સમગ્ર દુનિયાના મોટાભાગના લોકોને પોકેમોને ઘેલું લગાડ્યું હતું. તે પછી પોકેમોનનાં કાર્ડ હોય, કાર્ટૂન્સ હોય કે પછી તેને શોધવાની ગેમ હોય. દુનિયામાં માત્ર બાળકો અને યુવાવર્ગ જ નહીં, પરંતુ ઘરડાં લોકો પણ પોકેમોન તરફ આકર્ષાયાં છે. અલબત્ત, આ આકર્ષણ હજી પણ અકબંધ છે. જોકે, હવે પોકેમોન ચિપ્સે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે.

થોડા દિવસ પહેલાં પોકેમોન જેવા દેખાતા ચિપ્સની હરાજી બોલાવવામાં આવી હતી, જેની કિંમત લાખો રૂપિયામાં પહોંચી હતી. આ પોકેમોન ચિપ્સની હરાજી અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા ગોલ્ડિન નામના હરાજીઘરમાં થઇ હતી. જેની શરૂઆતની બોલી 275 ડોલરથી ચાલુ થઇ હતી, પરંતુ આ બોલીમાં ક્રમશઃ અધધ વધારો થઇ રહ્યો હતો. કુલ 16 બોલીઓ પછી અંદાજિત આ ચિપ્સ અંતે 88,000 ડોલર (અંદાજિત 76 લાખ રૂપિયા)માં તે ચિપ્સ વેચવામાં આવી હતી. દુનિયાભરમાં આ રીતે કોઇ ખાનપાનની વસ્તુની આટલી અધધ કિંમતની હરાજી લાગી છે તે હવે સામાન્ય થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ એક દીવાલ પર સેલોટેપ વડે ચોંટાડેલ કેળાની હરાજી બોલાવાઇ હતી, જે અંદાજિત 52 કરોડ રૂપિયામાં વેચાયું હતું.

એક એવું ગામ જે નશામુક્ત અને ગુનામુક્ત છે!

ભાગ્યે જ કોઇ ગામડું કે શહેર હશે જ્યાં રહેતા લોકો નશાના બંધાણી નહીં હોય અને એવા જ એક ગામનું નામ `લખાઇડીહ.' મૂળ આ ગામ ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લામાં આવેલું છે. આ ગામ માત્ર નશામુક્ત જ નહીં, પરંતુ આ ગામમાં કોઇ ગુનો પણ નોંધાયો નથી, જે ખરેખર આશ્ચર્યનો વિષય બન્યો છે. બીજી નવાઈની વાત તો એ છે કે, અહીં ગામમાં એકેય મહુડાનું ઝાડ પણ નથી! કેટકેટલાંય વર્ષોથી ગામમાં પોલીસ પણ આવી નથી! જોકે, સ્વાભાવિક છે કે જો ગુનો બને તો અહીં પોલીસ આવેને? ઉલ્લેખનીય છે કે, આ ગામમાં ત્યારે પણ શાંતિ પ્રવર્તતી જોવા મળતી હતી, જ્યારે નકસલવાદનો ઊહાપોહ રહ્યા કરતો હતો. આ ગામમાં સંપ અને વિશ્વાસ એટલો બધો છે કે, ગામના લોકો ક્યારેય ઘરમાં તાળાં પણ મારતાં નથી. ગામના લોકો ખેતીવાડી અને પશુપાલનને વિશેષ પ્રાધાન્ય આપે છે. અલબત્ત, યુવાવર્ગ પણ ખેતીને વધુ મહત્ત્વ આપે છે અને નશાથી જોજન દૂર રહે છે. આ ગામમાં અંદાજિત 65થી વધુ પરિવાર રહે છે અને ગામમાં પ્રાઇમરી સ્કૂલ પણ છે, જેમાં 142 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ટૂંકમાં, આ ગામ ભારતનાં આદર્શ ગામોની પહેલી હરોળમાં આવે છે.

ફરી એકવાર બ્લેક સી ડેવિલ જોવા મળી

સમુદ્રના પેટાળમાં આજે પણ એવાં જીવજંતુઓ જોવા મળે છે, જે તમને આશ્ચર્ય ચકિત કરી દેતાં હોય છે. કેટલાંક એવાં જીવજંતુઓ પણ હોય છે, જેને પહેલી નજરે જોતાં જ ડઘાઈ જવાય છે. અથવા તો તેને જોઇને જ જાણે કોઇ જીવંત દૈત્ય જ તમારી સામે આવી ચડ્યો હોય એવો અહેસાસ થાય છે. થોડા દિવસ પહેલાં જ બ્લેક સી ડેવિલ (સમુદ્રી શેતાન) કહેવાતી ફિશ કેમેરામાં કેદ થઇ હતી. જે સાચે જ ડરામણી છે! અગાઉ તેને વર્ષ 2014માં જોવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2025માં જ થોડા દિવસ પહેલાં જ તેને સ્પેનના તેનેરિફ ટાપુ પાસે જોવામાં આવી હતી. મૂળ આ માછલી સમુદ્રના ઊંડા પેટાળમાં રહે છે અને તે ભાગ્યે જ સમુદ્રની સપાટી પર જોવા મળે છે. બ્લેક સી ડેવિલને હમ્પબૈક એંગલર ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માછલીનું માથું મોટું અને મોઢું પહોળું હોય છે. તે ખાસ કરીને બાયોલ્યુમિનિસેન્ટ લ્યુર માટે વધારે આકર્ષણનું કેન્દ્ર બને છે. માત્ર 3 ફૂટ 5 ઈંચની આ માછલીના માથા પર જોવા મળતી લાઇટ અને તેના તીક્ષ્ણ દાંતથી તે વધુ ડરામણી લાગે છે.