફર્યા કરતો હતો. પદિયો પણ કાયમ આવા રંગોથી રંગાઈ ખૂબ હેરાન થતો. ચહેરા અને વાળમાંથી રંગ કાઢવા એ જાતજાતનાં સાબુ, શેમ્પૂ વાપરતો, પણ રંગ જતો જ નહોતો. કેરોસીન, થીનર, પેટ્રોલ જેવા વાસ મારતાં દ્રાવણો ઘસી નહાતો. ત્યારે કલર થોડો ઝાંખો થતો. સાત દિવસ ગેબી વાસવાળો પદિયો સમાજથી `મુંહ છૂપાને કે લિયે' ઘરમાં એક રૂમમાં ભરાઈને બેસી રહેતો. એનો ઓરિજિનલ કલર પાછો આવે ત્યારે પદિયો ઘરમાંથી બહાર નીકળતો. ટૂંકમાં, પદિયો એના મિત્રોના આતંકી `હોળી પરના હાહાકાર'થી હેરાન પરેશાન રહેતો.

પણ આ વર્ષે પદિયાએ એક ભેદી આઈડિયા વિચારી નાખ્યો હતો. ભૂતકાળમાં એણે એવાં બહાનાં કાઢ્યાં હતાં કે, `મને તાવ છે.', `મારાં સગાં ગુજરી ગયાં છે, મારે શોક છે.' પણ આવાં બધાં બહાનાની પદિયાના દોસ્તો પર અસર નહોતી થતી, એ એને રંગીને જ જતા હતા. એટલે પદિયાએ હોળીના દિવસે ઘરમાંથી ભાગી જવાનું નક્કી કર્યું. શહેરની બહાર હાઈવે પર એક બગીચો હતો ત્યાં એણે આખો દિવસ બેસી રહેવાનો પ્લાન બનાવી નાંખ્યો.

હોળીના દિવસે સવારે નાસ્તા-પાણી લઈ પદિયો શહેરની બહારના બગીચા તરફ પોતાનું ઠાઠિયું સ્કૂટર લઈ ધસી ગયો. પોતાની સાથે નાસ્તો, પાણી, શેતરંજી, વાંચવાનાં પુસ્તક લઈ બગીચામાં ગયો. એક ખૂણામાં ઝાડ નીચે એણે પોતાની `રાવટી તાણવાનું' નક્કી કર્યું, પણ ત્યાં ઓલરેડી કેટલાંક કૂતરાં અડ્ડો જમાવી બેઠાં હતાં. પોતાના એરિયામાં અજાણી વ્યક્તિને `પગપેસારો' કરતાં જોઈ કૂતરાંઓ ભસાભસી કરવા માંડ્યાં. સરકારી જમીન પર `ગેરકાયદે કબજો' કરવા સરકારી કર્મચારીને લાંચ આપવી પડે એમ એણે કૂતરાંઓને બિસ્કિટની લાંચ આપી, એટલે કૂતરાંઓએ પદિયાને ઘૂસણખોરી કરવાની પરમિશન આપી.

પદિયાએ શેતરંજી પાથરી ઝાડ નીચે પોતાના સામ્રાજ્યનો પગદંડો જમાવ્યો. શેતરંજી પર લંબાવી એણે શરૂઆતમાં થોડો ટાઈમ મોબાઈલમાં ભેદી-ગેબી વીડિયો જોયા. એ જોઈને કંટાળ્યો એટલે એણે ચોપડી કાઢી વાર્તા વાંચવાની શરૂ કરી. એમાંયે એ કંટાળ્યો એટલે એણે સાથે લાવેલા થર્મોસમાંથી ચા કાઢી અને ચા સાથે નાસ્તો કરવા માંડ્યો. પેટ ભરીને નાસ્તો કર્યો એટલે એને ઘેન ચડ્યું. એટલે પદીયાએ શેતરંજી પર લંબાવ્યું અને થોડીવારમાં એ ઘરઘસાટ ઊંઘી ગયો, પણ અડધા કલાક પછી ચિત્રવિચિત્ર અવાજોના કારણે પદિયો સફાળો જાગી ગયો. જાગીને એણે જે દૃશ્ય જોયું એ જોઈ પદિયો ડઘાઈ ગયો.

કાચી ઊંઘમાંથી જાગેલા પદિયાએ જોયું તો વાંદરાંનું એક ટોળું ત્યાં પદિયાના નાસ્તાના ડબ્બાઓ ખોલી નાસ્તાની જયાફત ઉડાવી રહ્યું હતું. પદિયાના નાસ્તા પર પોતાનો હક છે એવું માની કૂતરાં વાંદરાં સામે ભસી રહ્યાં હતાં. પદિયાએ વાંદરાંને ભગાડવા પ્રયત્ન કર્યો તો વાંદરાંએ સામો હુમલો કર્યો. પદિયાએ વાંદરાંથી બચવા છુટ્ટો પથરો માર્યો, પણ એ પથરો કૂતરાને વાગ્યો. કૂતરાએ પદિયાને વાંદરાંની `પાલટીવાળો' સમજી એના પર હુમલો કર્યો. પદિયા પર વાંદરાં અને કૂતરાંએ `દ્વિપાંખીયો હુમલો' કર્યો. પદિયો ભડક્યો ને ભાગ્યો, પણ બગીચામાં પાણી છાંટેલું હતું એટલે એના કાદવમાં પદિયો `સ...ર...ર...' કરતો સરક્યો અને ભફાંગ કરતો મોંઢાભેર પડ્યો. પડતાં સાથે જ પદીયો બેભાન થઈ ગયો.

બે દિવસ પછી પદિયો ભાનમાં આવ્યો ત્યારે પદિયો હોસ્પિટલના ખાટલામાં પડ્યો હતો. સામે એના ઘરના લોકો ઊભા હતા અને એક ડોક્ટર ઊભા હતા. પદિયાને ભાનમાં આવેલો જોઈ ડોક્ટર બોલ્યા, `પેશન્ટને વાંદરાંનાં અને કૂતરાંનાં બટકાં માટેનાં ઈન્જેક્શન આપી દીધાં છે, પણ ચહેરા પર ઈજા થઈ છે એનો સોજો ઊતરતા અઠવાડિયું થશે.' સૂજેલા હોઠ, નાક, ગાલ, કપાળ પર હાથ ફેરવતાં પદિયો બોલ્યો, `આના કરતાં હોળી રમ્યો હોત તો સારું થાત.'