તાજેતરમાં જ ભારતીય નેવીની બે મહિલા અફસરોએ પોઈન્ટ નિમોને પાર કરવાનો રેકોર્ડ બનાવ્યો. આ બંને મહિલા અફસરનાં નામ લેફ્ટનન્ટ કમાન્ડર ડિલના કે. અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ. છે. તેઓ 2 ઓક્ટોબર, 2024ના રોજ INSV તરિણી બોટથી આખી દુનિયાનું ચક્કર લગાવવા નીકળી છે. પોઈન્ટ નિમો દુનિયાનાં સૌથી દુર્ગમ સ્થાનોમાંથી એક છે. આ બંને ઓફિસરે પોઈન્ટ નિમો ક્ષેત્રમાંથી પાણીના નમૂના એકઠા કર્યા છે, જેનું વિશ્લેષણ રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન કરશે. જેનાથી સમુદ્રી જૈવ વિવિધતા અને પાણીની રાસાયણિક સંરચનાની સાથે સાથે સમુદ્ર અંગે વિવિધ મૂલ્યવાન જાણકારી મળવાની શક્યતા છે.
આ જગ્યા કોણે શોધી?
દુનિયાની સૌથી રહસ્યમયી જગ્યાઓમાં ધરતી પર એક એવી જગ્યા પણ આવેલી છે, જે ચારે બાજુથી પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલી છે જેને પોઈન્ટ નિમો કહેવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે તેની શોધ કરનાર વૈજ્ઞાનિકે પણ આજ સુધી અહીં પગ નથી મૂક્યો. માનવ વસ્તીથી હજારો કિલોમીટર દૂર આવેલી જગ્યા પર જવાનું કંઈ સહેલું નથી. ઈ.સ. 1992માં એક સર્વે એન્જિનિયરે પોઈન્ટ નિમોની શોધ કરી હતી. તેમનું નામ હર્વોજ લુકાતેલા હતું.
વૈજ્ઞાનિકો પણ રહસ્યમયી અવાજોથી ડરે છે
આ જગ્યાએ એટલો સન્નાટો છે કે આત્મા પણ કંપી ઊઠે. વર્ષ 1997માં સમુદ્ર વિજ્ઞાનીઓએ પોઈન્ટ નિમોના પૂર્વમાં લગભગ બે હજાર કિલોમીટર દૂરથી એક રહસ્યમયી અવાજ સાંભળ્યો. બ્લૂ વેલના અવાજથી પણ અનેકગણો મોટો આ અવાજ હતો કે જેણે વૈજ્ઞાનિકોને પણ ડરાવી દીધા. તેઓ સમજી ન શક્યા કે આખરે આ અવાજ શેનો છે. કેટલાક લોકો તેને બીજી દુનિયાનો અવાજ માને છે તો કેટલાક રહસ્યમયી મોન્સ્ટરની સ્ટોરી ઘડવા લાગે છે. જોકે, એક રિપોર્ટ પ્રમાણે અહીં કેટલીક ચટ્ટાનો તૂટતી રહે છે. આ ભયાનક અવાજો બહુ મોટી બર્ફીલી ચટ્ટાનો તૂટવાને કારણે પેદા થાય છે. બરફના તૂટવાથી પેદા થનારી ફ્રીક્વન્સી જ આ અવાજ બની જાય છે.
પોઈન્ટ નિમોને સેટેલાઈટ્સનું કબ્રસ્તાન કેમ કહે છે?
પોઈન્ટ નિમોને ધરતીની સૌથી સૂમસાન જગ્યા માનવામાં આવે છે અને તે એટલી વધારે દૂર છે કે તેની સૌથી નજીકની સૂકી જમીન પણ 2700 કિલોમીટર દૂર છે. તેને પાર કરવામાં ઘણા દિવસો લાગી જાય છે. આ દ્વીપો પર માત્ર અમુક પક્ષીઓ જ હોય છે. પ્રશાંત મહાસાગરની વચ્ચે સ્થિત પોઈન્ટ નિમોને `દુર્ગમતાનો ધ્રુવ' પણ કહેવામાં આવે છે. ઈસ્ટર દ્વીપના દક્ષિણમાં અને એન્ટાર્કટિકાની ઉત્તરમાં આવેલી આ જગ્યાની ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. અહીં સમુદ્રની ઊંડાઈ 4 હજાર મીટરથી પણ વધારે છે.
પોઈન્ટ નિમોને ઉપગ્રહોનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે, કારણ કે ઈ.સ. 1970 પછી આ જગ્યા પર દુનિયાભરના આશરે 300 રિટાયર્ડ ઉપગ્રહોને ડુબાડવામાં આવ્યા છે, જેથી મનુષ્યોને કોઈ ખતરો ન રહે. તાજેતરમાં જ નાસાએ ઘોષણા કરી છે કે તે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ને પણ રિટાયર્ડ થયા પછી પોઈન્ટ નિમોમાં જ દફન કરશે, જે પાછલાં 25 વર્ષથી કામ કરી રહ્યું છે અને વર્ષ 2031માં તેને રિટાયર્ડ કરવાનું છે. 109 મીટર લાંબા અને 419725 કિલોગ્રામ વજનના સ્પેસ સ્ટેશનને પોઈન્ટ નિમોમાં વિસર્જિત કરી દેવાશે. આ જગ્યાએ કોઈ જીવજંતુ, વનસ્પતિ કે મનુષ્ય દૂર દૂર સુધી ન હોવાથી રિટાયર્ડ થઈ ગયેલા કે બગડી ગયેલા સેટેલાઈટ્સ અને તેનું ઈંધણ નાખવામાં આવે છે. જો સેટેલાઈટ્સ માનવવસ્તી હોય ત્યાં પડે તો નુકસાન થઈ શકે અને અહીં કોઈ જ નુકસાન થવાની શક્યતા રહેતી નથી. અનેક સેટેલાઈટ્સને અહીં પાડીને ડુબાડી દેવામાં આવ્યા છે, તેથી આ જગ્યાને સેટેલાઈટ્સનું કબ્રસ્તાન કહે છે. અહીં હજારો કિલોમીટરના વિસ્તારમાં સેટેલાઈટ્સનો કાટમાળ પડ્યો છે.
અહીં કોઈ દેશનો અધિકાર નથી
પોઈન્ટ નિમો સમુદ્રની વચ્ચોવચ સ્થિત છે. દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સ્થિત આ જગ્યાને સમુદ્રનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ સમુદ્રી સ્થાન પર કોઈ એક દેશનો અધિકાર નથી. જો તમે અહીંથી સૂકી જમીન શોધશો તો સૌથી નજીકનો દ્વીપ પણ 2700 કિલોમીટર દૂર છે. અહીં કોઈ માણસ, જીવ-તંતુ કે વનસ્પતિ પણ નથી. તેને કારણે આને દુનિયાની સૌથી એકલી જગ્યા માનવામાં આવે છે.
અહીંથી ISS સૌથી નજીક છે
જો પોઈન્ટ નિમોથી તમે સૂકી જમીન શોધશો તો સૌથી નજીકનો દ્વીપ આશરે 2700 કિલોમીટર દૂર છે. જ્યારે તમે માત્ર 400 કિલોમીટર ઉપર જાઓ તો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી જશો. આમ, આ જગ્યાથી સૌથી નજીક જમીન નહીં પણ ISS છે. પોઈન્ટ નિમો પર તેની સૌથી નજીક કોઈ વ્યક્તિ હોય તો તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેલા અંતરિક્ષયાત્રી હોય છે.