મહાભારતના શાંતિપર્વમાં ટીમ બિલ્ડિંગ વિશે તેમજ ટીમને કઈ રીતે સાચવવી કે તેમને કઈ રીતે પ્રોડક્ટિવ બનાવવી એ વિશે પણ પિતામહ ભીષ્મે અનેક રસપ્રદ વાતો કરી છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે લીડર ભલે ગમે એટલો સ્કિલ્ડ કે બુદ્ધિશાળી હશે, પરંતુ તેની પાસે જો ટીમનાં ઠેકાણાં નહીં હોય તો જીવનમાં અમુક સફળતાઓ ક્યારેય મેળવી શકવાનો નથી. કારણ કે સંસ્થાકીય ઢાંચામાં થતાં તમામ કામો ટીમવર્કથી જ થતાં હોય છે અને ટીમવર્ક યોગ્યરૂપે ત્યારે જ થઈ શકે, જ્યારે લીડરે ટીમને બનાવવામાં, ટીમને સાચવવામાં કે ટીમને પ્રોત્સાહિત કરવામાં તેનું યોગદાન આપ્યું હોય. એનો અર્થ એ થાય છે કે પિતામહ ભીષ્મ ટીમ બનાવવા, ટીમને સાચવવા તેમજ તેમને પ્રોત્સાહિત કરવાનાં એમ ત્રણેય કામોને અત્યંત મહત્ત્વનાં માને છે.

તેઓ કહે છે કે મોટાભાગના લીડર્સ અત્યંત મોટી ભૂલ એ કરે છે કે તેઓ પોતાના વિશ્વાસુ કે પોતાની નજીકના કે ઓળખીતા માણસને પોતાની ટીમ તરીકે પસંદ કરે છે. આ કારણે થાય એવું કે મેરિટ ધરાવતા લોકો ટીમમાં બહુ પાછળ ધકેલાયેલા રહે અને જ્યાં મેરિટ ધરાવતા લોકોની તાતી જરૂર છે ત્યાં પેલા ઓળખીતા કે નજીકના હોવાની લાયકાત ધરાવતા લોકો બેસી ગયા હોય છે. આ કારણે એકસાથે બે બાબત એ બને છે કે એક તો મેરિટ ધરાવતા, પણ પાછળની હરોળમાં રહેતા અને મેરિટ વિનાના પાવરફુલ માણસો વચ્ચે ટકરાવ-અવિશ્વાસની સ્થિતિ સર્જાયેલી હોય છે. બીજી બાબત એ બને મેરિટ ધરાવતા લોકોનું મોરલ ડાઉન થતું રહે છે, જેના કારણે તેમની પ્રોડક્ટિવિટી પર અસર થાય છે.

ભીષ્મ કહે છે કે આમાં નુકસાન માત્ર લીડરને જ થવાનું છે, કારણ કે જેઓ તેની નજીકના છે કે જેઓ તેમના ઓળખીતા છે એમને પણ એક તબક્કે તો તેમના પોતાના પગાર કે પોતાના સ્વાર્થની જ પડી હોય છે. તેમને કંઈ લીડરના વિઝન કે તેની સફળતાઓ સાથે નિસ્બત નથી હોતી! આ તો મેરિટ ધરાવતા લોકોને પોતાની યોગ્યતા પુરવાર કરવાની કે નવા નવા ઈનોવેશન કે ઈનિશિયેટિવ્સ લેવાની તક નથી મળતી, જેથી લીડર તેના ક્ષેત્રમાં કે તેના માર્કેટમાં એક સામાન્ય કક્ષાનો માણસ બનીને રહી જાય છે. પરંતુ ભીષ્મ અહીં સલાહ આપે છે કે લીડરે વિશ્વાસુ માણસને મહત્ત્વની જવાબદારીઓ આપવા કે તેમને મોટાં પદો પર નિયુક્ત કરવા કરતાં જેમની પાસે મેરિટ છે એવા લોકોને મોટાં પદો પર સ્થાપિત કરવા અને પછી ધીમે ધીમે તેમનો વિશ્વાસ કેળવતા જવું. એટલે લીડરને માત્ર વિશ્વાસ જ નહીં, પરંતુ પરિણામ પણ મળે. તો બીજો મુદ્દો ભીષ્મ જણાવે છે કે પોતાની ટીમને સાચવવું એ અત્યંત મહત્ત્વનું છે. તેઓ કહે છે કે લીડરની ટીમને હંમેશાં એ ભરોસો હોવો જોઈએ કે તેમનો લીડર હંમેશાં તેમની પડખે રહેશે અને તેમના કામની જ નહીં, સંસારની પણ અમુક જવાબદારીઓ સમયાંતરે નિભાવશે. તેઓ કહે છે કે અનેક વાર એવા પ્રસંગો સર્જાતા જ હોય છે કે જ્યારે લીડરે તેની ટીમ કે તેના કર્મચારીઓ બાબતે સ્પષ્ટ સ્ટેન્ડ લેવાનું હોય અથવા તેમની નાની-મોટી ભૂલોને માફ કરીને તેમની પડખે રહેવાનું હોય.

એવા સમયે લીડરે નરો વા કુંજરો વા ન કરવું અને સોય ઝાટકીને સ્ટેન્ડ લેવું કે હશે, જે હોય એ પણ એ મારી ટીમ છે. એમની ભૂલ એ મારી પણ ભૂલ. અથવા તો તેમની કોઈ રીતે પ્રતાડના થતી હોય તો એ બાબતે લીડરે ખોંખારીને આગળ આવવું અને પોતાના માણસની પ્રતાડના ન થવા દેવી, જેથી તેની ટીમમાં એ શ્રદ્ધા દૃઢ થાય કે તેઓ અત્યંત સારા માણસની સાથે કામ કરી રહ્યા છે. ભીષ્મ કહે છે કે એકવાર ટીમની અંદર આ ભાવના દૃઢ થઈ ગઈ તો એ ટીમ તેના લીડર માટે કંઈ પણ કરી શકે.

 તો છેલ્લી વાત છે એમને પ્રોત્સાહિત કરવાની. તેઓ કહે છે કે અનેક લીડરને અત્યંત ખોટી ટેવ હોય છે કે તેઓ હાલતા ને ચાલતા ગામમાં કહેતા ફરતા હોય છે કે ફલાણું કામ તો મેં કર્યું, કે ઢીંકણું મિશન મેં પૂરું કરાવ્યું. ભીષ્મ કહે છે કે આ અહમી લીડરનાં લક્ષણ છે. જે લીડર આવું વિચારતો હોય એના મનમાં સ્વાભાવિક રીતે જ ટીમવર્કનું મહત્ત્વ નહીંવત્ હોય અને જેમને ટીમવર્કનું મહત્ત્વ નહીં હોય એમને વળી ટીમના સભ્યોનું શું મહત્ત્વ હોવાનું? એટલે પછી સ્વાભાવિક જ આવા લોકો પોતાની ટીમથી અળગા રહેવાના અથવા તો પોતે ટીમના ઉપરી છે એવું જતાવતા રહેવાના. ભીષ્મ કહે છે કે આવા લીડર્સની ટીમ એક સમયે નિષ્ક્રિય થઈ જાય છે, જેનો સીધો ગેરલાભ લીડરને થતો હોય છે. એની સામે જો લીડર ટીમને સતત પ્રોત્સાહિત કરતો હોય અથવા તો જો એ પોતાની સફળતાઓનું શ્રેય ટીમને આપતો ફરતો હોય તો સ્વાભાવિક જ ટીમની અંદર જુસ્સો બરકરાર રહે અને ટીમ સતત ઉત્સાહમાં રહીને પોતાના લીડર માટે અવનવાં સાહસો કરવા તૈયાર રહે. એનો અર્થ એ થયો કે મેરિટ અને સરાહના અત્યંત મહત્ત્વની બાબતો છે. લીડરે એ શીખવું જ રહ્યું.