ગ્રામપંચાયતનો રેવન્યૂ પસાયતો વાસના નાકે આવીને ઊભો રહ્યો હતો. પછી તે સ્વભાવગત રોફ છાંટતા તાડૂક્યો હતો: `એલા એય સોકરાવ, જાવ, કોઈ માલુબાઇને આંયા બોલાવતા આવો!'
સમજુ-અણસમજુ છોકરો ભય અનુભવતા પસાયતા સામે જોઈ રહ્યા હતા. ત્યાં ફરી પસાયતો બરાડી ઊઠ્યો હતો: `આવીતેવીના મું કવ ઈ હાંભળતા નથી, જાવ વાલામેતરની વવ માલુબાઇને આંયા આવવાનું કે'તા આવો.' છોકરાઓ ડરના માર્યા પાછું ફરીને જોયા વગર મુઠ્ઠીઓ વાળી ગડગડતી કાઢતા ગયા હતા.
પસાયતો પગ પછાડતો ઊભો રહ્યો હતો. સાપના કરંડિયા જેવા મગજમાં એક જ વાત ઘૂમરાતી હતી: `સરપંચને ગામમાંથી બીજું કોઇ નો મળ્યું તે આ નગપગ વગર્યની બાઇને ગામની સભ્ય બનાવી?' પછી સાપના ઝેર જેવું મોંમાં ભરાયું હતું: `ઈની હામુંય ન જોઈ, નજર નાખવામાંય અભડાઈ જવાય એવા વરણની બાઇ પાંહે અમારે હામેથી જાવાનું?' પસાયતાને વાંધો જ આ બાબતનો હતો. બાકી ગ્રામપંચાયતની સેવાને સરપંચની જી હજૂરી કરવાનો જ પગાર મળતો હતો. વળી કોઈની ચાડીચુગલી ખાઇને ટાઢા પાણીએ ખસ કાઢવાનું કામ તો નફામાં રહેતું હતું. ગામનો એવો કોઈ જણ ઝપટે ચઢે, ધાર્યું ન કરે એટલે સરપંચ આગળ એની બુરાઇ કરવાની. પછી સરપંચ એને પંચાયતે બોલાવી,પંચની રૂબરૂમાં ઘઘલાવી ને લોંદાવી નાખે. પડ્યું પાણી સૂઝવા ન દે. આ દહેશતના લીધે લાજાળુ મનેખ પસાયતાની આડે ન ઊતરે. વળી, સારું લગાડવા માટે, વાડી-ખેતરમાંથી શાકભાજી ઉતારીને પસાયતે દઇ આવે અને વરસ દહાડે અનાજ તો આપે. આમ, પસાયતાને બખા સાથે બોલબાલા હતી. પોતાની એકહથ્થુ સત્તાના લીધે ફાટીને ધુમાડે નીકળી ગયો હતો. ગામમાં એની ફેં ફાટતી હતી. કૂતરું પણ એની આડું ઊતરતા બીતું ને ડરતું હતું, પણ આ માલુબાઇ પાસે સહી લેવા જવાની વાતે ખુદ ઢીલોઢફ થઇ જાતો હતો. હારી ને સાવ હરેરી જાતો હતો.
સવાર ને બપોરના સાંધીવાળાનો વખત હતો. તાપ તેની કળા કરવા લાગ્યો હતો. બહારના બફારા કરતાં પસાયતાને અંદરનો બફારો અકળાવતો હતો. પગે કીડીઓ ચટકા ભરવા લાગી હતી. એક પળ પણ ઊભા રહેવું ફાવતું નહોતું. પોતાનું ચાલે તો રૂબરૂ જઇને માલુબાઇની સહી લઇ આવે, હાંઉ એક કામ પૂરું થાય! પણ તન-મનમાં અડબાઉ ઝાડ જેમ ઊગેલો ને ઉછરેલો અહમ્ આડે આવીને ઊભો રહેતો હતો: `મું ગામનો પસાયતો... ઇના ઘેર્ય જાઉં?' પાછળથી બોલાઇ જવાતું હતું : `અમારોય કાંય ધરમ હોયને!?'
એકાએક ઊગી આવ્યું હતું : `બાઇ સય કરવાની ના પાડે સે, એવું સરપંચને કય દેવાનું, ક્યાં કોય મોઢેમોઢ થાવાના?' પછી ગંદુંગોબરું હસ્યો હતો : `જાય બિલાડી મોભામોભ!' પણ ત્યાં છોકરાઓ ઢીલા પગે ને વિલા મોંએ જવાબ લઇને આવતા હોય એવું લાગ્યું હતું, તેથી કઠણ થઇ પસાયતો ઊભો રહ્યો હતો.
આઝાદી આવ્યા માથે દસકાનો સિક્કો લાગી ગયો હતો. તે પૂર્વે અમરેલી વિસ્તાર ગાયકવાડ સરકારની હકૂમત હેઠળ હતું. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઓગણીસમી સદીની શરૂઆતમાં પસાર કર્યો હતો. તેના ભાગ રૂપે અમરેલી શહેરના અડખેપડખેનાં ગામોમાં કન્યાઓને ભણાવવા માટેનું અભિયાન શરૂ થયું હતું. કોઈ કન્યાને ભણવા ન મોકલે તો દંડ થાય અને દંડ ભરવાની તૈયારી ન હોય તે ગાયકવાડનું રાજ્ય છોડી અન્ય રાજ્યમાં સ્થળાંતર કરી શકે. તેમાં કોઈ રોકટોક નહોતી.
ખાસ તો ઈશ્વરના નામ પરથી અમરેલીના બગલમાં આવેલા ઈશ્વરિયા ગામથી કન્યાકેળવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છૂત-અછૂતના ભેદભાવ વગર ઘણી કન્યાઓ ભણતી થઇ હતી. તેમાં માલુબાઇ નિશાળે જઇ બે ચોપડી ભણ્યાં હતાં. લખતાં-વાંચતાં આવડતું હતું. માલુબાઇને પંચાયતનાં સભ્ય ચૂંટાવી સરપંચે સ્ત્રી અને અનામત એમ એક કાંકરે બે પક્ષી વીંધ્યાં હતાં. એક ખોબામાં બેઉ પાંચીકા આવી જાતા હતા. તે કુનેહ ને રાજનીતિ ભાગ્યે કોઈને સમજાય એમ હતી! તેમાં પસાયતાની તો ચાંચ ક્યાંથી ડૂબે? તેથી નકરા વાંધાવચકા જ કાઢે, એકલો પડ્યો બફાટ કરે! પણ સામે ચાલી સાવજને કોણ કહેવા જાય તારું મોં ગંધાય છે!
આ બાજુ માલુબાઇને છોકરાઓનું કહેવું સાંભળી તેમને ભારે ગુસ્સો આવ્યો હતો. પાકેલી કેરી જેવું નમણું મોં લાલચોળ થઇ ગયું હતું. તે જાતે જ ભડભડી ઊઠ્યાં હતાં ને મોંએ આવી ગયું હતું: `ઉધળેલના, કાંવ તારા પગ ભાંગું ગા છે તે આંયા ઘર લગી ગુડાતો નથી?' પછી સોયઝાટકી ઝાપટી દેવાનું હતું: `જા, નથી સય કરવી!' પણ પદને સંભાળવું હતું, તેથી સલૂકાઈથી કહ્યું હતું : `એલા છોકરાવ, મું હમણાં આવતી સા!' આવું સાંભળી છોકરાઓ તો ગોફણમાંથી ઘા વછૂટે એમ બહબહાટી કરતાં નીકળી ગયાં હતાં.
પછી માલુબાઇએ મનથી નક્કી કરી ખડકી બહાર પગ કાઢ્યો હતો.
પસાયતો ધૂઆંપૂઆં થાતો બોલી ગયો હતો :`ઝટ સય કરો, અમારે મોડું થાય છે!' સામે માલુબાઇએ ઝાટકીને કહી દીધું હતું : `કાંય વાંચ્યા વગર્ય સય નય થાય. હમજ્યા!' ભણેલી સિંહણની ડણક સાંભળી પસાયતાને પરસેવો છૂટી ગયો હતો!
